×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવા જંત્રીના ભાવ પર સરકારે કરી સ્પષ્ટતા, 4 ફેબ્રુઆરી પછીના સ્ટૅમ્પ પેપર પર લાગશે નવો દર




ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2023 મંગળવાર

આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળે તે પહેલાં બિલ્ડર્સ એસોસિએશને મુખ્યમંત્રી સાથે જંત્રીના નવા દરને લઈને બેઠક કરી હતી. ત્યાર બાદ કેબિનેટની બેઠક યોજાઈ હતી.એક તરફ આજે સવારે મુખ્યમંત્રીએ બિલ્ડર્સ એસોસિએશન સાથે નવા જંત્રી દર મામલે ચર્ચા કરી હતી, જેમાં તેમણે આશ્વાસન આપ્યું હતું કે, આ મામલે સમય પ્રમાણે સરકાર નિર્ણય કરશે. પરંતુ કેબિનેટની બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જંત્રીના દરનું નોટિફિકેશન આવ્યા પહેલા તમામ ડોક્યુમેન્ટ જુના દર પ્રમાણે રહેશે અને ત્યારબાદ સ્ટેમ્પ કરવામાં આવ્યા હશે તે નવા દર પ્રમાણે રહેશે. 4 ફેબ્રુઆરી પહેલા જે લોકો સ્ટેમ્પ પેપર જમા કરાવ્યા હશે તેમને જુના દર પ્રમાણે જંત્રી કરવાનું રહેશે અને 4 તારીખ બાદ સ્ટેમ્પ દસ્તાવેજો મુક્યાં હશે તો નવા જંત્રી પ્રમાણે દર ચૂકવાનો રહેશે. 

રાજ્યમાં કુલ 204 ફિટનેસ સેન્ટરો શરૂ કરાશે
કેબિનેટની બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો હતો કે, રાજ્યમાં કુલ 204 ફિટનેસ સેન્ટરો શરૂ કરાશે. જેમાં ત્રણ સેન્ટરો હાલમાં ચાલુ છે. બાકીના 201 સેન્ટરો આગામી એપ્રિલ માસમાં શરૂ કરી દેવાશે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વર્ષ 2021માં સ્ક્રેપ પોલિસી લાગુ કરવામાં આવી હતી. વાહનોના ફિટનેસ ટેસ્ટના સર્ટી પણ આપવામાં આવશે. સરળતાથી ફિટનેસ ટેસ્ટના સર્ટી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં પ્રદૂષણના સ્તરને ઘટાડવા અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં 'સ્વૈચ્છિક વાહન સ્ક્રેપિંગ પોલિસી' લાવવાની જાહેરાત કરી હતી. 

10 માર્ચથી 7 જૂન 2023 દરમિયાન ટેકાના ભાવે ખરીદી
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આગામી 10 માર્ચથી 7 જૂન 2023 દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. વર્ષ 2022-23માં એડવાન્સ એસ્ટીમેટ મુજબ તુવેરનું 2.10 લાખ હેકટર, ચણાનું 7.31 લાખ હેકટર તથા રાઈનું 3.21 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે.7 ફેબ્રુઆરી સુધીમાં તુવેર પાકમાં કુલ 1431, ચણા પાકમાં 116127 તથા રાયડા પાકમાં 949 ખેડૂતોએ નોંધણી કરાવેલ છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ચાલુ વર્ષ 2022-23માં તુવેર પાકનો ટેકાનો ભાવ રૂ.6600પ્રતિ કિવન્ટલ, ચણાનો રૂ.5335પ્રતિ કિવન્ટલ તથા રાઈનો ભાવ રૂ.5450 પ્રતિ કિવન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. તુવેરની ખરીદી 135 કેન્દ્રો, ચણાની ખરીદી 187 કેન્દ્રો અને રાઈની ખરીદી  103 કેન્દ્રો પરથી કરાશે.