×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO: બાંગ્લાદેશના ઢાકામાં બિલ્ડિંગમાં ખતરનાક વિસ્ફોટ, 15નાં મોત, 100 ઈજાગ્રસ્ત

Image - @bd_public

ઢાકા, તા.7 માર્ચ-2023, મંગળવાર

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મંગળવારે એક સાત માળની બિલ્ડિંગમાં ખતરનાક વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 4.50 કલાકે થયો હતો. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની પાંચ ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

બિલ્ડિંગમાં વિસ્ફોટથી બાજુની બિલ્ડિંગને પણ નુકસાન

DMCH પોલીસ ચોકીના ઈન્સ્પેક્ટર બચ્ચુ મિયાએ આ વિસ્ફોટની ઘટના અંગે માહિતી આપી કે, ઈજાગ્રસ્તોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ તમામને હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં સારવાર અપાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ બિલ્ડિંગમાં સેનેટરી ઉત્પાદનના ઘણાં સ્ટોર્સ છે. બાજુની બિલ્ડીંગમાં BRAC બેંકની શાખા પણ આવેલી છે. વિસ્ફોટના કારણે બેંકની કાચની દિવાલો તુટી ગઈ હતી. રોડની બીજી બાજુ ઉભેલી બસને પણ નુકસાન થયું હતું.

અગાઉ ઓક્સિજન પ્લાન્ટમાં થયો હતો બ્લાસ્ટ

અગાઉ શનિવારે બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં ઓક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ આગમાં છ લોકોના મૃત્યુ થયા હતા અને 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સીતાકુંડા ઉપજિલ્લાના કેશબપુર વિસ્તારમાં આવેલા એક ઓક્સિજન પ્લાન્ટમાં સાંજે લગભગ 4.30 કલાકે ધડાકાનો અવાજ સંભળાયો હતો. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ઢાકામાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.