×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જોશીમઠ ત્રણ ઝોનમાં વિભાજિત : જોખમી ઈમારતોને તાત્કાલિક તોડી પડાશે


- બધા જ પ્રકારની મદદની વડાપ્રધાન મોદીની ખાતરી

- 4000 લોકોને સલામત સ્થળે ખસેડાયા : હોટેલો-મકાનો-સરકારી કચેરીઓ સહિત 600 જેટલી ઈમારતો ખાલી કરાવાઈ

જોશીમઠ: ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનની ઘટના પછી તુરંત ઈમારતો ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ખતરાના આધારે જોશીમઠને ત્રણ ઝોનમાં વિભાજિત કરાયું છે. ડેન્જર, બફર અને  સંપૂર્ણ સુરક્ષિત એમ ત્રણ ભાગમાં વહેંચીને બચાવ કામગીરી હાથ ધરાઈ છે. રાજ્ય સરકારની સમિતિએ અહેવાલ સોંપ્યો તે પછી આ નિર્ણય લેવાયો હતો. અત્યાર સુધીમાં ચાર હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

જોશીમઠને ત્રણ ઝોનમાં વિભાજિત કરાયું છે. સર્વેક્ષણના આધારે જોશીમઠમાં ડેન્જર ઝોન, બફર ઝોન અને સેફ ઝોન - એમ ભાગ પાડવામાં આવ્યા છે. ખતરાની રીતે આ ભાગ પાડવામાં આવ્યા છે અને ડેન્જર ઝોનને તુરંત ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીના સચિવ આર. મિનાક્ષીએ કહ્યું હતું કે સરકારે સર્વેક્ષણ કરાવીને વિવિધ ઝોન ઓળખી કાઢ્યા છે. જે ઈમારતોમાં તિરાડો પડી છે અને ભૂસ્ખલનની કે ભેદી હિલચાલ થઈ રહી છે તેને ડેન્જર ઝોન ગણીને સ્થળાંતરનું કામ શરૂ કરાયું છે. જે ઈમારતો જર્જરિત થઈ ગઈ છે તેને તાત્કાલિક તોડી પાડવામાં આવશે.  બફર ઝોન એને ગણાવાયો છે, જે હાલ પૂરતો સુરક્ષિત છે, પરંતુ ભવિષ્યમાં અત્યારના ડેન્જર ઝોન જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 

ભવિષ્યના ખતરાને ધ્યાનમાં રાખીને એ વિસ્તારમાં પણ સરકાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડશે. સુરક્ષિત ઝોનમાં કોઈ ખતરો મંડરાતો દેખાતો ન હોવાથી એ વિસ્તારમાં હાલ કોઈ ચિંતા નથી.

જોશીમઠમાં લગભગ ૪૫૦૦ જેટલી ઈમારતો છે, એમાંથી ૬૦૦ ઈમારતોને ખાલી કરાવાઈ છે. ખાલી કરાવાયેલી ઈમારતોમાં હોટેલો, મકાનો, સરકારી કચેરીઓનો સમાવેશ થાય છે. ૨૦૦ કરતાં વધુ ઈમારતોમાં ડેન્જરની નિશાની રૂપે લાલ રંગની ચોકડી મારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓના કહેવા પ્રમાણે સેન્ય અને આઈટીબીપીની ઈમારતોમાં પણ તિરાડો ધ્યાનમાં આવી છે. મુખ્યમંત્રી શંકરાચાર્ય સાથે ફોન પર વાત કરીને આસપાસના વિસ્તારમાં જરૂરી બધી જ વ્યવસ્થા અને બચાવ કામગીરી કરવામાં આવશે એવી ખાતરી આપી હતી.  

રાજ્ય અને કેન્દ્ર સરકાર સ્થળાંતર થયેલા પરિવારના ધંધા-રોજગારનો ડેટા એકઠો કરી રહી છે. કેટલા વ્યાવસાયિક એકમોને નુકસાન થયું છે તેનું પણ આકલન થઈ રહ્યું છે. તમામને તેમની ક્ષમતા પ્રમાણેની રોજગારી આપવાનો પણ નિર્ધાર વ્યક્ત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. જોશીમઠના તમામ રહેવાસીઓને સંપૂર્ણ મદદની ખાતરી કેન્દ્ર સરકારે આપી છે. બધાની જ સુરક્ષાનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો હોવાનું વડાપ્રધાને કહ્યું હતું.