×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

EXPLAINED : શું છે હિંડનબર્ગ રિસર્ચ? તેનો રિપોર્ટ જાહેર થતા જ કંપનીઓના શૅર કેમ ડૂલ થઈ જાય છે

  • 2017માં આ હિંડનબર્ગ રિસર્ચ ફર્મની સ્થાપના તેના સંસ્થાપક નાથન એન્ડરસને કરી હતી
  • હિંડનબર્ગ ફર્મની વેબસાઈટ પર એવું સ્પષ્ટ લખેલું છે કે તે 'Man-Made Disasters' પર નજર રાખે છે 

અમેરિકાની એક રિસર્ચ ફર્મ હિંડનબર્ગના તાજેતરના એક અહેવાલથી એશિયાના સૌથી ધનિક અને દુનિયામાં ધનિકોની યાદીમાં ચોથા ક્રમે સ્થાન મેળવનારા ગૌતમ અદાણીને મોટું નુકસાન થયું છે. ગૌતમ અદાણીની માલિકી હેઠળના અદાણી ગ્રૂપમાં સામેલ કંપનીઓના શેરોમાં આ રિપોર્ટને કારણે મોટો કડાકો બોલાયો છે. તેના લીધે અદાણી પણ હવે વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાં ચોથેથી સીધા ૭મા સ્થાને સરકી ગયા છે. તો જાણીએ આખરે આ હિંડનબર્ગ રિસર્ચ કંપની છે શું અને તેનું કામ શું છે... શા માટે તેનો રિપોર્ટ આટલો મહત્વનો ગણાય છે... જાણો સંપૂર્ણ માહિતી સરળ શબ્દોમાં...

હિંડનબર્ગ કંપનીની સ્થાપના ક્યારે અને કોણે કરી?   

હિંડનબર્ગ એક અમેરિકી રિસર્ચ ફર્મ છે. તેની સ્થાપના નાથન એન્ડરસને કરી હતી. યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટથી ઈન્ટરનેશનલ બિઝનેસમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવનારા એન્ડરસને એક ડેટા કંપની ફેક્ટસેટ રિસર્ચ સિસ્ટમ્સ ઈંકથી કારકિર્દી શરૂ કરી હતી. અહીં તેમનું કામ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીઓથી સંબંધિત હતું. પછી તેમણે 2017માં પોતાની શોર્ટ-સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ શરૂ કરી હતી. નાથન એન્ડરસન પહેલા ઈઝરાયલમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર રહી ચૂક્યા છે. તે હેરી માર્કપોલોસને રોલ મોડેલ માને છે જે એક એનાલિસ્ટ છે અને બર્ની મેડોફની ફ્રોડ સ્કીમનો પર્દાફાશ કરવા માટે વખણાય છે.

નાથન એન્ડરસન (હિંડનબર્ગ કંપનીનો સ્થાપક)

હિંડનબર્ગ શું કામ કરે છે? 

હિંડનબર્ગ ખરેખર તો એક ફોરેન્સિક ફાઈનાન્શિયલ રિસર્ચ ફર્મ છે જે ઈક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્સનું વિશ્લેષણ કરે છે. હિંડનબર્ગ કંપનીમાં કોઈપણ કંપનીમાં થતી ગેરરીતિઓને શોધી કાઢીને તેના પર એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને પછી તેને પબ્લિશ કરાય છે. તેમાં એકાઉન્ટિંગ ગરબડ, મેનેજમેન્ટ સ્તરની ખામીઓ અને અનડિસ્ક્લોઝ્ડ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન જેવા પાસાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. તે નફો કમાવવા માટે ટારગેટ કંપની વિરુદ્ધ બેટ લગાવે છે. હિંડનબર્ગ ફર્મની વેબસાઈટ પર એવું સ્પષ્ટ લખેલું છે કે તે 'Man-Made Disasters' પર નજર રાખે છે.


કંપની અત્યાર સુધી કેટલા ખુલાસા કરી ચૂકી છે? 

હિંડનબર્ગ કંપનીનું આ નામ 6 મે 1937માં ન્યૂજર્સીની માનચેસ્ટર ટાઉનશિપમાં હિંડનબર્ગ એરશિપ અકસ્માતના નામે રખાયું છે. અત્યાર સુધી આ કંપની લગભગ 30 કંપનીઓમાં કથિત ગેરરીતિઓના ખુલાસા કરી ચૂકી છે. Twitter Inc.અંગેનો તેનો રિપોર્ટ ભારે ચર્ચામાં રહ્યો હતો. હિંડનબર્ગ કોર્પોરેટ વર્લ્ડમાં તમામ ખોટા કામોનો ટ્રેક રેકોર્ડ રાખે છે. 

હિંડનબર્ગ કંપની જાહેરમાં શોર્ટ સેલિંગ કરીને નફો કમાય છે 

હિંડનબર્ગ કંપની જાહેરમાં ખુદને એક્ટિવિસ્ટ શોર્ટ સેલર ગણાવે છે. શોર્ટ સેલિંગ એટલે કે કોઈ સ્ટોક, સિક્યોરિટી કે કોમોડિટીમાં સેલિંગ ટ્રિગર કરાવવું જેથી ડિલીવરી ટાઈમથી પહેલા તેની કિંમત ગગડી જાય ને તેને ઓછી કિંમતે ખરીદી શકાય. એટલે કે કંપની જાહેરમાં કોઈ કંપનીને ટારગેટ કરીને તેની ગરબડ શોધી કાઢે છે. પછી તેના શેર ગગડી જાય તો તેને ખરીદી પછી તેમાં નફો કમાય છે. અદાણી ગ્રૂપ અંગે હિંડનબર્ગે જણાવ્યું હતું કે અમારા રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેર 85% સુધી ગગડી શકે છે. રિપોર્ટ આવ્યા બાદ બે દિવસમાં જ કંપનીના શેરમાં 25% ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. 

ભૂતકાળમાં હિંડનબર્ગે આ કંપનીઓ અંગે રિપોર્ટ રજૂ કર્યા 

2020 બાદથી હિંડનબર્ગ 30  જેટલા રિપોર્ટ જાહેર કરી ચૂકી છે. જો આ 30 કંપનીઓના સ્ટૉકના સરેરાશ રિપોર્ટ જોવામાં આવે તો તેના શેરોમાં આશરે 15%નો કડાકો બોલાયો હતો. જ્યારે સરેરાશ ૬ મહિનામાં 26%નો કડાકો નોંધાયો. હિંડનબર્ગ દ્વારા ભૂતકાળમાં Nikola Corp, WINS Finance, China Metal Resources Utilization, HF Foods, SC Worx’s જેવી કંપનીઓ વિશે ઘટસ્ફોટ કરાયા હતા.

હિંડનબર્ગના રિપોર્ટથી આ કંપનીના શેર 94% ગગડી ગયા હતા 

હિંડનબર્ગ રિસર્ચ ફર્મ દ્વારા 2020માં નિકોલા(Nikola)કંપની આધારિત એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેના બાદ આ કંપનીના શેર 94% સુધી ગગડી ગયા હતા. 

હિંડનબર્ગ વિુરદ્ધ પણ અમેરિકામાં તપાસ ચાલે છે 

હિંડનબર્ગ કંપની વિરુદ્ધ પણ અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ તપાસ કરી રહ્યું છે. તેના પર હેજ ફંડ સાથે મળીને શોર્ટ સેલિંગ કરવાનો આરોપ છે. જોકે તે પહેલાથી જ જણાવી દે છે કે તે આ કંપનીમાં શોર્ટ પોઝિશનમાં છે અને તેમના રોકાણકારો પણ શોર્ટ પોઝિશન લઈ લે છે. જેના પછી રિપોર્ટ જારી કરાય છે. રિપોર્ટ પબ્લિશ કરે તે પહેલા તે 10 રોકાણકારો સાથે શેર પણ કરાય છે. 

હિંડનબર્ગનો પ્રાઈઝ રિએક્શનનો ટ્રેક રેકોર્ડ બેસ્ટ રહ્યો છે 

હિંડનબર્ગે જ્યારે પણ રિપોર્ટ બહાર પાડ્યા ત્યારે તેના અનુમાન પણ મોટાભાગે સાચા ઠર્યા. હિંડનબર્ગનો પ્રાઈઝ રિએક્શનનો ટ્રેક રેકોર્ડ પણ બેસ્ટ રહ્યો છે. SCWORX નામની એક કંપની હતી જેના પર રિપોર્ટ જાહેર કરવાના એક દિવસ બાદ તેના શેરમાં 3.3 ટકાનો કડાકો બોલાયો પણ તેના ૩ મહિના પછી કંપનીના શેર 90% સુધી ગગડી ગયા. જ્યારે  Genius Brand વિરુદ્ધ રિપોર્ટ આવતાની સાથે કંપનીના શેર 13.4% ગગડ્યાં અને 3 મહિનામાં જ 85% સુધી કડાકો બોલાઈ ગયો. આવી જ રીતે Ideanomicના શેર સાથે થયું. રિપોર્ટ આવતા શેરની કિંમતમાં 40%નો કડાકો નોંધાયો અને આગામી 3 મહિનામાં શેરોની કિંમત 64% સુધી કિંમત ગગડી ગઈ. 

અદાણી ગ્રૂપ અંગે હિંડનબર્ગે શું ખુલાસો કર્યો? 

અદાણી ગ્રૂપ અંગે આવેલા એન્ડરસનના રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું કે અદાણી ગ્રૂપની તમામ કંપનીઓ લોન મામલે સવાલોના ઘેરામાં છે. રિપોર્ટમાં દાવો કરાયો કે ગ્રૂપની મુખ્ય 7 કંપનીઓ જે શેર માર્કેટમાં લિસ્ટેડ છે તેમાં 85 ટકાથી વધુ ઓવરવેલ્યૂઝ છે. હિંડનબર્ગ રિસર્ચના લેટેસ્ટ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ સામે 88 સવાલો ઊભા કરાયા હતા. જોકે તેનો રિપોર્ટ આવતા જ અદાણી ગ્રૂપની કંપનીઓના રોકાણકારોના સેન્ટીમેન્ટ પર માઠી અસર થઈ અને સતત ત્રણ દિવસથી અદાણી ગ્રૂપના શેરોમાં કડાકો બોલાઈ રહ્યો છે. જેના લીધે ગૌતમ અદાણી વિશ્વના ધનિકોની યાદીમાં ચોથા ક્રમેથી સરકીને 7મા ક્રમે આવી ગયા છે. અદાણી ગ્રૂપની માર્કેટ કેપ ૨ દિવસમાં 2.37 લાખ કરોડ સુધી ઘટી ગઈ છે. અદાણીની નેટવર્થ પણ ઘટીને 100.4 અબજ ડૉલર પર આવી ગઈ છે. 

હિંડનર્બગના ખુલાસા બાદ 2 દિવસમાં અદાણીની કંપનીઓના મુખ્ય શેરોની આવી સ્થિતિ રહી 

1 અઠવાડિયામાં કડાકો (ટકાવારીમાં) 

  • અદાણી એન્ટરપ્રાઈઝ લિ.  20.1%
  • અદાણી પોર્ટ 22.92%
  • અદાણી ટોટલ ગેસ   25.29%
  • અદાણી ગ્રીન એનર્જી 24.77%
  • અદાણી પાવર 9.85%
  • અદાણી વિલ્મર 6.78%