×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોણ જીતશે જંગ ઉદ્ધવ કે શિંદેઃ ચૂંટણી પંચના નિર્ણય પર કાલે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી


- આ દેશની તમામ સંસ્થાઓએ કામ કરવાનું બંધ કરી દીધું છે, લોકશાહીની હત્યા થઈ ગઈ છેઃ સંજય રાઉત

- સુપ્રીમ કોર્ટ જ આશાનું છેલ્લું કિરણ છે, અમે ત્યાં જઈને ન્યાય માંગીશુઃ સંજય રાઉત

- ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે

નવી દિલ્હી, તા. 21 ફેબ્રુઆરી 2023, મંગળવાર

શિવસેનાનું નામ અને ધનુષ-બાણ છીનવાઈ ગયા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. દેશની સર્વોચ્ચ અદાલત તેમની અરજી પર સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે આ મામલાની સુનાવણી બુધવારના રોજ એટલે કે આવતીકાલે બપોરે 3.30 વાગ્યે થશે. અરજીમાં એકનાથ શિંદે જૂથને શિવસેનાની સંપતિઓ અને બેંક ખાતાઓ પર નિયંત્રણ મેળવવાથી રોકવાની માંગણી કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં ઉદ્ધવ ઠાકરે વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલો કરી હતી. તેઓએ ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે માંગ્યો છે, જેમાં એકનાથ શિંદે જૂથને શિવસેનાના નામ અને ધનુષ અને બાણ ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. શિંદે જૂથે અરજીનો વિરોધ કરતા કહ્યુ હતું કે પહેલીવારમાં જ આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થવી જોઈએ નહીં.

ઉદ્ધવ ઠાકરેએ અરજી દાખલ કરી છે 

ચૂંટણી પંચ દ્વારા પસાર કરાયેલા 17 ફેબ્રુઆરી, 2023ના આદેશને પડકારતી અરજીનો સોમવારના રોજ મુખ્ય ન્યાયાધીશ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને વિનંતી કરવામાં આવી હતી કે બંધારણીય બેન્ચ સમક્ષ ચાલી રહેલી બાબતોની સાથે 21 ફેબ્રુઆરીના રોજ તેની સુનાવણી કરવામાં આવે. આ અરજી ઉદ્ધવ ઠાકરેએ પોતે દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમાં ઉદ્ભવતા તમામ મુદ્દાઓની સીધી અસર બંધારણીય બેન્ચ દ્વારા વિચારવામાં આવી રહેલા મુદ્દાઓ પર પડે છે.  

ચૂંટણી પંચે ભૂલ કરી છેઃ ઉદ્ધવ ઠાકરે

અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે એ માનીને ભૂલ કરી છે કે 10મી અનુસૂચી હેઠળ અયોગ્યતા સભ્યપદની સમાપ્તિ પર આધારિત નથી. બીજી દલીલ એ છે કે ચૂંટણી પંચે એવું કહીને ભૂલ કરી છે કે રાજકીય પક્ષમાં વિભાજન થયું છે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે વિધાનસભામાં વિભાજન અંગે માત્ર નિવેદન આપવામાં આવ્યું હતું, નહીં કે રાજકીય પક્ષ વિશે. આમ, અરજીમાં જણાવ્યા પ્રમાણે કોઈ પણ દલીલ અને પુરાવાના અભાવમાં એક રાજકીય પક્ષમાં વિભાજન થયું હતું. આ આધારે પંચનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો છે.

હવે માત્ર સુપ્રીમ કોર્ટ પર જ ભરોસોઃ સંજય રાઉત

ચૂંટણી પંચના નિર્ણય પર ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, 'હવે સુપ્રીમ કોર્ટ જ આશાનું છેલ્લું કિરણ છે. આ દેશની તમામ સંસ્થાઓએ કામ કરવાનું બંધ કરી દીધું છે. લોકશાહીની હત્યા થઈ ગઈ છે, તેથી હવે એકમાત્ર આશા સુપ્રીમ કોર્ટ છે. અમે ત્યાં જઈને ન્યાય માંગીશું.'

ભારતના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચ આજે શિવસેનામાં વિખવાદને લગતી અરજીઓના જૂના કેસોની સુનાવણી ચાલું રાખશે.