×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરહદ વિવાદ થશે સમાપ્ત ! LACને લઈ ભારત-ચીન વચ્ચેની 26મી બેઠક પૂર્ણ

નવી દિલ્હી, તા.22 ફેબ્રુઆરી-2023, બુધવાર

ભારત અને ચીન વચ્ચે સરહદ બાબતો પર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન સિસ્ટમ (WMCC)ની 26મી બેઠક બુધવારે યોજાઈ હતી. આ બેઠકમાં પૂર્વી લદ્દાખની બાકીની જગ્યાઓ પરથી સૈનિકોને પાછા ખેંચવાના મુદ્દે ટૂંક સમયમાં વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોની બેઠક યોજવા પર સહમતિ સધાઈ હતી. બિઈજિંગમાં WMCCની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા) ડો.શિલ્પક અંબુલેએ કર્યું હતું, જ્યારે ચીનના પક્ષનું નેતૃત્વ ચીની વિદેશ મંત્રાલયમાં સીમા અને દરિયાઈ બાબતોના વિભાગના મહાનિર્દેશક યી શિયાનલિયાંગે કર્યું હતું.

LAC પર બંને દેશોની સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ

બંને પક્ષોએ બેઠકમાં ભારત-ચીન સરહદી વિસ્તારોમાં પશ્ચિમી સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરની સ્થિતિ અંગેની સમીક્ષા કરી હતી અને બાકીના વિસ્તારોમાંથી સેનાઓને પાછા ખેંચવાના પ્રસ્તાવો પર ખુલ્લી અને રચનાત્મક રીતે ચર્ચા કરી હતી, જેના કારણે શાંતિ જળવાઈ રહે અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ થઈ શકે છે. વર્તમાન દ્વિપક્ષીય કરારો અને પ્રોટોકોલ મુજબ ભારત અને ચીનના બંને વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો વહેલી તકે બેઠક યોજવા માટે સહમત થયા છે. મળતી માહિતી મુજબ બંને પક્ષો તેમના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે સૈન્ય અને રાજદ્વારી માધ્યમોથી ચર્ચાઓ ચાલુ રાખવા માટે સહમત થયા છે.

સરહદી વિવાદો ઉકેલવા WMCC સ્થાપના

ઉલ્લેખનિય છે કે, WMCCની સ્થાપના વર્ષ 2012માં કરાઈ હતી, જેનો ઉદ્દેશ્ય ભારત-ચીન વચ્ચે સરહદી બાબતો પર પરામર્શ અને સંકલન માટેનો છે. આવી સ્થિતિમાં WMCCની 26મી બેઠક મહત્વપૂર્ણ હતી, કારણ કે વર્ષ 2020માં ગલવાન ખીણમાં થયેલી અથડામણ બાદ બંને દેશ વચ્ચે સતત વિવાદ વધ્યો છે. જો કે LAC પરના સંઘર્ષને સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે બંને દેશો વચ્ચે 17મી સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીત થઈ છે.