×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બુલેટ ટ્રેન આ દેશનો ડ્રીમ પ્રોજેક્ટ છે, હાઈકોર્ટે જાણીતા બિઝનેસ ગ્રુપની વિરોધ કરતી અરજી રદ કરી

image : Wikipedia 


નવી દિલ્હી, તા 9, ફેબ્રુઆરી, 2023, ગુરુવાર

મુંબઇ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણને પડકારતી ગોદરેજ એન્ડ બોયસ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે આ એક ડ્રીમ પ્રોજેક્ટ છે અને દેશને તેની જરૂર છે. જસ્ટિસ આર.ડી. ધાનુકા અને એમ.એમ. સથાયેની બેન્ચે આજે આ આદેશ સંભળાવ્યો હતો. 

કોર્ટે કહ્યું - કોઈ હસ્તક્ષેપ કરવાની જરુર નથી 

બેન્ચે તેના આદેશમાં કહ્યું કે પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે અને તેની સાથે લોકોનું હિત જોડાયેલું છે. તેમાં કોઈ હસ્તક્ષેપ કરવાની જરૂર જ નથી. કંપનીને આપવામાં આવેલા વળતરમાં કોઈ ગેરકાયદેસરતા પકડાઈ નથી. અરજદારોએ અમારા માટે અમારી વધારાની ન્યાયિક શક્તિઓનો પ્રયોગ કરવાનો મામલો બનાવ્યો જ નથી. આ સામૂહિક હિતમાં છે અને તે જ સર્વોપરી છે. દેશ માટે આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ હશે. 

NHSRCLએ કહ્યું - જમીન અધિગ્રહણ કરવાની જરુર છે 

કંપની વતી હાજર વકીલ નવરોજ સીરવઈએ સુપ્રીમકોર્ટમાં અપીલ કરવા માટે આ આદેશ પર રોક લગાવવાની માગ કરી હતી. સીરવઈએ કહ્યું કે હું સ્ટે નથી માગી રહ્યો. હું ફક્ત યથાસ્થિતિ ઈચ્છું છું. પ્રોજેક્ટ પૂરો થવા નથી આવ્યો. બીજી બાજુ નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) તરફથી હાજર એડિશનલ સોલિસીટર જનરલ અનિલ સિંહે એ માગનો વિરોધ કરતા કહ્યું કે જમીન અધિગ્રહણ કરવાની જરૂર છે. મહારાષ્ટ્ર સરકાર વતી હાજર પૂર્વ એટોર્ની જનરલ આશુતોષ કુંભકોનીએ પણ વિરોધ નોંધાવ્યો હતો. હાઈકોર્ટે આદેશ પર અપીલ અનુસાર સ્ટે આપ્યો નહોતો. 

264 કરોડનું વળતર પણ ચૂકવાયું છે 

કંપની દ્વારા દાખલ અરજીમાં ડેપ્યુટી કલેક્ટર દ્વારા 264 કરોડ રુ. વળતર ચૂકવાયા બાદ કંપનીની જમીન અધિગ્રહણ કરવા માટે 15 સપ્ટેમ્બર,  2022ના રોજ પસાર વળતર સંબંધિત આદેશને પડકારાયો હતો. જમીન અધિગ્રહણની કાર્યવાહીને ગેરકાયદે ગણાવતા સીરવઇએ કહ્યું હતું કે તેમાં અનેક ગેરરીતિ આચરાઇ હતી. 

રાજ્ય સરકારને કબજાની કાર્યવાહી શરૂ ન કરવા માગ કરી હતી 

કંપનીએ તેની અરજીમાં માંગ કરી હતી કે હાઇકોર્ટ રાજ્ય સરકારને આદેશ આપે અને તેને કબજાની કાર્યવાહી શરૂ ન કરવા માટે નિર્દેશ આપે. સરકાર 2019થી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મુંબઈના વિક્રોલી વિસ્તારમાં કંપનીની માલિકીની જમીનનું અધિગ્રહણ કરવા માંગે છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચેના કુલ 508.17 કિલોમીટરના રેલવે ટ્રેકમાંથી લગભગ 21 કિલોમીટર ભૂગર્ભમાંથી બનાવવાની યોજના છે. ભૂમિગત ટનલનો એક પ્રવેશ બિંદુ વિક્રોલી (ગોદરેજની માલિકીની)માં જમીન પર પડે છે.