×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉદ્ધવ ઠાકરેને ઝટકો, શિંદેની મોટી જીત, ચૂંટણી પંચે શિવસેનાના ચિન્હ ‘ધનુષ-તીર’ અંગે લીધો મોટો નિર્ણય

Image - Twitter

મુંબઈ, તા.17 ફેબ્રુઆરી-2023, શુક્રવાર

મહારાષ્ટ્રમાં શિવસેના પક્ષના નામ અને ચૂંટણી ચિન્હને લઈને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ચૂંટણી પંચે શુક્રવારે આ અંગે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના તરીકે સ્વીકાર્યું છે. ઉપરાંત શિંદે જૂથને પણ શિવસેનાના નામ અને પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે. આ રીતે ઉદ્ધવ ઠાકરે જૂથને ચૂંટણી પંચ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે ઠાકરે જૂથની પાર્ટીનું બંધારણ અલોકતાંત્રિક છે, જેમાં કોઈપણ જાતની ચૂંટણી વિના લોકોની નિમણૂંક કરાઈ હતી. ચૂંટણી પંચ મુજબ શિવસેનાના મૂળ બંધારણમાં અલોકતાંત્રિક પદ્ધતિઓને ગુપ્ત રીતે પાછી ખેંચી લેવાઈ છે. આ કારણે પાર્ટી ખાનગી જાગીર જેવી બની ગઈ હતી. આ પદ્ધતિઓને ચૂંટણી પંચ 1999માં  નામંજૂર કરી ચુકી છે. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ હવે શિવસેના પર ઉદ્ધવ જૂથનો દાવો સમાપ્ત થઈ ગયો છે.

દેશમાં લોકશાહી બચી જ નથી : સંજય રાઉત

રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ચૂંટણી પંચના નિર્ણય પર ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં લોકશાહી બાચી જ નથી, બધા ગુલામ બનીને બેઠા છે. આ લોકશાહીની હત્યા છે. આ સરકારે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવ્યા છે, તે પાણી ક્યાં સુધી પહોંચ્યું તે દેખાઈ રહ્યું છે. અમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જનતા અમારી સાથે છે. અમે નવું ચિન્હ લઈશું અને ફરી એકવાર આ શિવસેનાને ઉભી કરીને બતાવીશું.

21 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

શિવસેના મામલે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેનો કેસ સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે. છેલ્લી સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય 21 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ હેમા કોહલી, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણા મુરારીની ખંડપીઠે જણાવ્યું હતું કે, શું આ કેસમાં નબામ રેબિયાના સિદ્ધાંતો લાગુ પડે છે કે નહીં... આ કેસને 7 જજોની ખંડપીઠને મોકલો જોઈએ કે નહીં... આ હાલના કેસના ગુણદોષના આધારે નિર્ણય લઈ શકાય છે.