×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાશ્મીરમાં 60 લાખ ટન લિથિયમ મળ્યું


- અંદાજે રૂ. 33 લાખ કરોડ લિથિયમ સાથે સોનાનો પુષ્કળ જથ્થો ધરાવતા પાંચ બ્લોક પણ મળ્યાં

- ભારતના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે દેશના 11 રાજ્યોમાં સોનું, લિથિયમ સહિતના ખજાનાના 51 બ્લોક શોધીને કેન્દ્રને સોંપણી કરી

- આ જથ્થો ભારતને ઈલેક્ટ્રિક વાહનો અને સ્માર્ટ ગેજેટ્સની બેટરીના ઉત્પાદનમાં વધુ આત્મનિર્ભર બનાવતો હોવાથી ખૂબ મહત્ત્વનો સાબિત થશે 

નવી દિલ્હી : ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે દેશના ૧૧ રાજ્યોમાં લિથિયમ, સોનું સહિતના વિવિધ ખજાનાના ૫૧ બ્લોક શોધી કાઢ્યા છે. એની સોંપણી કેન્દ્ર સરકારને કરી છે. કાશ્મીરમાંથી લિથિયમનો ૬૦ લાખ ટનનો વિપુલ જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત અંદાજે ૩૩ લાખ કરોડ રૂપિયા જેટલી હોવાનો અંદાજ છે. એ ઉપરાંત કાશ્મીરમાંથી જ સોનાના પાંચ બ્લોક મળી આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના રિયાસી નામના નાનકડા ટાઉન નજીકથી આ જથ્થો શોધી કાઢ્યો છે. લિથિયમ અને સોના ઉપરાંત દેશમાં ૭૮૯૭ લાખ ટનનો કોલસો અને લિગ્નાઈટનો જથ્થો પણ મળી આવ્યો છે. વિવિધ કુદરતી ભંડારના ૧૭ અહેવાલો કેન્દ્ર સરકારને મળ્યા છે.

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના વિસ્તારમાં ૬૦ લાખ ટનનો લિથિયમનો વિશાળ જથ્થો મળી આવ્યો છે. લિથિયમનો ઉપયોગ આજે ખૂબ જ વધ્યો છે. મોબાઈલ, લેપટોપ, ડિજિટલ કેમેરા, ઈલેક્ટ્રિક વાહનો વગેરેની બેટરીમાં લિથિયમનો ઉપયોગ થાય છે. ભારત ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં ઝડપભેર દુનિયામાં આગવું સ્થાન બનાવી રહ્યું છે ત્યારે લિથિયમનો આ જથ્થો ભારતને વધુ આત્મનિર્ભર બનાવશે. અત્યાર સુધી ભારત આ ઈલેક્ટ્રિક વાહનોની બેટરી અને સ્માર્ટ ગેજેટ્સની બેટરી બનાવવા વપરાતા લિથિયમના જથ્થા બાબતે અન્ય દેશો પર નિર્ભર હતું, પરંતુ હવે આ વિશાળ જથ્થાથી સ્વદેશી ઉત્પાદકોને રાહત થશે.

કેન્દ્રીય ભૂવૈજ્ઞાનિક પ્રોગ્રામિંક બોર્ડની ૬૨મી બેઠક મળી હતી. એ દરમિયાન લિથિયમ, સોનું સહિતના ખનીજોના ૫૧ બ્લોકની સોંપણી કેન્દ્ર સરકારને કરવામાં આવી હતી. ૨૦૨૩-૨૪ના વર્ષમાં ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેત્રણ ૧૨ સમુદ્રી ખનીજ સહિત કુલ ૩૧૮ ખનીજ પ્રોજેક્ટ ચલાવશે. કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે આ સંશોધનને લગતા ૧૭ રિપોર્ટ્સ મળ્યા છે. માઈન્સ સેક્રેટરી વિવેક ભારદ્વાજના કહેવા પ્રમાણે પહેલી વખત જમ્મુ-કાશ્મીરના રિયાસીમાંથી લિથિયમનો જથ્થો મળ્યો હતો. તેનાથી ભારત ઈલેક્ટ્રિક ઉપકરણોમાં વધારે આત્મનિર્ભર બનશે. વળી, સોનાના ભંડારના કારણે સોનાની આયાત પણ ઘટાડી શકાશે.

કેન્દ્ર સરકારના ખાણ-ખનીજ વિભાગના કહેવા પ્રમાણે ખનીજના ૫૧ બ્લોક મળી આવ્યા છે, એમાંથી પાંચ બ્લોક સોનાના છે. તે ઉપરાંત પોટાશ, મોલિબ્ડેનમ, બેઝ મેટલ, કોલસો વગેરેનો જથ્થો પણ મળી આવ્યો છે. આ રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર ઉપરાંત આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગણાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે માર્ચ-૨૦૨૦માં કર્ણાટકના મંડયા જિલ્લાના માર્લાગાલા-અલ્લાપરના ક્ષેત્રમાંથી પણ લિથિયમનો ૧૬૦૦ ટન જેટલો ભંડાર મળી આવ્યો હતો.  ૨૦૧૯-૨૦ના આંકડા પ્રમાણે આપણે ૪૫.૦૩ કરોડ લિથિયમ બેટરી આયાત કરવી પડી હતી. જેની કિંમત ૯૨૯ મિલિયન ડોલર્સ એટલે આશરે ૬૮૨૦ કરોડ રૂપિયા તે આયાત માટે ચૂકવવા પડયા હતા.

કાશ્મીરનો લિથિયમનો જથ્થો ભારતના ગ્રીન પ્રોજેક્ટ માટે જેકપોટ

કાશ્મીરનો લિથિયમનો જથ્થો ભારતમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં જે પ્રયાસો થઈ રહ્યાં છે તેમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. ભારત રિન્યુએબલ એનર્જી આધારિત પરિવહન સિસ્ટમ બનાવવા માંગે છે. એ માટે ભારતમાં ઈલેક્ટ્રિક હાઈવેનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ભારતનો પ્રથમ ઈલેક્ટ્રિક હાઈવે દિલ્હી-મુંબઈના રાજમાર્ગમાં બનવા જઈ રહ્યો છે. ઈલેક્ટ્રિક વાહનોના માધ્યમથી ભારતે ૨૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો નિર્ધાર કર્યો છે. એ વાહનો માટે લિથિયમની બેટરીની જરૂર પડશે. વળી, ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો બનાવવા માટે ૨૫૦ સ્ટાર્ટઅપ કંપનીઓ મેદાને પડી છે. આ કંપનીઓને સ્વદેશી લિથિયમનો જથ્થો મળતો થતો તો ભારતમાં ઈલેક્ટ્રિક પરિવહનનો લક્ષ્યાંક સિદ્ધ થવાનું વધારે સરળ બનશે. ૨૦૩૦ સુધીમાં ભારતમાં કુલ વાહનોમાંથી ૩૫ ટકા વાહનો ઈલેક્ટ્રિક હોય એવો લક્ષ્યાંક છે. આગામી ત્રણ વર્ષમાં ભારતના માર્ગો પર ત્રણ કરોડ ઈલેક્ટ્રિક વાહનો દોડતા હશે એવી શક્યતા છે. આવી સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરમાંથી મળેલો લિથિયમનો આ વિપુલ જથ્થો જેકપોટ સાબિત થશે.

લિથિયમ જેવા મૂલ્યવાન ખનીજની લાલચે લદાખ પર ચીનનો ડોળો

ચીન લદાખ પર ડોળો રાખીને બેઠું છે અને વારંવાર લદાખ સરહદે અશાંતિ સર્જવા મથામણ કરે છે. ચીન વર્ષોથી લદાખ પર દાવો કરે છે અને એનો કેટલોક હિસ્સો પોતાનો હોવાનું કહે છે. ચીનનો લદાખ પર ડોળો હોવાનું એક મહત્ત્વનું કારણ મૂલ્યવાન ખનીજોનો ખજાનો પણ છે. 

લદાખના પેટાળમાં કિંમતી મિનરલ્સનો જથ્થો છે. લદાખમાં ૯૪ પ્રકારના ખનીજ હોવાની શક્યતા છે, જેમાં લિથિયમ, યુરેનિયમ, કોપર, ઝિંક વગેરેનો સમાવેશ થાય છે. એ વિસ્તારમાં લિથિયમનો મોટો જથ્થો હોવાની પૂરી શક્યતા છે. 

ઈલેક્ટ્રિક વ્હિકલ અને સ્માર્ટ ગેજેટ્સની ડિમાન્ડ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ લિથિયમની જરૂરિયાત પણ વધતી જાય છે. એ જ રીતે યુરેનિયમનો જથ્થો પરમાણુ બોમ્બ બનાવવા અનિવાર્ય છે. આ બંને ખનીજોનો જથ્થો આંચકી લેવા ચીન બેતાબ થયું છે, તેથી ડ્રેગને લદાખના કેટલાક વિસ્તારો પર એનો ઝેરીલો ડોળો માંડી રાખ્યો છે.