ફ્લાઈટનો વધુ એક કાંડ આવ્યો બહાર, મુસાફરે ખોલી નાખ્યો ઈમરજન્સી ગેટ

ફ્લાઈટનો વધુ એક કાંડ આવ્યો બહાર, મુસાફરે ખોલી નાખ્યો ઈમરજન્સી ગેટ

નવી દિલ્હી, તા.17 જાન્યુઆરી-2023, મંગળવાર

તિરુચિરાપલ્લી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરે ઈમરજન્સી ગેટ ખોલી નાખવાની ઘટના સામે આવી છે. જોકે આ ઘટના 10 ડિસેમ્બરે બની હોવાની માહિતી મળી છે. આ મામલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં હતા. આ ઘટના એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે તાજેતરમાં જ એર ઈન્ડિયા જેવી એરલાઈન્સમાં યાત્રીઓ દ્વારા ગેરવર્તણૂંકની ઘટનાઓએ ચર્ચા જગાવી હતી.

ફ્લાઈટ તિરુચિરાપલ્લી જઈ રહી હતી

અગાઉ ડીજીસીએએ માહિતી આપી હતી કે આ ફ્લાઈટ ત્રિવેન્દ્રમ જઈ રહી હતી.પણ પછીથી સ્પષ્ટતા કરાઈ હતી કે આ ફ્લાઈટ તિરુચિરાપલ્લી જઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયાની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં પેશાબ કરવાની કથિત ઘટનાઓ બાદથી યાત્રીઓ દ્વારા કરાતી ગેરવર્તણૂકની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. આ ઘટનામાં ઈન્ડિગોની ફ્લાઈટ 6E-7339માં યાત્રીએ ઈમરજન્સી ગેટ ખોલી નાખ્યો હતો. જોકે આ મામલે અત્યાર સુધી યાત્રીની ઓળખ જાહેર થઈ નથી. સદભાગ્યે તે સમયે ફ્લાઈટે ઉડાન ભરી નહોતી અને એટલા માટે જ કોઈ મોટી હોનારત થતા રહી ગઈ. 

બંધ ફ્લાઈટમાં ઘટના બની હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી

ઈન્ડિગો ફ્લાઈટમાં પણ યાત્રી દ્વારા ગેરવર્તણૂકનો કોઈ આ પહેલો મામલો નથી. અગાઉ દિલ્હી-પટણાની ફ્લાઈટમાં પણ ૩ લોકો દ્વારા ફ્લાઈટમાં દારુ પીવાનો મામલો સામે આવ્યો હતો. જ્યારે ક્રૂ મેમ્બર્સે તેમને આમ ન કરવા કહ્યું તો તેઓ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને હોબાળો કરી દીધો હતો. પટણા એરપોર્ટ પર લેન્ડિંગ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

Share: