×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વન-ડે મેચ, જુઓ બંને ટીમોના રેકોર્ડ

રાયપુર,તા.21 જાન્યુઆરી, શનિવાર-2023

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરિઝની આજે બીજી વન-ડે રાયપુરના શહિદ વીર નારાયણસિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિમમાં રમાશે. અગાઉ ભારતીય ટીમે પ્રથમ વન-ડેમાં 12 રનથી જીત મેળવતા ટીમ ઈન્ડિયા સિરિઝમાં 1-0થી આગળ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાસે બીજી વન-ડે જીતી સિરિઝ પર કબજો કરવાની તક છે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 1.30 કલાકે રમાશે.

રાયપુર શહેર આજે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મુકાબલાની યજમાની કરશે. આ સ્ટેડિયમમાં 60 હજારથી વધુ દર્શકો મેચ નિહાળી શકશે. બંને દેશો વચ્ચે રમાનાર આજની મેચ ખુબ જ મહત્વની રહેશે, કારણ કે પ્રથમ વન-ડે મેચ ભારત જીતી ગયું હોવાથી ન્યુઝીલેન્ડની ટીમ બીજી વન-ડે જીતવાના તમામ પ્રયાસો કરશે. ઉપરાંત પ્રથમ વન-ડેમાં ભારતના 349 રનના મોટા સ્કોરની નજીક પહોંચવામાં ન્યુઝીલેન્ડ સફળ રહ્યું હતું, જોકે ન્યુઝીલેન્ડની 12 રને હાર થઈ હતી. આ બાબતને પણ ધ્યાને રાખી ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ પણ ધમાકેદાર બેટીંગ કરી પોતાની મજબુતાઈ સાબિત કરી હતી. તો ભારતીય બોલરો પણ પ્રથમ વન-ડેમાં ખુબ જ ખર્ચાળ સાબિત થયા હતા.

રાયપુર સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે અનુકુળ

રાયપુરની પીચ બેટ્સમેનો માટે અનુકુળ માનવામાં આવે છે અને આશા છે કે, આજે ફરી એકવાર બેટ્સમેનોને પીચનો ફાયદો મળશે. જોકે ઝડપી બોલરોને મેચના હાફ દરમિયાન સંભવિત ફાયદો થઈ શકે છે, જ્યારે મિડલ ઓવર્સમાં સ્પિનરોને પીચ ઉપયોગી થઈ શકે છે. ટૉસ જીતનારી ટીમ પ્રથમ બેટીંગ કરવા ઈચ્છશે.

પ્રથમ વન-ડેમાં ભારતની જીત, સિરિઝમાં 1-0થી આગળ

ભારત અને ન્યુઝીલેન્ડ ત્રણ વન-ડે સિરિઝની અગાઉ રમાયેલી પ્રથમ મેચમાં ભારતને 12 રને વિજય મેળવ્યો હતો. ભારતના 50 ઓવરમાં 8 વિકેટે 349 રનના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 337 રને ઓલઆઉટ થઈ જતા ન્યુઝીલેન્ડની 12 રને હાર થઈ હતી. ભારત તરફથી પ્રથમ બેટીંગ કરતા ન્યુઝીલેન્ડને જીતવા માટે 350 રનનું લક્ષ્ય આપ્યું હતું, જોકે ન્યુઝીલેન્ડની ટીમ આ ટાર્ગેટ પાર પાડવામાં સફળ રહી ન હતી. આ મેચમાં શુભમન ગીલ મેચનો હિરો બનીને ઉભરી આવ્યો હતો. આ મેચમાં શુભમન ગીલની વિસ્ફોટક બેટીંગના કારણે ન્યુઝીલેન્ડ સામે ભારતે વિરાટ સ્કોર ઉભો કર્યો હતો. આ મેચમાં શુભમન ગીલે 149 બોલમાં 19 ફોર અને 9 સિક્સની મદદથી 208 રન કરી રેકોર્ડો સર્જ્યા છે. તો ન્યુઝીલેન્ડ તફથી ડ્રેઈલી મિશેલ અને હેન્રી સિપ્લેએ 2-2 વિકેટ ઝડપી હતી.

ભારતની સંભવિત રમત-11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક.

ન્યુઝીલેન્ડના સંભવિત પ્લેઈંગ-11

ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (વિકેટ કીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર.

ભારત અને ન્યુઝીલેન્ડ ટીમના અત્યાર સુધીના રેકોર્ડો

  • ભારત (સૌથી વધુ સ્કોર) વિ. ન્યુઝીલેન્ડ: 392/4 (50) - ભારત 58 રનથી જીત્યું (ક્રિસ્ટચર્ચ, માર્ચ 2009)
  • ભારત (સૌથી ઓછો સ્કોર) વિ. ન્યુઝીલેન્ડ: 88 ઓલઆઉટ (29.3) - ન્યુઝીલેન્ડ 200 રનથી જીત્યું (દામ્બુલા, ઓગસ્ટ 2010)
  • ન્યુઝીલેન્ડ (સૌથી વધુ સ્કોર) વિ. ભારત: 349/9 (50) - ન્યુઝીલેન્ડ 43 રનથી જીત્યું (રાજકોટ; નવેમ્બર 1999)
  • ન્યુઝીલેન્ડ (સૌથી ઓછો સ્કોર) વિ. ભારત: 79 ઑલઆઉટ (21.3) - ભારત 190 રનથી જીત્યું (વિશાખાપટ્ટનમ, ઑક્ટોબર 2016)
  • ભારત (સૌથી વધુ વ્યક્તિગત સ્કોર) વિ. ન્યુઝીલેન્ડ: શુભમન ગીલ 208 (149) (હૈદરાબાદ, જાન્યુઆરી 2023)
  • ભારત (શ્રેષ્ઠ બોલિંગ) વિ. ન્યુઝીલેન્ડ: અમિત મિશ્રા 5/18 (6.0) (વિશાખાપટ્ટનમ ઓક્ટોબર 2016)
  • ન્યુઝીલેન્ડ (સૌથી વધુ વ્યક્તિગત સ્કોર) વિ. ભારત: ટોમ લાથમ 145* (130) (ઓકલેન્ડ નવેમ્બર 2022)
  • ન્યુઝીલેન્ડ (શ્રેષ્ઠ બોલિંગ) વિ. ભારત: શેન બોન્ડ 6/19 (9.0) (બુલાવાયો ઓગસ્ટ 2005)

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે કેટલી વન-ડે રમાઈ ?

  • રમાયેલી મેચો: 114
  • ભારત જીત્યું: 56
  • ન્યુઝીલેન્ડ જીત્યું: 50
  • કોઈ પરિણામ નથી: 7
  • ડ્રો : 1