×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

MSCI ઈન્ડેક્સમાં ફેરફાર થાય તો વિદેશી ફંડ્સની ભારે વેચવાલીની શક્યતા


- હિન્ડેનબર્ગ રિસર્ચના અહેવાલની અદાણી જૂથ પર અસર

- MSCIએ અદાણી પાસે ખુલાસો માંગ્યો : ઇન્ડેક્સના આધારે વિદેશી ફંડ્સનું અદાણીના શેરોમાં ૩.૪૫ અબજ ડોલરનું રોકાણ 

અમદાવાદ : વૈશ્વિક શેરબજારમાં વર્તમાન મૂલ્યની દ્રષ્ટિએ ૧૩.૫ લાખ કરોડ ડોલર - એટલે કે અમેરિકાના અર્થતંત્રના અર્ધા ભાગ જેટલી - અસ્કયામત જેના ઇન્ડેક્સના આધારે વૈશ્વિક બજારોમાં રોકાયેલી છે તેવી એમએસસીઆઈ ઇન્ડેક્સ કંપનીએ અદાણી ગ્રુપની નાણાકીય સ્થિતિ અંગે સવાલ ઉઠાવતા હિન્ડેનબર્ગ રિસર્ચની નોંધ લેતા ગૌતમ અદાણી જૂથની કંપનીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. 

આ ખુલાસાના આધારે એમએસસીઆઈ ઇન્ડેક્સમાં કંપનીઓને મળતા સ્થાન અંગે ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા બજારના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. આ ઇન્ડેક્સના આધારે કેટલાક સ્થાનિક અને વૈશ્વિક ફંડ્સ કંપનીઓના શેરમાં ખરીદી અને વેચાણ કરતા હોય છે. જો એમએસસીઆઈ ઇન્ડેક્સમાં અદાણી જૂથની કંપનીઓને મળતા પ્રમાણમાં ઘટાડો કરવામાં આવે તો શેરમાં વિદેશી ફંડ્સની વધારે વેચવાલી આવી શકે છે.

અદાણી જૂથની શેરબજારમાં નવ કંપનીઓ લીસ્ટેડ છે તેમાંથી આઠ કંપનીઓને એમએસસીઆઈના વિવિધ ઇન્ડેક્સમાં સ્થાન મળેલું છે. આ સ્થાનના આધારે વિદેશી ફંડ્સનું કુલ રોકાણ, શુકવારે બજાર બંધ રહી ત્યારના બંધ ભાવે લગભગ ૩.૪૫ અબજ ડોલર કે રૂ.૨૭,૯૪૫ કરોડ આંકવામાં આવે છે.

અદાણી ગુ્રપની છ મુખ્ય કંપનીઓ જેમાં વિદેશી ફંડ્સનું સૌથી વધુ રોકાણ છે તેમાં શુક્રવારે રૂ. ૨૭૩૯.૬૭ કરોડનું ડિલિવરી વોલ્યૂમ જોવા મળ્યું હતું. ડીલીવરીના આંકડા કંપનીના બજાર મૂલ્યના આધારે સમાન્ય વેચાણ દર્શાવે છે. શુક્રવારે અદાણી એન્ટરપ્રાઈસના શેર ૧૮.૫૨ ટકા ઘટી રૂ.૨૭૬૨.૧૫, અદાણી પોર્ટ ૧૬.૦૩ ટકા ઘટી રૂ.૫૯૮.૬૦, અદાણી પાવર પાંચ ટકા ઘટી રૂ.૨૪૮.૦૫, અદાણી ટોટલ ૨૦ ટકા ઘટી રૂ.૨૯૩૪.૫૫, અદાણી ગ્રીન ૨૦ ટકા ઘટી રૂ.૧૪૮૪.૫૦, અદાણી વિલ્માર પાંચ ટકા ૫૧૭.૩૦, અદાણી ટ્રાન્સમીશન ૨૦ ટકા ઘટી રૂ.૨૦૦૯.૭૦, એસીસી સિમેન્ટ ૧૩.૦૪ ટકા ઘટી રૂ.૧૮૮૪.૦૫ અને અંબુજા સિમેન્ટ ૧૭.૧૬ ટકા ઘટી રૂ. ૩૮૧.૧૫ બંધ રહ્યા હતા.

જો ઇન્ડેક્સમાં ફેરફાર કરવામાં આવે અને તેમાં કંપનીનું પ્રમાણ ઘટાડવામાં આવે તો તેટલી વેચવાલીના આધારે અદાણી જૂથના શેરના ભાવમાં વધારે તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે.

સામાન્ય સંજોગોમાં દર છ મહીને કંપનીઓના નામ વિવિધ ઇન્ડેક્સમાં ઉમેરવામાં, રદ્દ કરવામાં કે પછી તેના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરવાની જાહેરાત એમએસસીઆઈ દ્વારા કરવામાં આવે છે. જોકે, હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથ ઉપર પુષ્કળ દેવું છે, કંપની એક કંપનીમાંથી બીજી કંપનીઓમાં નાણાની હેરફેર કરે છે, કંપનીને પૂછવામાં આવેલા સવાલના જવાબ આપવામાં આવ્યા નથી એવી દલીલ કરતા સપ્તાહની શરૂઆતમાં રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટના પગલે અદાણી જૂથની કંપનીઓના શેરમાં બે સત્રમાં ભારે વેચવાલી જોવા મળી હતી. અદાણી જૂથની કંપનીઓમાં બે સત્રમાં રોકાણકારોના રૂ. ૪,૧૭,૮૨૪ કરોડનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. 

જો અદાણી જૂથની કંપનીઓના ખુલાસાથી એમએસસીઆઈ સંતુષ્ટ થાય નહી અને તેમાં ફેરફાર કરવામાં આવે તો એ કંપનીના શેરમાં ફંડ્સની વેચવાલી આવી શકે છે. વેચાણના દબાણથી શેરના ભાવમાં હજુ પણ વધારે ઘટાડો આવી શકે છે. એમએસસીઆઈ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે અમે અદાણી જૂથ પાસેથી ખુલાસો મેળવવામાં આવ્યો છે. આ ખુલાસો મળ્યે, તેના અભ્યાસના આધારે ઇન્ડેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો તેની જાહેરાત કરવામાં આવશે. 

એમએસસીઆઈ ઇન્ડેક્સ શું છે?

એમએસસીઆઈ ઇન્ડેક્સ વિશ્વના ૨૩ મહત્વના શેરબજાર ઉપર નજર રાખે છે અને ૧૯૬૯થી કંપનીઓની કામગીરી તેનું સ્થાનિક બજારમાં મૂલ્ય વગેરેના આધારે વિવિધ ઇન્ડેક્સ બહાર પાડે છે. વૈશ્વિક કંપનીઓના ઇન્ડેક્સ, જે - તે દેશના ઇન્ડેક્સ સહીત માર્કેટ કેપ આધારિત ઇન્ડેક્સ પણ હોય છે. આ ઇન્ડેક્સમાં એક કંપનીને જે પમાણ (અંગ્રેજીમાં વેઇટ) મળે છે તેના આધારે ઇન્ડેક્સ ફંડ્સ એટલી જ માત્રામાં તેમાં રોકાણ કરે છે. જો ઇન્ડેક્સમાં વેઇટ વધે તો ફંડ્સ એટલું રોકાણ વધારે અથવા જો તેમાં ઘટાડો થાય તો ફંડ્સ તેમાં વેચાણ કરી જેનું વેઇટ વધ્યું હોય તેમાં રોકાણ કરતી હોય છે.