×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જગત જમાદાર ગન કલ્ચર સામે લાચાર : બેફામ ગોળીબારમાં હજારોનાં મોત


- અમેરિકા માટે ત્રાસવાદી કરતા તો પોતાનો નાગરિક જ હાથમાં ગન લઇ મોટો દુશ્મન

- 2020 અને 2021 સૌથી હિંસક રહ્યા, જાન્યુઆરી 2023 ઘાતક પુરવાર થયો : 39 કરોડ ગન્સ અમેરિકન નાગરીકોનો સૌથી મોટો દુશ્મન

- અમેરિકાએ લડેલી લડાઈમાં જેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેના કરતા વધારે - ત્રીસ વર્ષમાં દસ લાખ - લોકો ગન કલ્ચરમાં મોતને ભેટયા છે

અમેરિકન નાગરિકો માટે મૂલ્યો, સ્વતંત્રતા અને ઉદારી વલણ સૌથી મહત્વના એવું આખી દુનિયા ઉપર પ્રસ્થાપિત કર્યા પછી દુનિયા આખીના જમાદાર બની ગયેલા અમેરિકા અને અમેરિકન નાગરીકો માટે સૌથી મોટું જો કોઈ કલંક હોય તો છાશવારે થતા અંધાધૂંધ ગોળીબાર, તેમાં સેંકડો લોકોના મૃત્યુ. આમ છતાં આ કલંક દૂર કરવા માટે ડેમોક્રેટ કે રીપબલીક્ન કોઇપણ નક્કર પગલાં લેતા નથી. રાષ્ટ્રપતિ કોઇપણ હોય ગોળીબાર થતા રહે છે અને નિર્દોષ નાગરીકો મરતા રહે છે.

આંકડાઓ, રિસર્ચ અને વિવિધ અહેવાલ જણાવે છે કે અમેરિકાની ક્રાંતિના ૨૪૭ વર્ષમાં એક દેશ તરીકે આ મહાસત્તાએ લાદેલા બધા યુદ્ધમાં જેટલા સૈનિકો નથી મર્યા એના કરતા વધારે પોતાના નાગરીકો, કોઈ સ્થાનિક માથાફરેલા સાયકોના ગોળીબારથી મર્યા છે. દુનિયામાં જેટલી ગન્સ (રિવોલ્વર, શોટગન, ઓટોમેટીક રાયફલ્સ કે મશીનગન) છે તેની અર્ધી અમેરિકન નાગરીકો પાસે છે.

કેલેન્ડર વર્ષ ૨૦૨૩ અમેરિકા માટે અનેક પડકાર લઇ આવ્યું છે. આર્થિક મંદી આવી રહી છે. ફેડરલ સરકારના બજેટ અને દેવું કરવાની સીમા પૂરી થઇ રહી છે. ટેકનોલોજી કંપનીઓ રોજ સેંકડોને નોકરીઓમાંથી છુટા કરી રહી છે. આ સમયે જ જાન્યુઆરી મહિનાના પ્રથમ ૨૪ દિવસમાં અંધાધુંધ ગોળીબારની ૩૯ ઘટના બની ચુકી છે, એટલે રોજ એક કરતા વધારે. આવી ઘટનામાં ૧૨૦૦ નાગરીકોના મૃત્યુ થયા છે, સમગ્ર દુનિયામાં આંતકવાદી ઘટનાઓમાં થયા હોય તેના કરતા વધારે! લોહીનો આ ખેલ વિદેશની ધરતી ઉપરથી નહી, વહીવટી તંત્ર જેને ત્રાસવાદની ધૂરા ગણે છે, વિશ્વ શાંતિ સામેની અડચણ ગણે છે એવા ઈરાન, ઉત્તર કોરિયાથી નહી પણ પોતાના જ નાગરીકો થકી થઇ રહી છે.

ત્રાસવાદ, આંતકવાદ અને આતંકવાદ સામે તે લાલ આંખ કરી દુનિયાના કોઇપણ દેશ સામે યુદ્ધ જાહેર કરી શકે છે. કોઇપણ દેશની સરહદમાં ઘુસી આંતકીઓનો સફાયો કરી નાખે છે. 

દુનીયાના કોઈ છેડે બે દેશ યુદ્ધ લડતા હોય તો એકનો પક્ષ લઇ બીજાને સમગ્ર વિશ્વથી અળગું કરી શકે છે. સહિષ્ણુતા અને સ્વતંત્રતા ઉપર સુફિયાણી વાતો કરી છે. પણ, તેના પોતાના દેશના નાગરિક સુરક્ષિત નથી. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનના નામે દુનિયાના ડરાવતા અમેરિકાના સ્થાનિકોની પોલીસ રક્ષા કરી શકતી નથી.

ગોળીબારની રોજ એક કરતા વધારે ઘટના

અમેરિકા વધી રહેલા ગન વાયોલન્સ ઉપર નજર રાખતી એક સંસ્થા છે ગન વાયોલન્સ વ્યુ. આ સંસ્થાએ ૨૦૧૪થી ૨૦૨૩ના રોજની ઘટનાઓના આંકડા આપ્યા છે. ગન વાયોલન્સમાં જાહેરમાં ચાર કરતા વધારે વ્યક્તિ મૃત્યુ પામે તો આ સંસ્થા તેને માસ કિલિંગ ગણે છે. છેલ્લા વર્ષોમાં અમેરિકામાં સૌથી હિંસક વર્ષો ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨ રહ્યા છે. આ ત્રણ વર્ષમાં રોજ એક કરતા વધારે માસ કિલિંગની ઘટના નોંધાઈ છે. વર્ષ ૨૦૨૦માં ૬૧૦, ૨૦૨૧માં ૬૯૦ અને ૨૦૨૨માં ૬૪૭ માસ કિલિંગ ઘટના જોવા મળી હતી. અમેરિકામાં ગન્સના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યાના છેલ્લા આંકડા ૨૦૨૦ના ઉપલબ્ધ છે. સેન્ટ્રલ ફોર ડીસીઝ કન્ટ્રોલ અનુસાર ૨૦૨૦માં ગન્સના કારણે કુલ ૪૫.૪૨૨ લોકોના મૃત્યુ થયા હતા. એ પણ એવું વર્ષ કે જયારે કોરોનાના કારણે લોકડાઉન હતું!

ત્રણ દાયકામાં દસ લાખના મોત!

જગત જમાદાર અમેરિકાને દુનિયામાં પોતાનો પ્રભાવ પાડવા માટે, પોતાનો ઈજારો વધારેને વધારે મોટો કરવા માટે લશ્કરી, આર્થિક અને અન્ય રીતે યુદ્ધ કરવાની આદત છે. અમેરિકામાં ૧૭૭૫માં ક્રાંતિ માટે લડાઈ શરુ થઇ ત્યારથી વિવિધ ચળવળ, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ, વિયેતનામ યુદ્ધ કે છેલ્લા ઈરાન અને અફઘાનિસ્તાનના યુદ્ધ સહિત ૨૪૭ વર્ષમાં ૧૩.૫૪ લાખ સૈનિકો મૃત્યુ પામ્યા છે. અફઘાનિસ્તાનમાં અલ કાયદા સામેના યુદ્ધના ૧૫ વર્ષમાં ૬૫૦૦ જેટલા સૈનિકો મૃત્યુ પામ્યા હોવાનું સત્તાવાર આંકડા જણાવે છે.

પરંતુ, ગન કલ્ચર એટલે કે અમેરિકન નાગરિક પોતાની પાસે ફાયરઆર્મ રાખી શકે, તેનો ઉપયોગ કરી શકે અને ઈચ્છા પડે ત્યારે તે ધાણીફૂટ ગોળીઓ સામેવળી વ્યક્તિ કે જૂથ ઉપર વરસાવી શકે તેવી ઘટનાઓમાં મૃત્યુનો આંકડો ચોંકાવનારો છે. અમેરિકન મેડીકલ એસોસિએશનના એક મેગેઝીન જામા નેટવર્કના એક અભ્યાસ અનુસાર ૧૯૯૦થી ૨૦૨૧ વચ્ચે અમેરિકાના ૧૦ લાખ જેટલા નાગરીકો આ ગન કલ્ચરના કારણે મૃત્યુ પામ્યા છે.

અમેરિકામાં ગન કલ્ચરને ટેકો આપનારા, તેનો વિરોધ કરનારા તેના ઉપર અંકુશ મેળવવા અને તેની સામે કડક કાયદાઓ ઘડવા માટે ડેમોક્રેટ કે રીપબ્લીકન રાષ્ટ્રપતિઓ ચૂંટણી પહેલા અને પછી મોટી મોટી વાતો કરે છે પણ શસ્ત્ર બનવતી કંપનીઓની લોબી અને અમેરિકામાં જાતિવાદના સમીકરણોના કારણે કોઈ પગલાં લેવાતા નથી.

દુનિયામાં સૌથી વધુ ગન્સ અમેરિકન પાસે

યુનાઇટેડ નેશન્સના એક અહેવાલ અનુસાર અમેરિકામાં નાગરીકો કરતા ગન્સની વસ્તી વધારે છે! યુનોએ ૨૦૧૭માં સ્મોલ આર્મ્સ સર્વે બહાર પાડયો હતો. વિશ્વમાં નાગરીકો, સૈનિકો અને પોલીસ સહીતના લોકો પાસે એક અબજ હથિયાર હોવાનો યુનોનો અંદાજ હતો તેમાંથી ૮૫ કરોડ જેટલા શસ્ત્રો નાગરીકો પાસે હતા. અમેરિકન નાગરીકો પાસે ૩૯ કરોડ એટલે કે વિશ્વના નાગરીકો પાસે છે તેના ૪૬ ટકા શસ્ત્રો હતા.

ઇસ ૧૭૭૫ની ક્રાંતિથી અમેરિકા અને અમેરિકન્સ પાસે ગન્સ હોવી એ એક શૌર્યની નિશાની માનવામાં આવે છે. અમેરિકનો દર વર્ષે નવી ૧.૫ કરોડ ગન્સ ખરીદે છે. એમાં રિવોલ્વર, ઓટોમેટીક પિસ્તોલ કે ક્યારેક મશીનગન્સનો પણ સમાવેશ થાય છે.

સ્વિત્ઝરલેન્ડની એક સંસ્થા અલગથી સ્મોલ આર્મ્સ સર્વે કરતી આવે છે. છેલ્લે આવો સર્વે ૨૦૧૮માં થયો હતો. આ સર્વે અનુસાર અમેરિકામાં પ્રતિ ૧૦૦ વ્યક્તિઓ ૧૨૦.૫ ગન્સ છે. વર્ષ ૨૦૧૧માં આ પ્રમાણ ૮૮ હતું. અમેરિકન નાગરીકોને ગન્સ પ્રત્યે એટલું ઘેલું છે કે ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચે અમેરિકામાં વયસ્કોને નવી ૭૫ લાખ ગન્સ વસાવી છે. પોતાના ઘરે ગન્સ રાખતા લોકોની સંખ્યા ૧.૧ કરોડ છે અને લગભગ ૫૦ લાખ બાળકો (૧૮ વર્ષથી નીચેની ઉંમર હોય તેવા) પાસે પણ ગન્સ છે.

જાહેરમાં ગન્સનો વિરોધ પણ ખાનગીમાં ટેકો

અમેરિકા અને અમેરિકન નાગરીકોના માનસ અંગે, વિવિધ મુદ્દે કે રાજકીય સ્થિતિ અંગે સૌથી લોકપ્રિય અને વિશ્વસનીય સર્વે કરતી સંસ્થા ગેલોપ છે. ગેલોપના એક સર્વે અનુસાર અમેરિકન નાગરીકો ફાયરીંગ અને તેની હિંસા સામે રોષ વ્યક્ત કર છે છતાં તેના ટેકેદારો પણ છે. વર્ષ ૨૦૨૦ પછી જોકે ગેલોપના મતે નાગરીકોનો અભિપ્રયા બદલાય રહ્યો છે. ગેલોપના ૨૦૨૦ના સર્વે અનુસાર ૫૨ ટકા નાગરિકો ખરીદી, તેના નિયમો હવે કડક હોય, તેના ઉપર નિયંત્રણ આવે એવું ઈચ્છી રહ્યા છે. જોક, ૩૫ ટકા એવા પણ છે કે જે નિયમોમાં કોઈ બદલાવ ઇચ્છતા નથી. એવા ૧૧ ટકા પણ છે કે જે માને છે કે થોડાંઘણા અંકુશ છે તે પણ હટી જવા જોઈએ.

ગન્સને ટેકો આપતી લોબીનું સંસદ ઉપર પ્રભુત્વ

અમેરિકામાં કોંગ્રેસ ઉપર પ્રભુત્વ મેળવવા માટે પક્ષકાર અને વિરોધ એમ લોબી કામ કરતી હોય છે. આ લોબી દાન થકી, વિવિધ રીતે કોંગ્રેસની ચૂંટણીમાં ઉમેદવારને ટેકો આપી સરકારના નિયમો અને નીતિ ઉપર પ્રભાવ ઉભો કરે છે. ઓઈલ લોબી, ફાર્મા લોબી, આર્મ્સ લોબીની જેમ નેશનલ રાઈફલ એસોસીએશન એક સંસ્થા છે (જોકે હવે આ સંસ્થા બંધ થઇ ગઈ છે) જે તેના આર્થિક પ્રભાવથી કોંગ્રેસમાં ગન્સના વિરોધ અંગે - લોકોનો કોઇપણ અભિપ્રાય હોય - નિયમો બનવા દેતી નથી. આ એસોસિએશન ભ્રષ્ટાચારના આરોપ થયા બાદ નાદારી નોધાવી બંધ થઇ ગયું છે પણ હવે દરેક રાજ્યમાં સ્વાયત્ત સંસ્થાઓ ગન્સનો વિરોધ ડામવાની કામગીરી કરી રહી છે.

ગન્સ તરફીઓનો આર્થિક પ્રભાવ ઘણો મોટો છે. જેમકે, ૨૦૧૨માં તેમણે ગન્સ હોવી જોઈએ એવા અભિયાન માટે બે કરોડ ડોલર ખર્ચ્યા હતા. આ ખર્ચ ૨૦૧૬માં વધી ૫.૫ કરોડ ડોલર અને ૨૦૨૦માં ૩.૩ કરોડ ડોલર હતો. સામે ગન્સનો વિરોધ કરનાર સંસ્થાઓએ અભિયાન માટે ૨૦૧૨માં એક લાખ ડોલર, ૨૦૧૬માં બે લાખ ડોલર તો ૨૦૨૦માં બે કરોડ ડોલરનો ખર્ચ કર્યો હતો.