×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આવતીકાલથી શરૂ થતા વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસને ઝટકો : નહીં મળે વિપક્ષનું પદ

અમદાવાદ, તા.22 ફેબ્રુઆરી-2023, બુધવાર

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે. ત્યારે સત્ર શરુ થાય તે પહેલા કોંગ્રેસને ઝટકો મળ્યો છે. થોડા દિવસો પહેલા જ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભા સચિવને પત્ર લખી વિધાનસભામાં વિપક્ષ પદની માંગ કરી હતી. ત્યારે વિધાનસભા સચિવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પત્રનો જવાબ આપતા લખ્યું છે કે, નિયમ મુજબ કોંગ્રેસને વિપક્ષનું પદ નહીં મળે.

નિયમ મુજબ સભ્યોની સંખ્યા ઓછી હોવાથી વિપક્ષ પદ મળવા પાત્ર નહીં

વિધાનસભા અધ્યક્ષે પત્રમાં જણાવ્યું છે કે, જે રાજકીય પક્ષને ચૂંટણી પંચે અખિલ ભારતીય પક્ષ તરીકે કે રાજ્યના પક્ષ તરીકે માન્યતા આપી હોય અને વિધાનસભામાં તે પક્ષના સભ્યોની સંખ્યા વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 10 ટકા કરતા ઓછી ન હોય તો અધ્યક્ષ તે પક્ષને વિધાનસભા પક્ષ તરીકે માન્યતા આપી શકશે. 15મી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનું સંખ્યાબળ ગૃહની કુલ સભ્ય સંખ્યાના 10 ટકા કરતા ઓછું હોવાથી વિધાનસભા પક્ષ તરીકે આપના પક્ષને માન્યતા મળવા પાત્ર નથી.

કાલથી વિધાનસભાનું સત્ર વિપક્ષ વગર યોજાશે

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનું પદ ન અપાતા વિધાનસભાનું સત્ર વિપક્ષ વગર યોજાશે. ઉપરાંત કોંગ્રેસે કામકાજ સમિતીની બેઠકમાં બે સભ્યોની માંગ કરી હતી, જોકે સરકારે માત્ર એક જ સભ્યની મંજૂરી આપી હતી. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કોઈપણ નેતાને કામકાજ સમિતીમાં સ્થાન અપાયું ન નથી.


આજે કોંગ્રેસે વિધાનસભાના હોદ્દેદારોની નિમણૂક કરી

કોંગ્રેસે અગાઉ અમિત ચાવડાને કોંગ્રેસ દળના નેતા તરીકે જાહેર કર્યા હતાં. હવે આજે વિધાનસભામાં વિવિધ હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી, જેમાં વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાને દંડક બનાવવામાં આવ્યાં ચે. જ્યારે દિનેશ ઠાકોરને કોંગ્રેસના ખજાનચી બનાવવામાં આવ્યાં છે. કોંગ્રેસે આજે વિધાનસભામાં હોદ્દેદારોની વરણી કરી છે. જેમાં દંડક, ઉપદંડક, ખજાનચી અને પ્રવક્તાની નિમણૂંક કરવામાં આવી છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાને દંડક બનાવવામાં આવ્યાં છે. જ્યારે ઉપ દંડક તરીકે કિરીટ પટેલ, વિમલ ચુડાસમા, ઈમરાન ખેડાવાલાની વરણી કરવામાં આવી છે. દિનેશભાઈ ઠાકોરને કોંગ્રેસના ખજાનચી બનાવવામાં આવ્યા છે. જ્યારે ડો.તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, અનંત પટેલ અને કાંતિભાઈ ખરાડીની પ્રવક્તા તરીકે નિમણૂંક કરવામાં આવી છે.