×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુરત બાદ અમદાવાદના ટ્રાવેલ્સ એસો.એ બાંયો ચઢાવી : આ તારીખે બસોને શહેરમાં નહીં લાવવાની ચીમકી

અમદાવાદ, તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર

હાલ સુરતમાં ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા એક પણ બસ શહેરમાં ન પ્રવેશવા દેવા નિર્ણય કરાયો છે, ત્યારે સુરતના પડઘા અમદાવાદમાં પણ પડ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સુરત બાદ અમદાવાદ ટ્રાવેલ્સ એસોસિએશને પણ પોતાની માંગને લઈ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને આવેદન આપવાની તૈયારીઓ આરંભી છે. એસોસિએશન દ્વારા શહેરમાં રાત્રીના 9.30થી સવારના 8.00 વાગ્યા સુધી અને બપોરના 1.00થી સાંજના 4.00 વાગ્યા સુધી બસનો પ્રવેશ કરવા દેવાની માંગ કરાઈ છે.

અમદાવાદમાં પણ સુરત જેવા હાલ થવાના એંધાણ

દરમિયાન સુરત ટ્રાવેલ્સ એસોસિએશને સુરતમાં એક પણ ખાનગી બસને આજથી શહેરમાં ન પ્રવેશવા દેવાનો નિર્ણય કરાયો છે. તો હવે અમદાવાદમાં પણ સુરત જેવા હાલ થવાની તેમજ વિવાદ વધવાના એંધાણ જોવા મળી રહ્યા છે. બાપુનગર ટ્રાવેલ્સ ઓનર્સ એન્ડ એજન્ટ્સ યુનિયને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આવેદન પાઠવવાની પણ તૈયારીઓ આરંભી દીધી છે.

અમદાવાદ ટ્રાવેલ્સ એસોસિએશનની ચીમકી

એસોસિએશને પોતાની માંગમાં જણાવ્યું છે કે, અમારી બસોને શહેરમાં રાત્રે 9.30 કલાકથી સવારે 8.00 કલાક દરમિયાન તેમજ બપોરના 1.00 કલાકથી 4.00 વાગ્યા દરમિયાન પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે. ઉપરાંત એસોસિએશને ચીમકી પણ ઉચ્ચારી કહ્યું કે, જો અમારી માંગોનો ઉકેલ નહીં આવે તો જેવું સુરતમાં જોવા મળી રહ્યું છે, તે રીતે અમદાવાદમાં પણ બસો રિંગ રોડ પર ઉભી રાખી દેવાશે. એસોસિએશને ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો 28મી ફેબ્રુઆરીએ મંગળવારે અમદાવાદમાં ટ્રાવેલ્સની બસો શહેરની અંદર લવાશે નહીં, જેના કારણે પેસેન્જરોએ પોતાની જાતે જ રિંગ રોડ પરથી વ્યવસ્થા કરવી પડશે. ઉલ્લેખનિ છે કે, હાલ અમદાવાદમાં નિયમ પ્રમાણે રાત્રે 11.00થી સવારે 7.00 વાગ્યા સુધી જ બસને પ્રવેશ અપાય છે.

ટ્રાફિક સમસ્યાને લઈ કુમાર કાનાણીનો  DCPને પત્ર

દરમિયાન સુરતની ટ્રાવેલ્સ એજન્સીઓની ઘટનાની વાત કરીએ તો થોડા દિવસ પહેલા અહીંના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભારે વાહનોના કારણે ટ્રાફિક સર્જાતો હોવા અંગેનો એક પત્ર DCPને લખ્યો હતો. કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું હતું કે, પોલીસ કમિશનરના જાહેરનામામાં ખાનગી ટ્રાવેલ્સને સવારે 7.00થી 10.00 વાગ્યા સુધી ન પ્રવેશવા દેવાનો ઉલ્લેખ કરાયો છે, તો ભારે વાહનોને સવારે 8.00થી બપોરે 1.00 વાગ્યા સુધી ન પ્રવેશવા દેવાનો ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત સાંજે 5.00થી રાત્રીના 10.00 વાગ્યા સુધી પણ ભારે વાહનોને પ્રવેશવા ન દેવાનો જાહેનામામાં ઉલ્લેખ કરાય ઓછે. તેમ છતાં જાહેરનામાનો ભંગ થતો હોવાનો તેમજ કોઈપણ ડર રાખ્યા વિના બેફામ વાહનો ચલાવતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત આ વાહનો દ્વારા જાહેરનામાંનો ભંગ કરાતો હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ વધારો થયો છે, તેમ પણ કાનાણીએ પત્રમાં જણાવ્યું હતું.