×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિવાદ વચ્ચે PM મોદી પર BBC ડોક્યૂમેન્ટ્રી અંગે કોંગ્રેસનો મોટો નિર્ણય, કેરળમાં કરશે સ્ક્રીનિંગ

તિરુવનંતપુરમ, તા.26 જાન્યુઆરી-2023, ગુરુવાર

કેરળમાં કોંગ્રેસ આજે તિરુવનંતપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસી ડોક્યૂમેન્ટ્રીનું સ્ક્રીંગ કરશે. કેન્દ્ર સરકારે શુક્રવારે PM મોદીની ટીકા કરનાર બીબીસીની ડોક્યૂમેન્ટ્રી શેર કરેલા ટ્વિટ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. જે ટ્વિટ દ્વારા બીબીસીની ડોક્યૂમેન્ટ્રીની યૂટ્યુબ પર લીંક શેર કરાઈ છે, તેને પણ બ્લોક કરી દેવાઈ છે.

ડોક્યૂમેન્ટ્રી વિવાદને લઈ કોંગ્રેસના CM એન્ટનીના પુત્રનું રાજીનામું

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી એ.કે.એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીએ બીબીસીની આ ડોક્યૂમેન્ટ્રી પર વાંધો ઉઠાવ્યા બાદ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. અનિલ એન્ટનીએ આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન મોદી પર બનેલી બીબીસીની ડોક્યૂમેન્ટ્રી અંગે વાંધો ઉઠાવ્યા બાદ તેમના પર ટ્વિટ ડિલીટ કરવાને લઈ દબાણ કરાયું હતું. અનિલ એન્ટનીએ ટ્વિટ કરી લખ્યું હતું કે, બ્રિટિશ બ્રોડકાસ્ટરના વિચારોને ભારતીય સંસ્થાઓ પર પ્રાધાન્ય આપવાથી દેશનું સાર્વભૌમત્વ 'નબળુ' કરશે.

રાહુલે સરકાર દ્વારા રોકવાના પ્રયાસોની ટીકા કરી હતી 

અનિલ એન્ટોનીએ કહ્યું કે મને રાહુલ ગાંધી કે કોંગ્રેસ પાર્ટીથી કોઈ તકલીફ નથી પણ આપણી આઝાદીના ૭૫માં વર્ષમાં આપણે વિદેશીઓ કે તેમની સંસ્થાનોને આપણી સંપ્રભુતાને નબળી પાડવાની છૂટ ન આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન આ ડૉક્યુમેન્ટ્રીને ભારતમાં ઓનલાઈન શેર કરવાથી રોકવાના સરકારના પ્રયાસો સામે સવાલો ઊઠાવ્યા હતા. 

જામિયામાં ડૉક્યુમેન્ટ્રીની સ્ક્રિનિંગની જાહેરાત બાદ થયો હતો હોબાળો

દિલ્હીમાં જામિયા યુનિવર્સિટીમાં વડાપ્રધાન મોદી આધારિત બીબીસીની ડૉક્યુમેન્ટ્રીની સ્ક્રીનિંગની જાહેરાત કરાતાં જ માહોલ બગાડવા બદલ પોલીસે ગઈકાલે ૩ વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી હતી. જોકે તેનો વિરોધ કરવામાં આવતા દેખાવો કરનારા અન્ય ૭ વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. ચીફ પ્રોક્ટરની ફરિયાદના આધારે જ આ કાર્યવાહી કરાઈ હતી. પોલીસે જણાવ્યું કે ઘટનાને પગલે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. આ દરમિયાન જામિયા યુનિવર્સિટીના ચીફ પ્રોક્ટર કાર્યાલય દ્વારા એક નોટિસ જાહેર કરીને જણાવી દેવાયું હતું કે યુનિવર્સિટી તરફથી કોઈને પણ ભીડ એકઠી કરવા કે કોઈપણ ડૉક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કરવાની પરવાનગી અપાઈ નથી. યુનિવર્સિટીનું વાતાવરણ ડહોળવાના પ્રયાસો કરનાર સામે તમામ કાર્યવાહી અને પગલાં ભરવાની વાત પણ કહેવામાં આવી હતી.