×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું ટાઈમ-ટેબલ આવી ગયું! ગુજરાતના આ સ્ટેડિયમમાં 'ફાઈનલ' નક્કી

image : website


ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ભારતમાં યોજાનાર વન-ડે ઈન્ટરનેશનલ(ODI)વર્લ્ડ કપ 2023ની તારીખો લગભગ નક્કી થઇ ચૂકી છે. આ વર્લ્ડકપની ફાઈનલ મેચ ક્યાં રમાશે તે પણ નક્કી થઈ ગયું છે. અહેવાલ અનુસાર આ વર્ષે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે.

46 દિવસમાં કુલ 48 મેચો યોજાશે

એક અહેવાલ અનુસાર  ODI વર્લ્ડ કપની તારીખો અને સ્થળ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 10 ટીમોની આ ટુર્નામેન્ટ માટે એક ડઝન સ્થળોને શોર્ટલિસ્ટ કર્યા છે. BCCIએ વર્લ્ડ કપ ફાઈનલ માટે સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને શોર્ટલિસ્ટ કર્યું છે. મતલબ કે અહીં ફાઈનલ થવાની લગભગ નિશ્ચિત છે. આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે. આ દરમિયાન 10 ટીમો વચ્ચે 3 પ્લેઓફ સહિત કુલ 48 મેચો રમાશે.

બીજા કયા વેન્યૂ થયા શોર્ટલિસ્ટ? 

આ તમામ મેચો માટે BCCIએ અમદાવાદ સહિત બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈને શોર્ટલિસ્ટ કર્યા છે. જો કે, ICC ટૂર્નામેન્ટની તારીખો એક વર્ષ અગાઉ જાહેર કરવામાં આવે છે.  પરંતુ આ વખતે BCCI કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. બે મુખ્ય મુદ્દાઓ પાકિસ્તાન ટીમ માટે વિઝા મંજૂરી અને ટૂર્નામેન્ટ માટે કર મુક્તિ છે.

પાકિસ્તાનને વિઝાની ખાતરી

ICCની છેલ્લી બેઠક દુબઈમાં યોજાઈ હતી. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ મીટિંગમાં બીસીસીઆઈએ આશ્વાસન આપ્યું છે કે પાકિસ્તાનને વર્લ્ડ કપ માટે ભારતના પ્રવાસ માટે વિઝા મળશે. જ્યાં સુધી કરમુક્તિનો પ્રશ્ન છે, એવી પણ અપેક્ષા છે કે BCCI ટૂંક સમયમાં ICCને ભારત સરકારની ચોક્કસ સ્થિતિ વિશે અપડેટ કરશે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી (ટેસ્ટ, ODI, T20) ડિસેમ્બર 2012માં રમાઈ હતી. ત્યારે પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી અને બંને ટીમો વચ્ચે 2 T20 અને 3 ODIની શ્રેણી રમાઈ હતી. T20 સિરીઝ 1-1 થી બરાબર રહી હતી. જ્યારે પાકિસ્તાને વનડે શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી.