×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓગસ્ટાવેસ્ટલેન્ડ કૌભાંડની લાંચ મેળવનાર કંપનીના માલિક અદાણી જૂથમાં ડીરેક્ટર છે


- રાષ્ટ્રવાદની વાતો કરતા અદાણી જૂથની વધુ એક પોલ ખુલી

- વિનોદ અદાણી અને ચીનના ચાંગ ચુંગ લિંગ સિંગાપોરમાં એક જ ફ્લેટમાં રહે છે, અદાણીની સેંકડો કંપનીઓમાં ડીરેક્ટર અને ઇન્વેસ્ટર ફંડ્સના માલિક પણ છે

અમદાવાદ : હિન્ડેનબર્ગના તા.૨૪ જાન્યુઆરીના રિપોર્ટને અદાણી જુથે દેશ સામે, દેશની અખંડિતતા અને સંસ્થાઓ ઉપર ગણતરીપૂર્વકનો હુમલા તરીકે લેખાવવામાં આવ્યો હતો. જોકે, રાષ્ટ્વાદના ઓથા તળે અદાણી જૂથ દ્વારા રિસર્ચના આરોપ સામે જે રીતે અભિયાન ચલાવ્યું છે તેમાં સૌથી સ્ફોટક આક્ષેપ હાંસિયામાં દબાય ગયો છે. હિન્ડેનબર્ગના રીસર્ચ અનુસાર ભારત સરકાર સાથેના લાંચ - ભ્રષ્ટાચારના કેસમાં સામેલ તેમજ ચીનના નાગરિક એવી વ્યક્તિ સાથે અદાણી જૂથ વ્યાપારી સંબંધો ધરાવે છે. એટલું જ નહી આ વ્યક્તિ અદાણી જૂથની કંપનીઓમાં ડીરેક્ટર છે અને તેમાંથી કેટલીક કંપનીઓનો ઉપયોગ ભારતમાંથી વિદેશ નાણા ઓળવી જવા માટે કરવામાં આવે છે! 

દેશની સુરક્ષા, દેશની કમાણી વિદેશમાં પાર્ક કરવાના અને દેશ સાથે એક સરકારી કોન્ટ્રાક્ટમાં ગદ્દારી કરનાર આ વ્યક્તિ અંગે જોકે અદાણીએ પોતાના ૪૧૫ પાનાના, હિન્ડેનબર્ગને આપેલા પ્રત્યુતરમાં એક શબ્દ ઉચ્ચાર્યો નથી. અદાણી જુથે એટલું જ જણાવ્યું છે કે આ અંગે ડીઆરઆઈ દ્વારા જે તપાસ કરવામાં આવી તેમાં જરૂરી વિગતો આપી દેવામાં આવી છે. 

શું છે આક્ષેપ?

ગૌતમ અદાણી જૂથને ચીનના નાગરિક ચાંગ ચુંગ લિંગ નામની વ્યક્તિ સાથે વર્ષ ૨૦૦૨થી સંબંધ છે. એટલું જ નહી આ લિંગ એ જ વ્યક્તિ છે જેનું નામ ૨૦૧૨ના રૂ.૩,૬૦૦ કરોડના ઓગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ સાથે જોડાયેલું છે. કૌભાંડ બહાર આવતા ભારત સરકારે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી વગેરે માટે ખરીદવામાં આવી રહેલા ૧૨ હેલિકોપ્ટરનો સોદો તો રદ્દ કર્યો હતો પણ ઇટાલીની કોર્ટ અનુસાર આ સોદામાં ૫.૬ કરોડ યુરોની લાંચ આપવામાં આવી છે અને લાંચ સાથે ચાંગ ચુંગ લિંગની કંપની જોડાયેલી છે. લિંગની સીગપોર સ્થિત કંપની ગુદામી ઇન્ટરનેશનલ સાથે અદાણી જૂથને ૨૦ વર્ષ જુના સંબંધ છે અને ગુદામી ઇન્ટરનેશનલને હેલિકોપ્ટરની લાંચની રકમ પહોચી હોવાનું ઇડીની તપાસમાં બાહર આવ્યું છે. 

અદાણી અને લિંગ વચ્ચે શું સંબંધ?

વર્ષ ૨૦૦૨માં અદાણી એન્ટરપ્રાઈઝનું નામ અદાણી એક્સપોર્ટસ હતું. આ સમયે કંપનીની સહયોગી તરીકે ગુદામી ઇન્ટરનેશનલનો ઉલ્લેખ થયો હતો. આ કંપની અને અદાણી જૂથની અદાણી ગ્લોબલના કેટલાક ડીરેક્ટર સરખા હતા. ગુદામી ઇન્ટરનેશનલના એક શેરહોલ્ડર તરીકે ચાંગ ચુંગ લિંગ નામની વ્યક્તિ હતો. આ વ્યક્તિનો અદાણી જૂથની કેટલીયે કંપનીઓમાં ડીરેક્ટર તરીકે કેન્દ્ર સરકારની એજન્સી ડીરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ)ના વિવિધ તપાસ અહેવાલમાં ઉલ્લેખ છે. ડીઆરઆઈએ અદાણી જૂથ સામે જેમ્સ કે હીરાની આયાત નિકાસમાં ભાવની ગેરરીતિ તેમજ અદાણી પાવર માટે ઇકવીપમેન્ટ ખરીદીમાં હકીકત કરતા ઊંચા ભાવે વિદેશી મશીન આયાત કર્યા હોવાની તપાસ કરી છે. 

ગુદામીના વાર્ષિક અહેવાલ અનુસાર મોન્ટેરોસા સ્થિત લોટસ ગ્લોબલ નામની કંપનીમાં ૧.૭ કરોડ ડોલરનું રોકાણ કરેલું છે. લોટસ ગ્લોબલ અદાણી એન્ટરપ્રાઈસમાં શેરહોલ્ડર છે અને તે એક તબક્કે વધી ૪.૫૧ ટકા થઇ ગયુ હતું. લોટસ પાસે અદાણી પાવરના પણ ૧.૬૪ ટકા શેર હતા. 

ગ્રોમોર નામની અન્ય એક કંપનીના ડીરેક્ટર તરીકે પણ ચાંગ ચુંગ લિંગનો ઉલ્લેખ જોવા મળે છે. લિંગ આ સાથે સિંગાપોર સ્થિત અદાણી જૂથની કંપની અદાણી ગ્લોબલ લીમીટેડમાં પણ ડીરેક્ટર છે અને તેમાં વિનોદ અદાણી પણ ડીરેક્ટર છે. તાઇવાનના મીડિયામાં ચાંગ ચુંગ લિંગનો ઉલ્લેખ  અદાણીના શેરહોલ્ડર અને નજીકના બિઝનેસ સહયોગી તરીકે કરવામાં આવે છે. આટલું જ નહી લિંગ અને વિનોદ અદાણીનું સિંગાપોર ખાતે એક જ ફ્લેટમાં સાથે રહેતા હતા. 

ડીઆરઆઈ દ્વારા અદાણી સામેના કેસમાં પીએમસી પ્રોજેક્ટ નામની એક કંપની સામે તપાસ કરવામાં આવી હતી. એજન્સીને આ કંપનીના માલિક કોણ તેના અંગે ચોક્કસ માહિતી મળી નથી પણ ભારતમાં બદલાયેલા નિયમ અનુસાર હવે પીએમસી પ્રોજેક્ટની માહિતી મળે છે. આ માહિતી અનુસાર પીએમસી પ્રોજેક્ટના માલિક ચાંગ ચીયેન ટીંગ છે અને તે ચાંગ ચુંગ લિંગના પુત્ર થાય છે. તાઈવાન સરકારની એક ઇવેન્ટમાં પીએમસી પ્રોજેક્ટ હાજર હતું અને તેમાં ચાંગ ચીયેન ટીંગ અદાણી જૂથના તાઈવાન ખાતેના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા. આ ઇવેન્ટના ફોટોગ્રાફ્સ પણ સ્થાનિક અખબારોમાં પ્રકાશિત થયા છે.

હિન્ડેનબર્ગ અનુસાર ભારત સરકારના હેલિકોપ્ટર સોદામાં સંડોવાયેલી ગુદામી ઇન્ટરનેશનલ દ્વારા મોન્ટેરોસા ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડીંગમાં પૈસા રોકેલા છે જે અદાણી જૂથની વિવિધ કંપનીઓમાં લગભગ ૪.૫ અબજ ડોલરનું રોકાણ ધરાવે છે! 

ચાંગ ચુંગ લિંગ કોણ છે?

મૂળ ચીનના નાગરિક એવા ચાંગ ચુંગ લિંગ મોરેશિયસ, સિંગાપોર અને તાઈવાનમાં વસવાટ કરે છે. તેમની એક કંપનીનું નામ હતું ગ્રોમોર ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ જે વર્ષ ૨૦૧૧માં દાની પાવર સાથે મર્જ કરી દેવામાં આવી હતી. ભારતમાં રહેલી અદાણી જૂથની કંપનીઓમાંથી વિદેશમાં નાણા ખેંચી જવા માટે વિનોદ અદાણીએ સ્થાપેલી સેંકડો કંપનીઓમાંથી કેટલીકમાં ચાંગ ચુંગ લિંગ ડીરેક્ટર તરીકે કાર્યરત હતા. 

ઓગસ્ટાવેસ્ટલેન્ડ કૌભાંડ શું છે?

વર્ષ ૨૦૧૦માં ડો. મનમોહન સિંઘની સરકારે દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય મહાનુભાવોની અવર જવર માટે હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય લીધો હતો જેના ભાગરૂપે ૧૨ જેટલા હેલિકોપ્ટર ખરીદવાનો રૂ.૩,૬૦૦ કરોડનો ઓર્ડર ઇટાલીની કંપનીને આપવામાં આવ્યો હતો. જોકે, ૨૦૧૩માં ઇટાલીની કંપનીના સીઈઓ બ્રુનો સ્પેગનોલીનીની ભારતીય વાયુદળને લાંચ આપવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. એવો આક્ષેપ હતો કે આ હેલિકોપ્ટર માટેના માપદંડમાં ફેરફાર કરી, લાંચ મેળવી ઇટાલીની કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ અંગે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે અને તેની તપાસ ચાલી રહી છે. આ સોદો અંતે કોંગ્રેસ સરકારે રદ્દ કર્યો હતો. વિવિધ તપાસ એજન્સી અને કોર્ટમાં સુનાવણી દરમિયાન એટલું પુરવાર થયું છે કે કુલ ૫.૬ કરોડ યુરોની લાંચ આપવામાં આવી છે. આ લાંચના ૨૦ લાખ યુરો ગુદામી ઇન્ટરનેશનલને પણ મળ્યા હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની તપાસમાં બહાર આવ્યું છે. આં ગુદામી ઇન્ટરનેશનલઅન ડીરેક્ટર એટલ્લે ચાંગ ચુંગ લિંગ જે અદાણી જૂથની કેટલીક વિદેશી કંપનીઓમાં પણ ડીરેક્ટર છે.