×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

NAAC વગર દેશમાં ચાલતી 695 યુનિવર્સિટી અને 34,734 કોલેજો


- શિક્ષણ અને ગુણવત્તાનું મૂલ્યાંકન કરતી યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશનની પેટા સંસ્થા

- નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા ગ્રેડ આપવાનું કામ કરે છે : દેશની અડધાથી વધુ સંસ્થાઓને નેકની માન્યતા નથી

- દેશની માત્ર 224 યુનિવર્સિટી અને 1778 કોલેજોને ગ્રેડ

નવી દિલ્હી : કેન્દ્રીય શિક્ષણ વિભાગના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં ૬૯૫ યુનિવર્સિટી અને ૩૪૭૩૪ કોલેજો નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (એનએએસી)ની માન્યતા વગર ચાલી રહી છે. એનએએસી શૈક્ષણિક સંસ્થાઓમાં ગુણવત્તા સુધારવા માટે કાર્યરત છે અને સંસ્થાઓનું મૂલ્યાંકન કરે છે. યુજીસીની માન્યતા મળી જાય પછી શૈક્ષણિક સંસ્થાઓ કેવું શિક્ષણ આપે છે, કેવી વ્યવસ્થા છે તે તમામ બાબતો નેક તપાસે છે. દેશની અડધો અડધ શૈક્ષણિક સંસ્થાઓ નેકની માન્યતા વગર ચાલતી હોવાથી શિક્ષણનું સ્તર ચિંતાજનક નીચું ગણી શકાય.

કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અત્યારે દેશભરમાં ચાલતી ૬૯૫ યુનિવર્સિટી અને ૩૪,૭૩૪ કોલેજો નેકની માન્યતા વગર ચાલી રહી છે. દેશમાં યુજીસી માન્યતા મળી હોય એવી ૧૧૧૩ યુનિવર્સિટીમાંથી ૪૧૮ યુનિવર્સિટીને જ નેક ગ્રેડ મળ્યો છે, ૬૯૫ યુનિવર્સિટી નેકના મૂલ્યાંકન વગર કાર્યરત છે. બીજી રીતે કહીએ તો અડધા કરતા વધુ યુનિવર્સિટીમાં એજ્યુકેશનના એક્સપર્ટ દ્વારા શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન થયું નથી. 

 કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના કહેવા પ્રમાણે યુજીસી માન્યતા પ્રાપ્ત ૪૩,૭૯૬ કોલેજોમાંથી માત્ર ૯,૦૬૨ કોલેજો નેક ગ્રેડ ધરાવે છે. ૩૪,૭૩૪ કોલેજો નેકની માન્યતા વગર ચાલી રહી છે. એટલે કે માત્ર ૨૦ ટકા કોલેજોનું નેક દ્વારા મૂલ્યાંકન થયું છે. ૮૦ ટકા કોલેજો યુજીસીની માન્યતા ધરાવે છે, પરંતુ નેક દ્વારા ગુણવત્તાના ગ્રેડ મેળવ્યા વગર ધમધમી રહી છે. આ કોલેજોમાં શિક્ષણનું સ્તર કેવું છે તેનો અહેવાલ તૈયાર થયો નથી. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે કહ્યું હતું કે દેશની શૈક્ષણિક સંસ્થાઓનું મૂલ્યાંક અને માન્યતા માટે નેકનું સ્ટ્રક્ચર અલગ હોવાથી માન્યતા મળી શકતી નથી. વળી, કોલેજોને કરવામાં આવતા સવાલો પણ ઘટી ગયા હોવાથી આ સ્થિતિ છે. આગામી ૧૫ વર્ષમાં શિક્ષણના ઉચ્ચતમ ધોરણ જાળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત થયો છે.

નેક વિવિધ માપદંડોના આધારે મૂલ્યાંકન કરે છે

યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન (યુજીસી) અંતર્ગત આવતી એનએએસી શિક્ષણના મૂલ્યાંકન માટે કાર્યરત છે. ૧૯૯૪માં આ એજન્સી અસ્તિત્વમાં આવી હતી. જે સંસ્થાઓને આ કાઉન્સિલ એસેસમેન્ટ કરીને ગ્રેડ આપે છે તેને નેક ગ્રેડ કહેવામાં આવે છે. તેના આધારે કોલેજ અને યુનિવર્સિટીમાં અપાતા શિક્ષણની ગુણવત્તા નક્કી થાય છે, જે તે સંસ્થામાં કેવું શિક્ષણ મળી રહ્યું છે તેનો આધાર આ માપદંડો પર હોય છે. યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે નેકનું મૂલ્યાંકન ન થયું હોય એવી સંસ્થાઓને સરકારની અમુક પોલિસીનો ફાયદો મળતો નથી. યુજીસીએ નિર્ધારિત કરેલા માપદંડોની એક રીતે નેક ચકાસણી કરે છે અને તેના આધારે શૈક્ષણિક સંસ્થાને માન્યતા આપે છે. કોલેજો અને યુનિવર્સિટીઝ યુજીસીએ નિર્ધારિત કરેલા બધા જ માપદંડોને પૂરા કરે પછી નેક ગ્રેડ માટે અરજી કરી શકે છે. એ પછી નેકની ટીમ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત કરે છે અને તેની વિવિધ માપદંડો પ્રમાણે ચકાસણી કરીને નેક ગ્રેડ આપે છે. આ ગ્રેડ પાંચ વર્ષ માટે માન્ય હોય છે. પાંચ વર્ષ પછી ફરીથી એ જ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં બે વર્ષ માટે પણ ગ્રેડ મળે છે. જો કોઈ કોલેજ કે યુનિવર્સિટીને નેકના ગ્રેડથી સંતોષ ન હોય તો છ મહિના પછી ફરીથી ઈન્સ્પેક્શન માટે અરજી કરી શકે છે.