×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તુર્કેઈના વિનાશક ભૂકંપમાં ફસાયા ભારતીયો, 1 ગુમ : વિદેશ મંત્રાલયે આપી જાણકારી

અંકારા, તા.08 ફેબ્રુઆરી-2023, બુધવાર

તુર્કેઈ અને સીરિયામાં ભૂકંપથી સર્જાયેલા વિનાશમાં 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તુર્કેઈના દૂરના વિસ્તારમાં 10 ભારતીયો ફસાયા છે અને સુરક્ષિત છે, જ્યારે એક ગુમ છે, જે અંગેની પરિવારજનોને જાણકારી અપાઈ છે. આજે વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સંજય વર્માએ કહ્યું કે, ભૂકંપે વિનાશ વેર્યા બાદ અમે તુર્કેઈના અદાનામાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. તેમણે કહ્યું કે, ગુમ થયેલ ભારતીય બિઝનેસ મીટિંગ માટે તુર્કેઈ ગયો હતો. અમે તેમના પરિવારજનો અને કંપનીના સંપર્કમાં છીએ.

સૌથી મોટી આફત

સંજય વર્માએ કહ્યું કે, 1939 બાદ તુર્કેઈમાં આવેલ આ વિનાશ સૌથી મોટી કુદરતી આફત છે. અમને તૂર્કેઈથી મદદના અનેક ઈ-મેઈલ મળ્યા છે અને બેઠકના 12 કલાક બાદ દિલ્હીથી તુર્કેઈ માટે પ્રથમ SAR એરક્રાફ્ટ રવાના થયું છે. ત્યારબાદ આવા 4 એરક્રાફ્ટ પણ મોકલાયા છે, જેમાંથી 2 એરક્રાફ્ટમાં NDRFની ટીમો છે અને 2 એરક્રાફ્ટમાં મેડિકલ ટીમો હતી. તબીબી પુરવઠો અને ઉપકરણો સાથે એક વિમાનને સીરિયા મોકલાયું છે.

તુર્કેઈ અને સીરિયામાં મુશ્કેલી વધી

તુર્કેઈ અને સીરિયામાં સોમવારે (6 ફેબ્રુઆરી) આવેલા 7.8ની તીવ્રતા અને ત્યારબાદ 7.5ની તીવ્રતાના ધરતીકંપથી વિનાશ સર્જાયો છે. અહીં બચાવ કાર્ય પણ પુરજોશમાં ચાલી રહ્યું છે, જોકે હિમવર્ષાના કારણે બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. ભારતમાં તુર્કેઈનારાજદૂતે મંગળવારે જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ તુર્કેઈમાં 14 મિલિયનથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. આ મોટી કુદરતી આફત છે. 21,103 લોકો ઈજાગ્રસ્ત થયા છે, લગભગ 6000 બિલ્ડિંગો ધરાશાઈ થઈ છે. 3 એરપોર્ટોને પણ નુકસાન થયું છે.