×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Budget 2023 : કેવી રીતે તૈયાર કરાય છે બજેટ, કોની સાથે થાય છે ચર્ચા, જાણો તમામ વિગત

પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણ નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજુ કરશે. મોદી સરકાર માટે આ બજેટ ખુબ જ મહત્વપૂર્ણ હશે, કારણ કે એપ્રિલ-મે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા સરકારના છેલ્લુ પૂર્ણ બજેટ છે. બજેટ રજુ કરવાની તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે, જોકે ઘણા મહિનાઓ પહેલા જ બજેટની તૈયારી શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે, ભારતીય બજેટ અંગે બંધારણ શું કહે છે અને બજેટને રજુ કરવા માટે સરકાર શું તૈયારીઓ કરે છે ?

2019માં અરૂણ જેટલીના બદલે પીયૂષ ગોયલે રજુ કર્યું હતું બજેટ

બંધારણમાં બજેટનો સીધો ઉલ્લેખ નથી. જો કે બંધારણની કલમ 112માં 'વાર્ષિક નાણાકીય નિવેદન'નો ઉલ્લેખ છે. આ કલમ હેઠળ સરકારે તેની દર વર્ષની કમાણી અને ખર્ચનો હિસાબ આપવો ફરજિયાત છે. આ કલમ મુજબ બજેટ રજૂ કરવાનો અધિકાર રાષ્ટ્રપતિને છે, પરંતુ રાષ્ટ્રપતિ પોતે બજેટ રજૂ કરતા નથી, બલ્કે તેઓ કોઈ મંત્રીને તેમના વતી બજેટ રજૂ કરવા માટે કહી શકે છે. વર્ષ 2019ના બજેટમાં જ આવું જોવા મળ્યું હતું. 2019માં જ્યારે અરુણ જેટલી બીમાર હતા ત્યારે પીયૂષ ગોયલે નાણામંત્રી ન હોવા છતાં બજેટ રજૂ કર્યું હતું. જો કે સામાન્ય રીતે નાણામંત્રી બજેટ રજૂ કરે છે.

બજેટ શબ્દ ક્યાંથી આવ્યો ?

બજેટ શબ્દ ફ્રાન્સના બુઝેમાંથી આવ્યો છે, જેનો મતલબ ચામડાની બેગ છે. એવું માનવામાં આવે છે કે, સરકાર અને ઉદ્યોગપતિ પોતાની કમાણી અને ખર્ચના દસ્તાવેજને ચામડાની બેગમાં રાખે છે, તેથી નાણાંમંત્રી પણ પોતાના દસ્તાવેજને એક ચામડાની બેગમાં લઈને સંસદ પહોંચે છે. બ્રિટનમાં આ શબ્દનો ઉપયોગ થતો રહ્યો છે, જે ભારત સુધી પહોંચી ગયો.

બજેટ શું હોય છે ?

બજેટ 1 વર્ષનો હિસાબ હોય છે. બજેટ રજૂ કરતા પહેલા સર્વે થાય છે, જેમાં સરકારની કમાણીનો અંદાજ લગાવાય છે. બજેટમાં સરકાર પ્રત્યક્ષ કર, પરોક્ષ કર, રેલ્વે ભાડા અને વિવિધ મંત્રાલયો દ્વારા કેટલી કમાણી કરશે તેનો અંદાજ લગાવે છે. આગામી વર્ષમાં સરકારના ખર્ચનો અંદાજ કેટલો આવશે તે પણ સર્વેમાં નક્કી કરાયું છે. સીધા શબ્દોમાં કહીએ તો બજેટમાં એક વર્ષમાં થનારી અંદાજીત મહેસૂલ (કમાણી) અને ખર્ચા (અંદાજીત વ્યય)ની વિગતો હોય છે. નાણામંત્રી પોતાના ભાષણમાં આ જ કમાણી અને ખર્ચની વિગતો રજુ કરે છે, જેને સામાન્ય બજેટ અથવા સંઘીય બજેટ કહેવામાં આવે છે. બજેટનો સમયગાળો એક વર્ષનો હોય છે.

ભારતમાં બજેટ કોણ તૈયાર કરે છે ?

ભારતમાં બજેટને તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી જટિલ છે. બજેટ બનાવવામાં નાણામંત્રાલય ઉપરાંત નીતિ આયોગ અને ખર્ચ સાથે જોડાયેલા મંત્રાલય સામેલ હોય છે. નાણાં મંત્રાલય જુદા જુદા મંત્રાલયની વિનંતી મુજબ ખર્ચનો પ્રસ્તાવ તૈયાર કરે છે. ત્યારબાદ બજેટ બનાવવાનું કામ નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગના બજેટ વિભાગ દ્વારા થાય છે.

બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શું છે ?

  1. બજેટ વિભાગ તમામ કેન્દ્રીય મંત્રાલયો, રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, સ્વાયત્ત સંસ્થાઓ, વિભાગો, સશસ્ત્ર દળોને પરિપત્ર જારી કરે છે. આ પરિપત્ર હેઠળ તેમને આગામી વર્ષ માટે એસ્ટિમેન્ટ (ખર્ચનું આંકલન) તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. મંત્રાલયો અને વિભાગો તરફથી માંગ રજુ કરાયા બાદ નાણા મંત્રાલયનો ખર્ચ વિભાગ તમામ કેન્દ્રીય મંત્રાલયો સાથે સમજુતિ હેઠળની ચર્ચા-વિચારણા શરૂ કરે છે.
  2. દરમિયાન આર્થિક બાબતોનો વિભાગ અને મહેસૂલ વિભાગ ખેડૂતો, વેપારીઓ, અર્થશાસ્ત્રીઓ, સિવિલ સોસાયટી સંસ્થાનો જેવા વિવિધ હિતધારકોના સંપર્કમાં આવે છે અને બજેટ પર તેમના મંતવ્યો માંગે છે. આ પ્રક્રિયાને પ્રી-બજેટ ચર્ચા પણ કહેવાય છે, કારણ કે આ કામગીરી બજેટની તૈયારી પહેલાની પ્રક્રિયા છે. ત્યારબાદ નાણામંત્રી ટેક્સ અંગે અંતિમ નિર્ણય લે છે. બજેટને ફાઈનલ કરતા પહેલા વડાપ્રધાન સાથે તમામ દરખાસ્તો અંગે પણ ચર્ચા કરવામાં આવે છે અને તેમને આગામી નિર્ણયો અંગે માહિતગાર કરવામાં આવે છે.
  3. અંતિમ પગલાંના ભાગરૂપે નાણા મંત્રાલય બજેટની તૈયારી સાથે સંકળાયેલા તમામ વિભાગો પાસેથી આવકો અને ખર્ચની રસીદો મેળવે છે. આ રસીદો દ્વારા એકત્રિત કરાયેલા ડેટાના આધારે આગામી વર્ષની અંદાજિત કમાણી અને ખર્ચ માટે એક યોજના તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત સરકાર બજેટને અંતિમ રૂપ આપવા ફરી એકવાર રાજ્યો, બેંકરો, કૃષિ ક્ષેત્રના લોકો, અર્થશાસ્ત્રીઓ અને ટ્રેડ યુનિયનો સાથે બેઠક યોજે છે, જેમાં આ હિતધારકોને ટેક્સમાં રાહત અને નાણાકીય મદદ જેવી બાબતોની ચર્ચા કરવામાં આવે છે. છેલ્લે નાણા મંત્રાલય સંશોધિત બજેટ અંદાજોના આધારે બજેટ ભાષણ તૈયાર કરે છે.

બજેટ રજુ કરતા પહેલા ‘હલવા સેરેમેની’ કેમ યોજાય છે

નાણાં મંત્રી દ્વારા બજેટ પહેલા એક હલવા સેરેમનીનું પણ આયોજન થાય છે. આ ‘હલવા સેરેમેની’થી ખ્યાલ આવી જાય છે કે, બજેટને અંતિમ સ્વરૂપ અપાયું છે અને બજેટના પ્રિન્ટિંગનું કામ શરૂ થઈ ગયું છે. આ સેરેમનીમાં મોટી સંખ્યામાં બજેટ તૈયાર કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે. નાણા મંત્રાલયના બજેટ વિભાગના તમામ અધિકારીઓ, જેઓ બજેટ બનાવવાની તૈયારીનું કામ કરે છે, તેમને સંસદમાં બજેટ રજૂ ન થાય ત્યાં સુધી તેમના પરિવારજનો સંપર્ક કરવા દેવાતો નથી. આવી સ્થિતિમાં સરકાર તેમની મહેનત બદલ આભાર વ્યક્ત કરવા માટે હલવા સેરેમનીનું આયોજન કરે છે.