×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં ભાજપને ભવ્ય સફળતા


- ત્રિપુરા, નાગાલેન્ડમાં ભાજપની ગઠબંધન સરકાર, મેઘાલયમાં એનપીપીને ભગવા પક્ષનો ટેકો

- અપ્રમાણિક લોકો કહે છે મર જા મોદી, પરંતુ દેશવાસીઓ કહે છે મત જા મોદી, પૂર્વોત્તરના રાજ્યો હવે દિલ અને દિલ્હીથી જરા પણ દૂર નથી : વડાપ્રધાન

- નાગાલેન્ડમાં એનડીપીપીના સુપ્રીમો રિયો સતત પાંચમી વખત સીએમ બનશે

- મેઘાલયમાં એનપીપીના કોનરાડ સંગ્મા ભાજપના ટેકાથી સરકાર બનાવશે

નવી દિલ્હી : પૂર્વોત્તરના રાજ્યોમાં ગુરુવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભાજપે ભવ્ય સફળતા મેળવી છે. 'મિશન નોર્થઈસ્ટ'માં વિજય ભાજપ માટે આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ અને આગામી વર્ષે લોકસભા ચૂંટણી માટે નૈતિક જૂસ્સો વધારશે. ત્રિપુરામાં એન્ટીઈન્કમ્બન્સી છતાં ભાજપે બહુમતી મેળવી છે જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં પ્રાદેશિક પક્ષોના ટેકાથી ભાજપ સત્તામાં ભાગીદાર બન્યું છે. નાગાલેન્ડમાં એનડીપીપી અને ભાજપના ગઠબંધને ૩૩ બેઠકો જીતી છે જ્યારે મેઘાલયમાં ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ સૌથી વધુ બેઠકો મેળવનારા એનપીપીએ સરકાર બનાવવા ભાજપનું સમર્થન મેળવ્યું છે.

ત્રિપુરામાં ટિપરા મોથાએ ઊભી કરેલી મુશ્કેલીઓ વચ્ચે પણ ભાજપ ૬૦માંથી ૩૩ બેઠકો જીતવામાં સફળ રહ્યો હતો. નાગાલેન્ડમાં સાચો વિજય પ્રાદેશિક પક્ષ એનડીપીપીના સુપ્રીમો નેફિયુ રિયોનો થયો છે, જે ભાજપના સહયોગી તરીકે સતત પાંચમી વખત મુખ્યમંત્રીપદ સંભાળશે. નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી)એ રાજ્યમાં ૨૧ બેઠકો જીતી હતી જ્યારે તેના ભાગીદાર ભાજપને ૧૨ બેઠકો મળી હતી. બંને પક્ષોએ સંયુક્તપણે નાગાલેન્ડ વિધાનસભામાં ૬૦માંથી ૩૩ બેઠકો પર વિજય મેળવ્યો હતો.  મેઘાલયમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. શાસક પક્ષ એનપીપી ૨૬ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે ત્યારે એનપીપીના વડા કોનરાડ સંગ્માએ રાજ્યમાં સરકારની રચના માટે ભાજપનું સમર્થન માગ્યું છે. પડોશી રાજ્ય આસામના મુખ્યમંત્રી  હેમંત બિસ્વા સરમા જોડાણ માટે સંગ્માના સંપર્કમાં છે. આમ, મેઘાલયમાં ભાજપને મળેલી માત્ર બે બેઠકો પણ સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ત્રિપુરામાં નવોદિત પક્ષ ટિપ્રા મોથા ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તેણે ૧૩ બેઠકો જીતી છે. આ નવા પક્ષની રચના રાજ્યના પૂર્વ રજવાડા પરિવારના વંશજ દ્વારા કરાઈ છે, જેણે ડાબેરીઓ અને કોંગ્રેસના આદિવાસી મતો આંચકી લીધા હતા. ત્રિપુરામાં તૃણમૂલ કોંગ્રેસે સૌથી ખરાબ દેખાવ કર્યો હતો. ૨૮માંથી એક પણ બેઠક પર તેના ઉમેદવારો જીતી શક્યા નહોતા. એટલું જ નહીં તેનો કુલ વોટ શૅર નોટા કરતાં પણ ઓછો હતો.

મેઘાલયમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. પરંતુ પ્રાદેશિક પક્ષ એનપીપીને સૌથી વધુ ૨૬ બેઠકો મળી છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર બે બેઠકો મળી છે. જોકે, એનપીપીના વડા કોનરાડ સંગ્માએ સરકારની રચના માટે ભાજપનો ટેકો માગવા કેન્દ્રમાં અમિત શાહ સાથે ટેલિફોન પર વાત કરી હતી. ભાજપના સ્થાનિક પ્રવક્તા લિંગ્દોહે કહ્યું હતું કે, રાજ્યમાં સતત બીજી વખત સત્તા મેળવવા માટે કોનરાડ સંગ્માએ ભાજપનું સમર્થન માગ્યું છે. ભાજપના સમર્થન પત્ર સાથે કોનરાડ સંગ્મા શુક્રવારે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરશે.

દરમિયાન પૂર્વોત્તરના વિજયથી ઉત્સાહિત ભાજપ કાર્યકરોએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્યાલય પર ગુલાબની પાંખડીઓથી ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની જનતાનો આભાર માન્યો. તેમણે કહ્યું, ત્યાંના કાર્યકરોએ આપણા કરતા અનેક ગણી મહેનત કરી છે. આજના પરિણામોએ દુનિયાને સંદેશ આપ્યો છે કે ભારતમાં લોકતંત્ર અને લોકતાંત્રિક વ્યવસ્થા પર લોકોને કેટલી આસ્થા છે.

આ સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પરોક્ષરૂપે નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે કેટલાક લોકો અપ્રમાણિક્તા પણ કટ્ટરતાથી કરે છે. આ લોકો હવે મોદીની કબર ખોદવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેઓ કહે છે કે મર જા મોદી. પરંતુ દેશ કહે છે કે મત જા મોદી. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસનું નામ લઈને કહ્યું કે કબર ખોદવાની વાત કર્યા પછી પણ કમળ ખીલી રહ્યું છે. કોંગ્રેસના હૃદયમાં ભારત જોડવાની ભાવના નથી. વડાપ્રધાન મોદીએ દિલ્હી મુખ્યાલયમાં પૂર્વોત્તરના લોકોના સન્માનમાં મોબાઈલ ફ્લેશ ઓન કરવા જણાવ્યું હતું અને ઉમેર્યું કે તમે મોબાઈલ ફોનની ફ્લેશના માધ્યમથી જે પ્રકાશ ફેલાવ્યો છે, તે પૂર્વોત્તરના નાગરિકોનું સન્માન છે.

નાગાલેન્ડમાં હેકાની જખાલુનો રેકોર્ડ  ચૂંટણી જીતનાર પહેલાં મહિલા

નાગાલેન્ડ વિધાનસભામાં ચૂંટણી જીતનાર પહેલાં મહિલા બનીને હેખાની જકાલુએ ઈતિહાસ રચ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે દીમાપુર-૩ બેઠક પરથી નેશનલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપીપી)નાં ઉમેદવાર હેખાની જખાલુએ તેમના નજીકના પ્રતિસ્પર્ધી લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અજેતો જિમોમીને ૧,૫૩૬ મતોથી હરાવ્યા છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ચાર મહિલા ઉમેદવારો મેદાનમાં હતી, જેમાંથી જખાલુનો વિજય થયો હતો. 

અન્ય મહિલા ઉમેદવારોમાં તેનિંગ બેઠક પર કોંગ્રેસનાં રોઝી થોમ્પસન, પશ્ચિમી અંગામી બેઠક પર એનડીપીપીનાં સલહૌતુઓનુઓ અને અતોઈજુ બેઠક પર ભાજપનાં કાહુલી સેમાનો સમાવેશ થાય છે. નાગાલેન્ડમાં અત્યાર સુધી કોઈ મહિલા ઉમેદવારો ચૂંટણી જીતી શક્યા નહોતા.

ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ

-

ત્રિપુરા

મેઘાલય

નાગાલેન્ડ

 

 

પક્ષ

બેઠક

પક્ષ

બેઠક

પક્ષ

બેઠક

ભાજપ +

૩૩

એનપીપી +

૨૮

એનડીપીપી +

૩૩

કોંગ્રેસ +

૧૪

યુડીપી +

૧૧

એનસીપી

ટિપરા

૧૩

કોંગ્રેસ +

એનપીપી

અન્ય

અન્ય +

૧૫

અન્ય

૧૧


કુલ 60 બેઠકોમાં સરકાર રચવા માટે 31 બેઠકો જરૂરી