×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદમાં પોલીસ પર નબીરાઓએ કાર ચડાવી હુમલો કર્યો, એક યુવકની ધરપકડ કરાઈ

Image : Twitter

અમદાવાદ, 09 માર્ચ 2023, ગુરુવાર

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટના વધી રહી છે. શહેરમાં કાયદાનો જાણે ડર જ રહ્યો નથી. શહેરમાં આજે પોલીસના કર્મચારી પોતાની ફરજ બજાવી રહ્યા હતા તે દરમ્યાન એક કારને રોકાવતા કારમાં બેઠેલા નબીરાઓ ત્યાથી ભાગી ગયા હતા જો કે પોલીસની ટીમે તેનો પીછો કર્યો હતો અને થોડા અંતર દૂર નબીરાઓને ઝડપી પાડ્યા હતા. આ નબીરાઓ ઉશ્કેરાયા હતા અને પોલીસ સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા નબીરાઓએ પોલીસ કર્મચારીઓની કારને રોકી માર માર્યો હતો. 

પોલીસે કારને રોકાવતા કારમા બેઠેલા શખ્સો ઉશ્કેરાયા હતા

આ ઘટનાની વધુ વિગત પ્રમાણે શહેરના સિંઘુભવન રોડ પર સવારે પોલીસ કર્મચારીઓ વાહન ચેકિંગની કાર્યવાહી કરતા હતા તે દરમ્યાન એક વરના કારમાં ત્યાથી પસાર થઈ રહી હતી. પોલીસને આ કાર વધુ સ્પીડમાં આવી રહી હોય તેવુ લાગતા કારને રોકાવી હતી. આ કારમાં પાંચ વ્યક્તિઓ સવાર હતા. પોલીસે આ કારને રોકાવતા કારમા બેઠેલા શખ્સોએ પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. થોડી જ વારમાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધુ અને કાર પોલીસ કર્મચારીઓ પર ચડાવી દીધા બાદ ત્યાથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તોનો પીછો કર્યો હતો. કારમાં પાંચ શખ્સો સવાર હતા અને તમામ 23 થી 25 વર્ષના યુવાનો હતા. આ પાંચ યુવકોમાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય ચાર યુવક ફરાર થઈ ગયા હતા જેની પોલીસે શોધખોળ શરુ કરી દીધી છે. 

પોલીસે એક યુવકની ધરપકડ કરી

આ હુમલાની ઘટના અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનના પી.આઈએ જણાવ્યુ હતું કે પોલીસ કર્મચારીઓ પર થયેલા હુમલા અંગે અને ગુનો નોંધ્યો છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હુંમલામાં ફરાર થઈ ગયેલા આરોપીને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરુ કરી છે.