×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ સુપ્રીમ કોર્ટની મહત્વની સુનાવણી, વળતર અંગે અરજદારને આપી સલાહ

નવી દિલ્હી, તા.24 ફેબ્રુઆરી-2023, શુક્રવાર

સુપ્રીમ કોર્ટે આજે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના કેસની સુનાવણી હાથ ધરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે. જમીન સંપાદનની કામગીરીને યથાવત્ રાખવાના બોમ્બે હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ ગોદરેજ એન્ડ બોય્ઝની અપીલને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. જોકે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કંપનીને સ્વતંત્રતા આપતા કહ્યું કે, તેઓ ચોક્કસપણે વળતર વધારવા સંબંધિત ઓથોરિટીને અરજી કરી શકે છે.

બોમ્બે કોર્ટના નિર્ણયને કંપનીએ સુપ્રીમમાં પડકાર્યો

ઉલ્લેખનિય છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર સરકાર અને NHSRCL દ્વારા વિક્રોલીમાં જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે, જેને ગોદરેજ એન્ડ બોય્ઝ કંપનીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઈકોર્ટે પણ જમીન સંપાદનની કામગીરીને યોગ્ય ઠેરવી હતી. ત્યારબાદ કંપનીએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. અહીં પણ કંપનીની અરજીને રદ કરી દેવામાં આવી છે.

‘તમે વળતર વધારવા માટે અરજી કરી શકો છો’

CJI ચંદ્રચુડે ગોદરેજ એન્ડ બોય્ઝનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ મુકુલ રોહતગીને કહ્યું કે, ‘પાણી ખુબ જ વહી ગયું છે, કબ્જો લેવાઈ ગયો છે અને બાંધકામ પણ શરૂ થઈ ગયું છે. તમે વળતર વધારવા માટે અરજી કરી શકો છો.’ વાસ્તવમાં બોમ્બે હાઈકોર્ટે સુનાવણી કરતી વખતે એ બાબતને ધ્યાને લીધી કે, આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરતી વખતે કોઈ અનિયમિત અથવા ગેરકાયદેસર કામ કરાયું ન હતું. હાઈકોર્ટે કહ્યું હતું કે, વ્યક્તિગત હિતથી મોટું જાહેર હિત છે. આ રાષ્ટ્રીય હિતથી જોડાયેલો મામલો છે.

જમીન સંપાદનમાં કોઈ ગેરકાયદે કામ કરાયું નથી

આ કેસ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનનો છે. બોમ્બે હાઈકોર્ટે સુનાવણી કરતા કહ્યું હતું કે, જમીન સંપાદન દરમિયાન કોઈપણ ગેરકાયદે કામ કરવામાં આવ્યું નથી. કંપની દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું હતું કે, જમીન સંપાદન માટેની કાર્યવાહી 2019માં શરૂ કરવામાં આવી અને 2020માં સમાપ્ત થઈ ગઈ હતી, તેથી આપેલ વળતરની રકમ યોગ્ય નથી.