×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

SCO સમિટ : ભારતે પાક. સંરક્ષણ મંત્રીને પાઠવ્યું આમંત્રણ, પાકિસ્તાન સરકારે કહી આ વાત

નવી દિલ્હી, તા.15 માર્ચ-2023, બુધવાર

આગામી મહિને એપ્રિલમાં ભારતમાં નવી દિલ્હી ખાતે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠક યોજાશે, ત્યારબાદ મે મહિનામાં ગોવામાં વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે, ત્યારે ભારતે SCOની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને આમંત્રણ મોકલ્યું છે. SCOના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં સભ્ય દેશોને ઔપચારિક રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે. SCOના સભ્ય દેશોમાં ભારત, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે અને હાલ આ સંગઠનનું અધ્યક્ષ ભારત છે.

આમંત્રણ અંગે પાકિસ્તાન તરફથી કોઈ પુષ્ટિ નહીં

રાજદ્વારી સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે, ભારત સરકારે મંગળવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ઔપચારિક રીતે આમંત્રણ આપ્યું છે. જોકે આ રિપોર્ટ પર પાકિસ્તાન તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. અગાઉ ભારતે SCOના મુખ્ય ન્યાયાધીશોની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર અતા બાંદિયાલને આમંત્રણ પાઠવ્યું હતું, ત્યારબાદ SCOના વિદેશ મંત્રીઓની બેઠક માટે પાકિસ્તાનના વિદેશ મંત્રીને આમંત્રણ આપ્યું હતું. જોકે SCOના ચીફ જસ્ટિસની બેઠકમાં પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સામેલ થયા ન હતા, તેમની જગ્યાએ આ બેઠકમાં જસ્ટિસ મુનીબ અખ્તર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામેલ થયા હતા.

મે મહિનામાં યોજાશે SCOના વિદેશ મંત્રીઓની બેઠક

એપ્રિલમાં SCOના સંરક્ષણ મંત્રીઓની બેઠક યોજાયા બાદ ગોવામાં વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે. પાકિસ્તાન સરકારે કહ્યું કે, તેણે હજુ સુધી નિર્ણય કર્યો નથી કે, આ બેઠકોમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ ભારતમાં યોજાનારી આ બેઠકોમાં સામેલ થશે કે નહીં. ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઉપરાંત ચીનના વિદેશ મંત્રી કિન ગાંગને પણ SCO બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે.

2011માં પાક.ના વિદેશ મંત્રી રબ્બાની ભારતની મુલાકાતે આવ્યા હતા

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ બાબતે નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે. જો પાકિસ્તાનના વિદેશ મંત્રી વ્યક્તિગત રીતે આ બેઠકમાં ભાગ લેશે તો 2011 બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીની આ પ્રથમ મુલાકાત હશે. ઉલ્લેખનિય છે કે, 2011માં પાકિસ્તાનના વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર ભારતની મુલાકાતે આવ્યા હતા. મે-2014માં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાજ શરીફે PM નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. ડિસેમ્બર 2015માં તે સમયે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ કેટલાક દિવસો બાદ પાકિસ્તાની મુલાકાતે ગયા હતા.