×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લદ્દાખ કરતા પણ માઉન્ટ આબુ વધારે ઠંડું, 28 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Image - wikipedia

જયપુર, તા.16 જાન્યુઆરી-2023, સોમવાર

ઉત્તર ભારતના લોકો હાલ હાડથીજાવતી ઠંડીમાં કાપી રહ્યા છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, બિહાર અને હરિયાણાના લોકો પ્રચંડ ઠંડીનો સામનો કરી રહ્યા છે, ત્યારે રાજસ્થાનમાં લોકો આજે કડકડતી ઠંડી વચ્ચે ઠુંઠવાઈ ગયા છે. ઠંડી એવી છે કે લદ્દાખ અને મનાલી પણ પાછળ રહી ગયા છે. રાજ્યના માઉન્ટ આબુમાં શિયાળાએ 28 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અહીં લઘુત્તમ તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ પહેલા વર્ષ 1994માં 12મી ડિસેમ્બરે માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 7.4 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

હજુ ચાર દિવસ સુધી કકડતી ઠંડી પડવાની આગાહી

હવામાન વિભાગ દ્વારા આબુમાં આગામી ચાર દિવસો સુધી હાડથીજાવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. ન્યૂનતમ તાપમાન માઈનસ ઉપર સ્થિર રહેશે જ્યારે 19 જાન્યુઆરી બાદ તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે, જેના કારણે લોકોને ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન કેન્દ્ર  જયપુરનાં નિર્દેશક રાધેશ્યામ શર્માએ કહ્યું કે, સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન માઉન્ટ આબુમાં નોંધવામાં આવ્યું છે. માઉન્ટ આબુ ઊંચાઈ પર આવેલો હોવાથી અહીં સૌથી ઓછું તાપમાન અનુભવાઈ રહ્યું છે. 

આગામી 3 દિવસ શીત લહેર અને ગાઢ ધુમ્મસનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી-NCRમાં 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી યથાવત્ રહી શકે છે, ઠંડીનું મોજું પણ ચાલુ રહેશે, ધુમ્મસના કારણે લોકોએ કડકડતી ઠંડી સહન કરવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16, 17 અને 18 જાન્યુઆરીએ કોલ્ડવેવનો પ્રકોપ જોવા મળશે જ્યારે 19, 20 અને 21 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. આ દરમિયાન દિલ્હી-NCRના મુખ્ય સ્ટેશનો પર તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી હિમવર્ષાથી રાહત મળશે, પરંતુ આગામી ત્રણ દિવસ અને રાત્રીનો સમય દરમિયાન ખૂબ જ ઠંડી અનુભવાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19મી જાન્યુઆરી સુધીમાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારોના ઘણા શહેરોનું તાપમાન શૂન્ય સુધી જઈ શકે છે. 20મી જાન્યુઆરી બાદ ઠંડીથી આંશિક રાહત મળવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 23થી 24 જાન્યુઆરીએ વરસાદની શક્યતા છે.