×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘રામસેતુ’ને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની તૈયારીમાં સરકાર, જાણો તેનાથી શું ફર્ક પડશે

Image - wikipedia

નવી દિલ્હી, તા.20 જાન્યુઆરી-2023, શુક્રવાર

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ‘રામસેતુ’ને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ અંગે કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પૂર્વ રાજ્યસભાના સાંસદ સુભ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરી હતી, તે પિટિશન અંગે કેન્દ્ર સરકારે જાણકારી આપી છે. આ પિટિશન પર ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચે સુનાવણી કરી રહી છે. કોઈ સ્થળને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરાયા બાદ તે સ્મારકની જવાબદારી કેન્દ્ર સરકારની થઈ જાય છે અને તે સ્મારકની આસપાસ ઘણા પ્રકારના પ્રતિબંધો પણ લાગુ પડી જાય છે તેમજ રાષ્ટ્રીય સ્મારકની સુરક્ષા પણ કરવામાં આવે છે.

રાષ્ટ્રીય સ્મારક કેવી રીતે જાહેર કરવામાં આવે છે ?

કોઈ ઐતિહાસિક જગ્યા, બિલ્ડિંગ કે વારસાને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની ભલામણ નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે. નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીની ભલામણ પર કેન્દ્ર સરકાર સહમત થાય તો તે સ્થળ, બિલ્ડિંગ કે વારસાને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી દેવામાં આવે છે અને આ માટે કેન્દ્ર સરકાર ગેજેટ નોટિફિકેશન જારી કરે છે. રાષ્ટ્રીય સ્મારક જાહેર થયા બાદ આ સ્મારક્ની આસપાસ કોઈપણ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. એટલું જ નહીં સ્મારકના મુખ્ય સ્વરૂપ સાથે પણ છેડછાડ કરવામાં આવતી નથી. જો સ્મારકને રિનોવેટ પણ કરવામાં આવે તો તેના મુખ્ય સ્વરૂપને યથાવત્ જ રાખવામાં આવે છે. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 90થી વધુ ઐતિહાસિક ધરોહરને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી ચુકી છે, આમાં લાલ કિલ્લો અને તાજમહેલ પણ સામેલ છે.

રામસેતુ શું છે ?

રામાયણમાં લખાયેલું છે કે, ભગવાન રામે વાનર સેનાની મદદ માટે, લંકા પર ચઢાણ કરવા માટે આ સેતુ બનાવ્યો હતો. આ સેતુ પર ચાલીને ભગવાન રામ અને તેમની વાનર સેનાએ લંકા પર ચઢાણ કર્યું હતું અને રાવણનું વધ કરી ભગવાન રામે તેમની પત્ની સીતાને છોડાવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે, રામસેતુ રામેશ્વરમ (ભાતર)માં શ્રીલંકાના મન્નાર દ્વીપ સુધી બનાવેલો છે. આ સેતુ લગભગ 48 કિલોમીટર લાંબો છે. કેટલાક રિપોર્ટોમાં દાવો કરવામાં આવ્યો છે કે, રામસેતુ ચુના પત્થરથી બનાવાયો છે. આ સમુદ્ર ઘણો ઉથલ-પાથલવાળો છે, જેના કારણે અહીંથી મોટી હોળીઓ અને જહાજો પણ પસાર થઈ શકતા નથી.