×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમૃતપાલ સિંઘ : બાઈક પર વેશ બદલી ભાગતો હોવાના CCTV ફુટેજ આવ્યા સામે, પંજાબ પોલીસે કાર કરી જપ્ત

અમૃતસર, તા.21 માર્ચ-2023, મંગળવાર

3 દિવસ વિતવા છતાં કટ્ટરપંથી અમૃતપાલ હજુ પણ ફરાર છે. 116 લોકોની ધરપકડ કર્યા પછી પણ પંજાબ પોલીસના હાથ ખાલી છે. આ દરમિયાન અમૃતપાલ વિશે નવા ખુલાસા થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, અમૃતપાલ વેશ બદલીને ભાગવામાં સફળ થયો છે. તેણે શાહકોટમાં વેશ બદલ્યો હતો. અહીં તેણે પેન્ટ-શર્ટ અને ગુલાબી પાઘડી પહેરી અને બાઇક પરથી ભાગી ગયો હતો. અગાઉ અમૃતપાલ સિંઘ બ્રેઝા કારમાં નંગલ અંબિયા ખાતેના ગુરુદ્વારા સાહિબ પણ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેણે અહીં ભોજન પણ ખાધું હતું. દરમિયાન બીજી તરફ પંજાબના આઈજીપી સુખચૈન સિંહ ગિલે જણાવ્યું કે, જે બ્રેઝા કારમાં અમૃતપાલ સિંહ ભાગી ગયો હતો, તે કારને કબ્જે કરી લેવામાં આવી છે.

અમૃતપાલને બાઈક આપનાર બેની ધરપકડ

સુખદીપ અને ગૌરવ નામના બે વ્યક્તિઓએ અમૃતપાલને બે બાઈક પુરી પાડી હતી. પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે. અમૃતપાલના નવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અમૃતપાલ ટોલ પ્લાઝા પર કારમાં જતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો શનિવારે રાત્રે લગભગ 11.30 વાગ્યાનો છે. બીજી તરફ પંજાબ પોલીસે અમૃતપાલ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) હેઠળ કેસ નોંધ્યો છે. અગાઉ તેના કાકા સહિત 5 લોકો પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ લગાવાઈ છે.

ગુપ્તચર એજન્સીઓના રડાર પર હતો અમૃતપાલ

અમૃતપાલ સિંઘની તમામ હરકતો પર કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ નજર રાખી રહી હતી. 4 મહિના પહેલા તેની સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉપરાંત દિલ્હીમાં તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશકો (DGP)ની બેઠકમાં પંજાબના DGP ગૌરવ યાદવે અમૃતપાલના મામલાને ગંભીરતાથી લીધો હતો. ફેબ્રુઆરીમાં પોલીસે તેના સમર્થકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ દરમિયાન તેના એક સાથીની પણ પોલીસે ધરપકડ કરી હતી. અમૃતપાલ સિંઘે તેના સાથીને છોડાવવા માટે ટોળા સાથે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં તેણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકી આપી હતી. ત્યારબાદ પંજાબ પોલીસે અમૃતપાલ વિરુદ્ધ કાર્યવાહીની રણનીતિ બનાવી હતી.