×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વારાણસીમાં તૈયાર થશે દેશનો પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપ-વે, PM મોદી કરશે શિલાન્યાસ

image : Twitter


વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીને દેશનો પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપ-વે ભેટ આપવા જઈ રહ્યા છે.  પીએમ મોદી 24 માર્ચે વારાણસીના પ્રવાસે જશે અને આ દરમિયાન તેઓ રોપ-વે નિર્માણનો શિલાન્યાસ કરશે. આ રોપ-વે કેન્ટ રેલ્વે સ્ટેશન (વારાણસી જંકશન) થી ગોદૌલિયા સ્ક્વેર સુધી ચાલશે. તેના નિર્માણ પછી કાશી વિશ્વનાથ મંદિર, દશાશ્વમેધ ઘાટ જવાનું સરળ બનશે. યોજના પાછળ 644.49 કરોડનો ખર્ચ થશે.

સ્થાનિકોની સમસ્યાનો આવશે અંત 

વારાણસીમાં નેશનલ હાઈવે, રિંગરોડ, ફ્લાયઓવર, આરઓબી પછી હવે ભીડભાડવાળા વિસ્તારમાં જાહેર પરિવહન માટે રોપ-વેના નિર્માણથી વારાણસી આવતા દેશી-વિદેશી પ્રવાસીઓની સાથે સ્થાનિક લોકોને પણ ઘણી રાહત મળશે. વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટીના વાઈસ પ્રેસિડેન્ટ અભિષેક ગોયલે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં વારાણસી કેન્ટથી ગોદૌલિયા વચ્ચે દેશનો પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપ-વે ચલાવવામાં આવશે. કાશીના જૂના વિસ્તારોમાં રસ્તાઓ સાંકડા થવાને  અને ટ્રાફિકના દબાણમાં સતત વધારો થવાને કારણે અહીં અવારનવાર જામની સ્થિતિ રહે છે, જેના કારણે સ્થાનિક વિદેશી પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિક લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

બોલિવિયા અને મેક્સિકો પછી ભારત ત્રીજો દેશ 

નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડના પ્રોજેક્ટ ડિરેક્ટર અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું કે બોલિવિયાના લાપાઝ અને મેક્સિકો પછી ભારત વિશ્વનો ત્રીજો દેશ હશે અને અહીંનું વારાણસી પહેલું શહેર હશે જ્યાં જાહેર પરિવહન માટે રોપ-વેનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ એક પાયલોટ પ્રોજેક્ટ છે અને તેનું નિર્માણ સ્વિસ કંપની બર્થલેટ અને નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ (NHLPL) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.

2 વર્ષમાં રોપ-વે તૈયાર થઈ જશે

તેમણે કહ્યું કે વારાણસી કેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સ્ક્વેર સુધી કુલ પાંચ સ્ટેશન હશે, જેમાં કેન્ટ રેલવે સ્ટેશન, કાશી વિદ્યાપીઠ, રથયાત્રા, ચર્ચ અને ગોદૌલિયા સ્ક્વેર પર સ્ટેશન બનાવવામાં આવશે. રોપ-વેનું કુલ અંતર 3.8 કિમી હશે, જે લગભગ 16 મિનિટમાં કાપવામાં આવશે. આ સાથે લગભગ 50 મીટરની ઉંચાઈથી લગભગ 150 ટ્રોલી કાર દોડશે. તેમણે કહ્યું કે એક ટ્રોલીમાં 10 મુસાફરો બેસી શકે છે અને દર દોઢથી બે મિનિટે મુસાફરો માટે એક ટ્રોલી ઉપલબ્ધ રહેશે. એક કલાકમાં 3000 લોકો એક દિશામાં મુસાફરી કરી શકશે. રોપ-વેનું સંચાલન 16 કલાક કરાશે અને તે 2 વર્ષમાં તૈયાર થઈ જશે. તેમણે જણાવ્યું કે જમીન સંપાદન, વાયર અને પાઇપ શિફ્ટિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.