×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહારમાં મહાગઠબંધનની મહારેલી, દેશ અને બંધારણને બચાવવા એકજૂટ થવા આહ્વાન

image : Twitter


બિહારના પૂર્ણિયામાં રંગભૂમિ મેદાને મહાગઠબંધનની મહારેલીની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર, ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, જદયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી ઉપરાંત કોંગ્રેસ, ભાકપા, માકપા, ભાકપા માલે અને હિન્દુસ્તાની આવામી મોરચાના નેતા મંચ પર હાજર રહ્યા હતા. 

લાલુ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા

મહાગઠબંધનની મહારેલીમાં રાજદ સુપ્રીમો લાલુ યાદવ પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. તેમણે બેઠકને સંબોધતા કહ્યું હતું કે ભાજપ પાર્ટી જ નથી પણ તે આરએસએસનો મુખવટો છે. આરએસએસ જે ઈચ્છે છે તે નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. ભારતને બચાવવા માટે આપણે એકજૂટ થવું પડશે. લાલુએ કહ્યું કે નીતીશ અને અમે એક થઈ ગયા છીએ. દેશ અને બંધારણને બચાવવા જ પડશે. 

જદયુ રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે શું કહ્યું... 

મહારેલીને સંબોધતા જદયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે કહ્યું કે બિહારમાં મહાગઠબંધન બન્યા બાદ દિલ્હીમાં બિરાજિત નેતાઓને ૪૪૦ વોલ્ટનો આંચકો લાગ્યો હતો. તેના બાદ ભાજપના નેતાઓ તરફથી લાલુ યાદવ અને મુખ્યમંત્રી નીતીશ કુમાર વિશે બેફામ ટિપ્પણીઓ કરાઈ. ભાજપ એવી પાર્ટી છે કે તેમાં જે જોડાતા જ નેતા વોશિંગ મશીનની જેમ સાફ થઈ જાય છે. લોકતંત્રને બચાવવા માટે ભારતને ભાજપમુક્ત કરવો જ પડશે. 

જીતન રામ માંઝીએ મોંઘવારી મુદ્દે ભાજપને ઘેર્યો 

મહારેલીને સંબોધતા હિન્દુસ્તાની આવામ મોરચાના સંરક્ષક જીતન રામ માંજીએ કહ્યું કે હાલમાં કેન્દ્ર સરકાર જુમલાની સરકાર છે. દર વર્ષે  બે કરોડ નોકરી આપવાનો વાયદો કર્યો હતો પણ મળ્યું કંઈ જ નથી. મોંઘવારી રોકવાની વાત કહી હતી પણ મોંઘવારી આકાશ આંબી રહી છે. ગેસના ભાવ આકાશ આંબી રહ્યા છે. લોકો મોંઘવારીથી કંટાળ્યા છે.