×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

12 ચિત્તાની દક્ષિણ આફ્રિકાથી ભારતની સફર શરૂ : આવતીકાલે સવારે લવાશે ગ્વાલિયર એરપોર્ટ

ભોપાલ, તા.17 ફેબ્રુઆરી-2023, શુક્રવાર

દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા ભારતમાં લવાઈ રહ્યા છે. તેઓને ભારતના મિશન ચિતા અભિયાન હેઠળ ભારત લવાઈ રહ્યા છે. આ 12 ચિત્તાની દક્ષિણ આફ્રિકાથી ભારતની સફર શરૂ થઈ ગઈ છે. આ ચિત્તાઓને ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટમાં અહીં લવાઈ રહ્યા છે. આ 12 ચિત્તાઓમાંથી 7 નર અને 5 માદા છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ ચિત્તાઓ 18 ફેબ્રુઆરીએ સવારે 10 વાગે એમર ફોર્સના વિમાનમાં ગ્વાલિયર એરપોર્ટ પહોંચશે. ભારતમાં લાવવામાં આવી રહેલા આ ચિત્તાઓ અંગે માહિતી આપતા મંત્રીએ ટ્વીટની સાથે કેટલાક ફોટા પણ શેર કર્યા છે.

આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં રખાશે

અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાથી મધ્ય પ્રદેશમાં આવતા 12 ચિત્તાઓને શનિવારે મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા કુનો નેશનલ પાર્ક (KNP) ખાતે તેમના ક્વોરેન્ટાઈન વાડામાં મુક્ત કરાશે. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે 17મી સપ્ટેમ્બરે નામીબિયાથી 8 ચિત્તા ભારત લવાયા હતા.

12 ચિત્તાઓ એક મહિના માટે ક્વોરેન્ટાઈન

નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના સભ્ય સચિવ એસપી યાદવે જણાવ્યું કે, આ ચિત્તાઓને વિદેશની ધરતી પરથી અહીં લવાઈ રહ્યા છે, તેથી સાવધાનીના ભાગરૂપે તમામ 12 ચિત્તાને એક મહિના માટે ક્વોરેન્ટાઈનમાં રખાશે અને તેમના આરોગ્ય પર નજર રખાશે. મધ્યપ્રદેશનું વાતાવરણ ચિત્તાઓ માટે શ્રેષ્ઠ હોવાથી અહીં કુનો નેશનલ પાર્કમાં ફરી એકવાર ચિત્તાઓને લવાઈ રહ્યા છે.

આરોગ્ય પરીક્ષણ બાદ ચિત્તા લાવવામાં આવી રહ્યા છે

અધિકારીઓએ જણાવ્યું કે, ચિત્તાઓને ભારત લાવતા પહેલા તેમની હેલ્થ ચેકઅપ કરાયું છે, જેમાં તમામ ચિત્તાઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેમને જણાવ્યું કે, આ લાંબી મુસાફરીથી તેમના સ્વાસ્થ્ય પર કોઈ અસર નહીં થાય. 

પાર્કમાં ચિત્તાઓની સંખ્યા વધીને 20 થશે

પ્રોજેક્ટ ચિતા હેઠળ 18 ફેબ્રુઆરીએ કુનો નેશનલ પાર્કમાં 12 નવા ચિત્તા લવાયા બાદ પાર્કમાં ચિત્તાઓની કુલ સંખ્યા વધીને 20 થઈ જશે. અગાઉ 17 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે કુનો પાર્કમાં નામિબિયામાંથી 3 નર અને 5 માદા સહિત આઠ ચિત્તા લવાયા હતા. એકવાર ચિત્તાઓ અહીં પહોંચ્યા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ તેમને ક્વોરેન્ટાઈન વાડામાં મુક્ત કરશે.