×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકારતી અરજી ફગાવી


- હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે આ નિર્ણય આપ્યો

નવી દિલ્હી, તા. 27 ફેબ્રુઆરી 2023, સોમવાર

દિલ્હી હાઈકોર્ટ દ્વારા અગ્નિપથ યોજના મામલે કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે સરકારની અગ્નિપથ યોજનાને યોગ્ય ઠેરવતા તેને પડકારતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે અરજી ફગાવતા કહ્યું કે, અગ્નિપથ યોજના રાષ્ટ્રહિતમાં છે.  હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. 

અગ્નિપથ યોજના રાષ્ટ્રહિતમાં: હાઈકોર્ટ

હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, આ યોજના દેશના હિતમાં અને સશસ્ત્ર દળોને વધુ સારી રીતે સજ્જ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે, કોર્ટને આ યોજનામાં દખલ કરવાનું કોઈ કારણ નથી મળ્યું. અગ્નિપથ યોજનાને પડકારતી તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે. કોર્ટે 15 ડિસેમ્બર 2022ના રોજ આ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેન્દ્ર સરકારે ગયા વર્ષે 14 જૂને અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી.

સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી કરવા માટે કેન્દ્ર સરકારે ગયા વર્ષે 14 જૂને અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. યોજનાના નિયમો પ્રમાણે 17½ ​​થી 21 વર્ષની વયજૂથના લોકો અરજી કરવા પાત્ર છે અને તેઓને ચાર વર્ષની મુદત માટે આવરી લેવામાં આવશે. યોજના હેઠળ, તેમાંથી 25 ટકા સેવા નિયમિત કરવામાં આવશે.

અગ્નિપથ યોજનામાં વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી હતી

આ યોજના હેઠળ કુલ અગ્નિવીરોના 25 ટકાની સેવાઓને નિયમિત કરવામાં આવશે. બાકીનાને ભવિષ્ય માટે પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે. તેમને એકીકૃત રકમ પણ મળશે. તેમાંથી ઘણાને કેન્દ્રીય દળો, પોલીસ દળ અને અન્ય વિભાગોમાં ભરતી પ્રક્રિયા હેઠળ છૂટછાટ અને પ્રાથમિકતા મળશે. જો કે, અગ્નિપથ યોજના શરૂ થયા બાદ ઘણા રાજ્યોમાં આ યોજનાનો ઉગ્ર વિરોધ થયો હતો. બાદમાં સરકારે 2022માં ભરતી માટે વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી હતી.

અગ્નિપથ યોજનાનો ઉગ્ર વિરોધ

અગ્નિપથ યોજનાના વિરોધમાં ઉઠેલી આક્રોશની આગે દેશના અનેક રાજ્યોને લપેટમાં લીધા હતા. અનેક રાજ્યોમાં યુવાનોના વિરોધ પ્રરદર્શન દરમિયાન હિંસાની ઘટના સામે આવી હતી. ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી, મધ્યપ્રદેશથી લઈને રાજસ્થાન સુધી અગ્નિપથનો વિરોધ અને તેમની સામે કરવામાં આવેલા પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા મામલે હવે કોચિંગ કનેક્શન સામે આવ્યું હતું. યુપીના અલીગઢ, મધ્યપ્રદેશના ગ્વાલિયર, રાજસ્થાનના સીકર અને બિહારના મસૌઢીમાં પોલીસે ઘણા કોચિંગ સંચાલકોની ધરપકડ કરી હતી અને કેટલાકને કસ્ટડીમાં લીધા હતા.