×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી એક્સાઈઝ કૌભાંડ : મનિષ સિસોદિયાની CBIએ કરી ધરપકડ, આવતીકાલે કોર્ટમાં રજુ કરાશે

નવી દિલ્હી , તા.26 ફેબ્રુઆરી-2023, રવિવાર

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક્સાઈઝ પોલિસી કેસમાં આજે પૂછપરછ કરાયા બાદ સીબીઆઈએ ધરપકડ કરી છે. દિલ્હીની એક્સાઈઝ પોલિસી મામલે પૂછપરછ માટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા CBI સમક્ષ રવિવારે હાજર થયા હતા. દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે સવારે 11.00 કલાકે સિસોદિયાની પૂછપરછ શરૂ કરાઈ હતી., જેમાં CBIએ 8 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ મનીષ સિસોદિયાની સાંજે ધરપકડ કરી હતી. દરમિયાન મળતા અહેવાલો મુજબ આવતીકાલે મનીષ સિસોદિયાને કોર્ટમાં રજુ કરાશે. દરમિયાન સિસોદિયાની ધરપકડ થયા બાદ AAPના કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. 

CBI સમક્ષ હાજર થતા પહેલા સિસોદિયા રાજઘાટ ગયા હતા

મનીષ સિસોદિયા પૂછપરછ અગાઉ રાજઘાટ પહોંચી ગયા હતા. રાજઘાટ પહોંચીને તેમણે કહ્યું કે હું અહીં બાપુના આશીર્વાદ લેવા આવ્યો છું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા સિસોદિયાએ કહ્યું, મારી સામેના આરોપો ખોટા છે અને હું જેલ જવાથી ડરતો નથી.

AAP કાર્યકરો દ્વારા વિરોધ

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક્સાઈઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે CBIની ઓફિસ પહોંચ્યા છે. સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. દરમિયાન સવારે જ્યારે સિસોદિયા CBI ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે ઓફિસની બહાર AAPના કાર્યકરો દ્વારા જોરદાર વિરોધ કરાયો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, મનીષ સિસોદિયાના પૂછપરછના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગુસ્સે ભરાયા હતા અને તેઓ રસ્તા પર જ વિરોધ શરૂ કરી દીધો હતો. CGO કોમ્પ્લેક્સ પાસે લોધી રોડ પર ધરણા પર બેઠેલા AAPના કેટલાક નેતાઓ અને કાર્યકરો બેરિકેડ ઓળંગીને CBI ઓફિસ પાસે એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમને અટકાવવા માટે પોલીસે બેરીકેટ્સ લગાવ્યા હતા, જેના કારણે કાર્યકર્તાઓ મુખ્ય રસ્તા પર બેસી ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો.

આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે, તેમને ખબર પડી ગઈ છે કે, ‘ભાજપનો કાળ, અરવિંદ કેજરીવાલ...’ તેમના દ્વારા દેશને વિભાજીત કરવાની દુકાન માત્ર AAP જ બંધ કરાવી શકે છે. દિલ્હી, પંજાબ બાદ AAPએ ગુજરાતમાં આશાઓ જગાવી દીધી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના દોઢ દાયકાના શાસનનો AAP દ્વારા જ અંત લવાયો છે.

દોઢ મહિનામાં 45 ફોન ચેન્જ કર્યા : ભાજપના પ્રવક્તા હરીશ ખુરાના

ભાજપના પ્રવક્તા હરીશ ખુરાનાએ પણ મનીષ સિસોદિયાની ધરપકડને લઈ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે ગઈકાલ રાતથી અરવિંદ કેજરીવાલને તેમજ આજ સવારથી મનીષ સિસોદિયાને ડર લાગી રહ્યો હતો કે, મનીષની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ડર તેને જ લાગે છે જેમણે કંઈક કર્યું છે, જેણે કંઈ કર્યું નથી તેમને ડર લાગતો નથી. જે રીતે આ કૌભાંડ સામે આવ્યું તે જોતા અમે શરૂઆતથી જ કહેતા હતા કે, મનીષ સિસોદિયા આમાં સામેલ છે. 

શું છે આ કેસ?

માહિતી અનુસાર, 2015માં સત્તામાં આવ્યા બાદ દિલ્હી સરકારે એક ફીડબેક યુનિટની રચના કરી હતી જેનું કામ દરેક વિભાગ પર નજર રાખવાનું હતું. સરકારે કહ્યું કે, તેમનો હેતુ વિભાગોના ભ્રષ્ટાચાર પર નજર રાખવાનો છે. ત્યારબાદ આ મામલે સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેના દ્વારા દિલ્હી સરકાર વિપક્ષી પાર્ટીઓના કામકાજ પર નજર રાખી રહી છે. CBIએ દિલ્હી સરકારના તકેદારી વિભાગના અધિકારીની ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. 2016 માં, એજન્સીએ જણાવ્યું હતું કે, સોંપાયેલ કાર્યો ઉપરાંત, FBUએ અગ્રણી રાજકીય વ્યક્તિઓની જાસૂસી કરી હતી. CBIના જણાવ્યા અનુસાર, FBUએ આઠ મહિના દરમિયાન 700થી વધુ કેસોની તપાસ કરી હતી. જેમાંથી 60 ટકા કેસમાં રાજકીય ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવી હતી.