×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં સ્કૂલના ગેટ પર "I love Manish Sisodia" લખેલું બેનર લગાવાતા કેસ દાખલ

image : Twitter


દિલ્હી પોલીસે દિલ્હી સરકારની એક સ્કૂલ સામે ગેટ પર આઈ લવ મનીષ સિસોદિયાનું બેનર લગાવવા બદલ કેસ નોંધ્યો છે. શનિવારે પૂર્વોત્તર દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં સ્થાનિકોએ બેનર લગાવવાનો વિરોધ કર્યો હતો. તેના પછી લોકોએ આ મામલે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી હતી. આ મામલે શાસ્ત્રી પાર્ક પોલીસ સ્ટેશનમાં દિલ્હી સંપત્તિ વિરુપણ નિવારણ એક્ટની કલમ ૩ હેઠળ કેસ દાખલ કરાયો છે. 

એક સ્થાનિકે કરી હતી ફરિયાદ 

ફરિયાદી દિવાકર પાંડેએ કહ્યું કે ૩ માર્ચે સવારે 8.30 વાગ્યે આમ આદમી પાર્ટીના અમુક કાર્યકર શાસ્ત્રી પાર્કમાં સરકારી સ્કૂલના ગેટની ઉપર એક બેનર લગાવી રહ્યા હતા. સૌથી પહેલા તેમણે સ્કૂલમાંથી એક ડેસ્ક લીધું અને તેને બહાર લાવી તેના પર ચઢી ગયા પછી ગેટ પર આઈ લવ મનીષ સિસોદિયાનું પોસ્ટર લગાવી દીધું. તેની સામે લોકોએ વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે આ શિક્ષણનું મંદિર છે તેને રાજકારણથી દૂર રાખો. 

બેનર લગાવવાની પરવાનગી વિશે પૂછતાં આવો જવાબ મળ્યો

ફરિયાદી દિવાકરે કહ્યું કે જ્યારે અમે બેનર લગાવનારાઓને પૂછ્યું કે તેમની પાસે પરવાનગી છે કે કેમ?  તો તેઓએ પોતાને ધારાસભ્ય અબ્દુલ રહેમાન સાથે સંબંધિત હોવાનો દાવો કર્યો. આ પછી એક વ્યક્તિએ ધારાસભ્યનો સંપર્ક કર્યો અને તેમને પૂછ્યું કે શું તેમણે પરવાનગી આપી છે, જેના પર ધારાસભ્યએ હામાં જવાબ આપ્યો. અમે જાણીએ છીએ કે ધારાસભ્ય જૂઠું બોલી રહ્યા છે, કારણ કે કોઈ પણ રાજકીય લાભ માટે શાળાનો ઉપયોગ ક્યારેય માન્ય નથી.

લોકોના વિરોધ બાદ બેનર હટાવાયું

ફરિયાદીએ જણાવ્યું કે લોકોના વિરોધ બાદ બેનર હટાવી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સમસ્યા એ છે કે બાળકોને 'આઈ લવ મનીષ સિસોદિયા' લખવા માટે મનાવવામાં આવ્યા હતા. આપણી સંસ્કૃતિ આ બધી બાબતોને મંજૂરી આપતી નથી. તેમનો આરોપ છે કે તેઓ બાળકોનું બ્રેઈનવોશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે પ્રિન્સિપાલને પૂછ્યું, પરંતુ તે મામલાની ગંભીરતા સમજી શક્યા નહીં, ત્યારબાદ મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી.