×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભરૂચના બે કોન્સ્ટેબલોએ SMCના ૧૫ અધિકારીઓની જાસુસી કરી

અમદાવાદ

૧૫ અધિકારીઓના ફોન સવેલન્સમાં મુકીને ૬૦૦થી વધુ લોકેશન ટ્રેક કર્યાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું ઃ ભરૂચ એસપીએ બંને કોન્સ્ટેબલ વિરૂદ્વ ગુનો નોંધ્યો

ગુજરાતમાં ચાલતા દારૂ, જુગાર અને ડ્રગ્સ સહિતના ગેરકાયદેસર નેટવર્કની વિગતો મેળવીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં દરોડા પાડવામાં આવે છે. પરંતુ, સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ દ્વારા ભરૂચમાં જ્યારે જ્યારે જ્યારે બાતમીને આધારે દરોડા પાડવામાં આવતા હતા. ત્યારે બુટલેગરો લોકેશન છોડીને નાસી જતા હતા અને મોટાભાગની રેડ નિષ્ફળ રહી હતી. જેથી શંકા જતા મોનીટરીંગ સેલના એસપી  નિર્લિપ્ત રાયે આ મામલે ભરૂચ એસપીને જાણ કરી તપાસ કરાવી ત્યારે ચોંકાવનારી બાબત ધ્યાનમાં આવી હતી. ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાંચના બે કોન્સ્ટેબલોએ મોનીટરીંગ સેલના મોબાઇલ ટ્રેક કરીને રેડ પડે તે પહેલાં જ બુટલેગરોને જાણ કરી હતી. જે બાબત ધ્યાનમાં આવતા ભરૂચ  એસપીએ તાત્કાલિક બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને ગુનોં નોંધ્યો હતો. ગુજરાત પોલીસનો પગાર લઇને બુટલેગરોના બાતમીદાર બનીને ભરૂચના બે કોન્સ્ટેબલોએ સ્ટેટ મોનીટરીંગના ૧૫ જેટલા પોલીસ અધિકારીઓના મોબાઇલ ફોન ટ્રેક કરીને ભરૂચ જિલ્લામાં પાડવામાં આવતા દરોડા અંગે બુટલેગરોને માહિતી આપ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગુજરાત પોલીસના ઇતિહાસમાં પોલીસની સૌથી મોટી એજન્સીના ફોન ટ્રેક કરાયાની આ પ્રથમ ઘટના છે. જેની વિગતો એવી છે કે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ મોટાપ્રમાણમાં દારૂની હેરફેર થવાના, અડ્ડા ચલાવવાના અને જુગારના અડ્ડાઓ અંગે માહિતી મળતી હતી. પરંતુ, પોલીસની ટીમ  જ્યારે સ્થળ પર પહોંચે ત્યારે તમામ મુદ્દામાલ સ્થળ પરથી હટી જતો હતો અને બુટલેગરો નાસી જતા હતા. જેથી સતત દરોડા નિષ્ફળ જવાથી મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયને  માહિતી લીક થવાની શંકા ઉપજી હતી. જેથી તેમણે તેમના સ્ટાફમાં તપાસ કરાવી હતી. પરંતુ, સ્ટાફ સંડોવણી મળી આવી નહોતી. બાદમાં ભરૂચ જિલ્લાના પોલીસ વડા લીના પાટીલને મળીને સમગ્ર બાબતે જાણ કરીને સ્થાનિક પોલીસની સંડોવણી અંગે ખાનગીમાં તપાસ કરાવવા અંગે જાણ કરી હતી. જે તપાસમાં ગુજરાત પોલીસનું નાક કપાઇ તેવી વિગતો બહાર આવી હતી. કારણ કે ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાંચના ેઅશોક સોલંકી અને મયુર ખુમાણ નામના કોન્સ્ટેબલ સ્ટેટ મોનીટરીગ સેલના અધિકારીઓના ફોન ટ્રેક કરીને શક્યતા ધરાવતા દરોડાના લોકેશન મેળવીને બુટલેગરોને જાણ કરી દેતા હતા. જેના બદલામાં હપતા ઉપરાંતની રકમ મેળવતા હતા. જેના આધારે બંનેની અટકાયત કરીને લીના પાટીેલે તાત્કાલિક સસ્પેન્ડ કરીને જાસુસી કરવાનો ગુનોે નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. લોકલ ક્રાઇમ બ્રાંચ દરેક શહેરના સૌથી મહત્વની તપાસ એજન્સી હોય છે અને તેમને મોબાઇલ સર્વલન્સ કરવા માટેના સોફ્ટવેર આપવામાં આવે છે. જેથી શંકાસ્પદ લાકોના કે ગુનેગારોના મોબાઇલ ફોન ટ્રેક કરવામાં આવે છે. જો કે બંને કોન્સ્ટેબલ બુટલેગરોના મોબાઇલ કે લોકેશન તપાસવાને બદલે દરોડાની કામગીરી કરતી મોનીટરીંગ સેલના એસ પી નિર્લિપ્ત રાયની સાથે રહેતા પીએસઆઇ સહિત અધિકારીઓને ટ્રેક કરતા હતા. આ ઘટનાની જાણ થતા ગૃહવિભાગે પણ સમગ્ર કેસની તપાસની રજેરજની માહિતી આપવા માટે ભરૂચ પોલીસને આદેશ કર્યો છે અને બંને પોલીસ કોન્સ્ટેબલો ઉપરાંત, તેમની સાથે જોડાયેલા બુટલેગરોની માહિતી આપવા માટે પણ જાણ કરી છે. આ ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચા જગાવી છે.