×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પુલવામા હુમલાને આજે ચાર વર્ષ થયા, આ ભયંકર ઘટનાના 12 દિવસમાં જ લીધો હતો બદલો

Image: ABVP



ચાર વર્ષ પહેલા આજનો દિવસ આપણા બધા માટે બ્લેક-ડે બની ગયો હતો. જે ઘટનાને આજે પણ યાદ કરતા આપણા રુવાડા ઉભા થઇ જાય છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. જે હુમલો એટલો ભયાનક હતો કે તેમાં આપણા દેશના 40 જવાનો શહીદ થયા હતા. જોકે, આ હુમલા બાદ ભારતે જે રીતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો તે પણ આક્રમક હતો. ભારતે આકરા પગલા લઈને પુલવામા હુમલાનો બદલો લીધો હતો. બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈકના રૂપમાં આપણા બહાદુર જવાનોએ આ હુમલાનો જવાબ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનના ધરમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. ફરીથી આપણે તે ઘટનાને આજના આ અવસરે યાદ કર્યે અને જાણીએ શું હતી આખી ઘટના?

CRPFના કાફલા પર હુમલો

14 ફેબ્રુઆરી અને વર્ષ 2019ના રોજ CRPFના કાફલા પર હુમલો થયો હતો. CRPFનો કાફલો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરથી જઈ રહ્યો હતો. આ કાફલામાં મોટાભાગની બસો એવી હતી જેમાં જવાનો બેઠા હતા. જ્યારે આ કાફલો પુલવામા પહોંચ્યો ત્યારે સામેની બાજુથી એક કાર આવી અને કાફલાની બસને ટક્કર મારી હતી. જે કાર બસને ટક્કર મારી હતી તેમાં વિસ્ફોટકોનો મોટો જથ્થો હતો. આવી સ્થિતિમાં અથડામણ થતાં જ ભયંકર વિસ્ફોટ થયો હતો અને તેમાં બેઠેલા CRPFના 40 જવાન શહીદ થયા હતા. 

હુમલાના વળતા જવાબમાં ભારતે ભણાવ્યો પાઠ

ભારતે પુલવામામાં ઘટના બાદ આંતકવાદીઓને પાઠ ભણવા આક્રમક વલણ લીધું હતું.  26 ફેબ્રુઆરી 2019ના રોજ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશ કર્યો અને હવાઈ હુમલા દ્વારા આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. 27 ફેબ્રુઆરીએ, પાકિસ્તાનની વાયુસેના ભારતને જવાબ આપવા માટે જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કરે છે અને હવાઈ હુમલો કરે છે. જવાબમાં ભારતીય વાયુસેના પણ ઉતરે છે. જો કે આ દરમિયાન ભારતીય મિગ-21 પાકિસ્તાની સેનાના હુમલામાં આવે છે અને પાકિસ્તાનમાં પડી જાય છે. આ પછી પાકિસ્તાની સૈનિકોએ મિગ-21ના પાયલટ અભિનંદન વર્ધમાનને પકડી લીધા હતા. 1 માર્ચ, 2019 ના રોજ, અમેરિકા અને અન્ય દેશોના દબાણને કારણે, પાકિસ્તાની સેનાએ અભિનંદન વર્ધમાનને મુક્ત છોડી દીધા હતા.

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના તમામ વેપાર સંબંધો તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, પાકિસ્તાન તરફથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ ભારત તરફથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. જેના કારણે પાકિસ્તાનને આર્થિક મોરચે ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું.