×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં આગામી 3 કલાકમાં 12 જિલ્લાઓમાં માવઠાની આગાહી, ખેડૂતોના માથે આફત



અમદાવાદ, 4 માર્ચ 2023 શનિવાર

ગુજરાતમાં ખેડૂતોના માથે માઠી દશા બેઠી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઈકાલથી જ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારે આજે રાત્રે 9 વાગ્યા સુધીમાં 12 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. પવન અને વરસાદના કારણે વીજપોલ ધરાશાયી થવાની માહિતી સામે આવી છે. ભાવનગરમાં જેસર, ગારિયાધાર, ઉમરાળામાં માવઠું થવાથી ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. રાજ્યમાં ડાંગ જિલ્લાના સાપુતારામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. 

વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો
ગુજરાતમાં 40 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન સાથે હળવો વરસાદ અને હળવા વાવાઝોડાની સંભાવના દર્શાવાઈ છે. આગામી 3 કલાકમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, દાહોદ, બનાસકાંઠામાં પવન સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બીજી તરફ બોટાદના ગઢડા, ઢસા, જલાલપુર, માંડવા વિકળીયામાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ કહેર મચાવશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. 

ડીસામાં હળવો વરસાદ વરસ્યો હતો
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં આજે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. આજે બનાસકાંઠામાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અંબાજી પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ડીસામાં હળવો વરસાદ વરસ્યો હતો. થોડાક દિવસ પહેલા જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. આજે રાજ્યના અનેક શહેરોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામના વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સોરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીના પગલે કેટલાક માર્કેટ યાર્ડો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.