×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓરેવા ગ્રુપના એમ.ડી. જયસુખ પટેલની ધરપકડ કરવા વોરંટ ઈસ્યુ


બેદરકારીને લીધે ઝૂલતો પૂલ તૂટી પડવાના ચકચારી કેસમાં

આગોતરા જામીન અરજીની સુનાવણી તા.1 ફેબુ્રઆરી પર મોકુફઃ અઢી માસથી વધુ સમય છતાં પોલીસે હજુ અટક-પુછપરછ કરી નથી

રાજકોટ,મોરબી :  મોરબીનો ઝૂલતો પૂલ યોગ્ય રીતે મરમ્મત કર્યા વગર કે સેફ્ટી તપાસ્યા વગર અને સલામતિના નિયમોનું ઉલ્લંઘન કરવાથી તા.૩૦-૧૦-૨૦૨૨ના તૂટી પડતા ૧૩૫ માસુમોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનામાં પહેલેથી જ પ્રથમ નજરે જ જવાબદાર જણાતા જયસુખ પટેલને આજ સુધી પોલીસે પકડેલ નથી ત્યારે હવે તેની ધરપકડ કરવા અદાલત દ્વારા વોરંટ ઈસ્યુ કરાયું છે.

અજંતા મેન્યુફેક્ચરર્સ પ્રા.લિ. ઓરેવા ગુ્રપને આ ઝૂલતો પૂલ સોંપવા મોરબી સુધરાઈ દ્વારા શંકાસ્પદ શરતો સાથેના કરાર કરાયા હતા અને જયસુખ પટેલે પોતે જ પરિવાર સાથે આ પૂલને નૂતન વર્ષમાં ખુલ્લો મુકી દીધો હતો. પૂલની બરાબર મરમ્મત કરવાની જવાબદારીમાં ઘોર બેદરકારી દાખવાતા અને ઘટનાના દિવસે પૂલની ક્ષમતા જોયા જાણ્યા વગર તેના ઉપર લોકોને જવા દેવાતા તૂટી પડયો હતો. પોલીસે સાંજે બનેલી ઘટનામાં મોડીરાત્રિના ફરિયાદ નોંધી અને ત્યારબાદ આજે બે માસ અને ૨૨ દિવસનો સમય પસાર થઈ જવા છતાં જયસુખ પટેલને પકડવા, અટકાયત કરીને પુછપરછ કરવાની કાર્યવાહી નહીં કરાતા લોકોમાં અનેક સવાલો જાગ્યા છે. હવે ધરપકડ વોરંટ બજાવવા પોલીસ શુ કાર્યવાહી કરી રહી છે અને અત્યાર સુધી શુ કર્યું તે અંગે માહિતી માટે તપાસનીશ ડીવાય.એસ.પી. અને એસ.પી.નો સંપર્ક સાધતા ફોન નો રિપ્લાય થતા તે જાણી શકાયું નથી.

દરમિયાન ઓરેવા ગુ્રપના એમ.ડી.એ ધરપકડની ભીતિ જણાતા આગોતરા જામીન અરજી કરી હતી જેની સુનાવણી અદાલતે તા.૧ ફેબુ્રઆરી ઉપર મોકુફ રખાઈ છે. આ અરજીની સુનાવણીમાં મૃતકોના પરિવારવતી પોતાને સાંભળવા એડવોકેટ દિલિપ અગેચણીયાએ પણ પક્ષકાર તરીકે જોડવા અરજી કરી છે. બીજી તરફ આ કેસમાં તા.૨૮ સુધીમાં પોલીસે ચાર્જશીટ કરવાનું છે તેમાં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ ઉમેરાયું કે બાકી છે તે પોલીસ દ્વારા જાહેર કરાયું નથી.

આગોતરા જામીન અરજીની સુનાવણી પૂર્વે આ એમ.ડી.ની પોલીસ અટકાયત કરે છે કે કેમ તેના પર લોકોની નજર છે. ગંભીર વાત એ છે કે સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર આ દુર્ઘટનાને પોણા ત્રણ માસનો લાંબો સમય વિતવા છતાં કોઈની સૂચનાથી કામગીરી કરનારાની અટકાયત થઈ છે પરંતુ, સૂચના કે આદેશ આપનાર મુખ્ય જવાબદાર સુધી પોલીસ હજુ પહોંચી નથી કે પહોંચી શકી નથી.