×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સંરક્ષણ દળોએ ALH ધ્રુવ હેલિકોપ્ટરની કામગીરી અટકાવી, ઈમરજન્સી લેન્ડિંગ બાદ લેવાયો નિર્ણય

Image : Wikipedia

અમદાવાદ, 11 માર્ચ 2023, શનિવાર

રક્ષા દળોએ બે દિવસ પહેલા મુંબઈના દરિયાકાંઠે થયેલા અકસ્માતના પગલે ALH ધ્રુવ હેલિકોપ્ટરની કામગીરી અટકાવી દીધી છે. જ્યાં સુધી તપાસકર્તાઓ હેલિકોપ્ટર ક્રેશનું કારણ શોધી ન લે ત્યાં સુધી ધ્રુવ હેલિકોપ્ટરનું ગ્રાઉન્ડિંગ ચાલુ રહેશે. ALH ધ્રુવ હેલિકોપ્ટર ભારતીય કોસ્ટ ગાર્ડની સાથે આર્મી, નેવી અને એર ફોર્સ સહિત ત્રણેય સંરક્ષણ દળો દ્વારા સંચાલિત છે.

લશ્કરી કર્મચારીઓ અને પરિવહન સહિત ઘણી ભૂમિકાઓમાં વપરાય છે

સંરક્ષણ દળોના અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈના દરિયાકાંઠે બે દિવસ પહેલા થયેલા અકસ્માતનું કારણ શોધી કાઢવામાં આવે અને આ મામલે તમામ પ્રકારની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ALH ધ્રુવ હેલિકોપ્ટરની કામગીરી અટકાવી છે. એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ ભારતીય સંરક્ષણ દળો દ્વારા ટુકડીના કર્મચારીઓ અને સામગ્રીના પરિવહન સહિત અનેક ભૂમિકાઓમાં થાય છે.

અચાનક પાવર ઓછો મળવાનો અનુભવ થયો

બે દિવસ પહેલાની ઘટના દરમિયાન ભારતીય નૌકાદળના ALH ધ્રુવને મુંબઈથી નિયમિત ફ્લાઈંગ મિશન પર અચાનક પાવર ઓછો મળવાનો અને ઊંચાઈમાં ઝડપથી ઘટાડો થયાનો અનુભવ થયો હતો. જોકે પાયલોટે તેને પાણીની ઉપરથી નિયંત્રિત કર્યું હતું. ત્રણેય પાયલોટ હેલિકોપ્ટરમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને ઝડપી બચાવ કામગીરીના ભાગરૂપે તેમને બચાવી લેવામાં આવ્યા હતા.