×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરોની નિમણૂક મુદ્દે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

image : Wikipedia 


સુપ્રીમકોર્ટે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. હવે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સીજેઆઈની એક પેનલ બનશે જે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક કરશે. જસ્ટિસ કે.એમ.જોસેફે કહ્યું કે લોકશાહીને જાળવી રાખવા માટે ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા જાળવી રાખવી જોઈએ નહીંતર તેના વિનાશકારી પરિણામો આવશે. 

સમિતિમાં કોણ કોણ હશે? 

મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે એક સમિતિની રચના કરાશે. આ સમિતિમાં વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સીજેઆઈને સામેલ કરાશે. દેશમાં મુખ્ય ચૂંટણી કમિશનર તથા ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે કોલેજિયમની જેમ એક સ્વતંત્ર પેનલ બનાવવા અંગે સુપ્રીમકોર્ટે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. 

પાંચ જજોની બંધારણીય બેન્ચે લીધો નિર્ણય 

પાંચ જજોની બંધારણીય બેન્ચે આ નિર્ણય કર્યો છે. બેન્ચમાં જસ્ટિસ કે.એમ.જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, અનિરુદ્ધ બોસ, હૃષિકેશ રૉય અને સી.ટી.રવિકુમાર સામેલ છે. ખરેખર નિષ્પક્ષ અને પારદર્શક રીતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે સુપ્રીમકોર્ટમાં અરજીઓ દાખલ કરાઈ હતી. જસ્ટિસ રસ્તોગીએ કહ્યું કે હું જસ્ટિસ જોસેફના ચુકાદા સાથે સંમત છું. મુખ્ય ચૂંટણી કમિશનરો અને ચૂંટણી કમિશનરોની નિમણૂકની વર્તમાન પ્રક્રિયા રદ થશે. નિમણૂક માટે હવે સમિતિ રહેશે. 

સુપ્રીમકોર્ટે કહ્યું કે ચૂંટણીપંચ સ્વતંત્ર હોવું જોઇએ

સુપ્રીમકોર્ટે કહ્યું કે ચૂંટણીપંચ સ્વતંત્ર હોવું જોઇએ. તે માત્ર સ્વતંત્ર હોવાનો દાવો ન કરી શકે. રાજ્ય પ્રત્યે ફરજ નિભાવવાની સ્થિતિમાં એક વ્યક્તિના મનમાં એક સ્વતંત્ર રુપરેખા ન હોઈ શકે. એક સ્વતંત્ર વ્યક્તિ સત્તામાં રહેતા લોકો માટે દાસ ન હોઈ શકે. એક ઈમાનદાર વ્યક્તિ તરીકે સામાન્ય રીતે મોટા અને શક્તિશાળી લોકોથી બેધડક ટક્કર ખાય છે. સરકારે કાયદા પ્રમાણે કામ કરવું જોઈએ. લોકતંત્ર ત્યારે જ સફળ થશે જ્યારે તમામ હિતધારક ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા જાળવી રાખવા માટે તેના પર કામ કરે.