×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્રવાસી ભારતીયો દેશના ખરા બ્રાન્ડ એમ્બેસેડર્સઃ પીએમ મોદી


- મધ્યપ્રદેશના ઈન્દોરમાં 17મું પ્રવાસી ભારતીય સંમેલન યોજાયું

- ભારતીયો માટે આખી દુનિયા જ સ્વદેશ : વડાપ્રધાન, સંમેલનમાં 70 દેશોના 3500 કરતાં વધુ ભારતીય મૂળના નાગરિકો સામેલ, નર્મદા મૈયાના દર્શન કરવા મોદીની ભલામણ 

- સૂરીનામના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખી અને ગુયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલી મુખ્ય મહેમાનઃ બંનેના મૂળિયા ભારતમાં

ઈન્દોર: મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થઈ હતી. એ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મૂળના નાગરિકોને વિદેશની ધરતી પર દેશના બ્રાન્ડ એમ્બેસેડર્સ ગણાવ્યા હતા. ભારતના વિકાસમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ૭૦ દેશોના લગભગ ૩૫૦૦ જેટલા ભારતીય મૂળના નાગરિકોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. મોદીએ તેમને નર્મદા મૈયાના દર્શનની ભલામણ કરી હતી.

ભારતીય મૂળના વિદેશમાં રહેતા નાગરિકોના સન્માનમાં ૨૦૦૩થી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ થઈ હતી. ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા તે દિવસને પસંદ કરીને દર વર્ષે ૯મી જાન્યુઆરીએ આ ઉજવણી થાય છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ૯મી જાન્યુઆરી, ૧૯૧૫ના દિવસે મુંબઈ આવ્યા હતા. કોરોનાકાળના વિરામ બાદ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં ૧૭મો પ્રવાસી ભારતીય દિવસ ઉજવાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય નિમિત્તે ઉદ્બોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતીય મૂળના નાગરિકો જ્યાં રહે છે ત્યાં ભારતની સંસ્કૃતિને લઈ જાય છે. તેઓ ખરા અર્થમાં ભારતના પ્રતિનિધિઓ છે. મોદીએ કહ્યું હતુંઃ સ્વદેશો ભૂવનત્રયમ્. એટલે કે ભારતીયો માટે તો આખી દુનિયા જ સ્વદેશ છે. બધા જ માનવીઓ આપણાં માટે બાંધવ છે. આ વિચારના પાયા પર ભારતીય સંસ્કૃતિની ઈમારત ઉભી છે. વસુધૈવ કુટુમ્બકમ્ એ ભારતની સંસ્કૃતિ છે. એના આધારે આપણાં પૂર્વજોએ ભારતીય સંસ્કૃતિની ઈમારત બનાવી છે. ભારતીયોએ જ સદીઓ પહેલાં વૈશ્વિક વેપારની  અસાધારણ પરંપરા શરૂ કરી. આપણે દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા અને દરેક સભ્યતા સાથે તાલ મિલાવ્યો. એટલે જ પ્રવાસી ભારતીયોને હું રાષ્ટ્રદૂત કહું છું. કારણ કે તેમની ભૂમિકા ખૂબ અગત્યની અને ચાવીરૂપ છે. તેઓ આપણા યોગ, આયુર્વેદને વિદેશમાં જીવંત રાખે છે. આપણી હાથ બનાવટની પરંપરાગત ચીજવસ્તુઓનું મૂલ્ય પારખે છે અને તેનો વિદેશમાં પરિચય કરાવે છે. ભારતનો જ્યારે અમૃતકાળમાં પ્રવેશ થયો છે ત્યારે આગામી ૨૫ વર્ષમાં પ્રવાસી ભારતીયોની જવાબદારી વધી જશે. ભારત પાસે ગ્લોબલ વિઝન છે અને તેમને વિદેશમાં પહોંચાડવાનું કામ ભારતીય મૂળના નાગરિકો કરે છે. ભારત જી-૨૦ની યજમાની કરી રહ્યું છે તેનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું હતું કે ભારત માટે જી-૨૦ એક અવસર બનીને આવશે. આપણાં કામનો વિશ્વને પરિચય કરાવવાની આ તક છે.

મોદીએ આ તકે ઈન્દોર શહેરની પ્રશંસા કરતા કહ્યું હતુંઃ ઈન્દોર માત્ર સ્વચ્છતાની નહીં, સ્વાદની પણ રાજધાની છે. અહીંના પૌહા, નમકીનનો સ્વાદ એક વખત માણવો જોઈએ. ખાણી-પીણી માટે ઈન્દોર દુનિયામાં લાજવાબ છે. વડાપ્રધાને ઈન્દોર પધારેલા પ્રવાસી ભારતીયોને ઈન્દોરની વાનગીઓનો સ્વાદ માણવાની ભલામણ પણ કરી હતી.

વિશ્વના ૭૦ જેટલા દેશોમાંથી ૩૫૦૦ કરતાં વધુ પ્રવાસી ભારતીયો ઈન્દોરમાં આવ્યા હતા અને પ્રવાસી ભારતીય સંમેલનમાં ભાગીદાર બન્યા હતા. ભારતના મૂળિયા ધરાવતા સૂરીનામના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખી ગુયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલી આ સંમેલનના મુખ્ય મહેમાન બન્યા હતા. સુરીનામના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ ભારતને વિશ્વસનીય ગ્લોબલ પાર્ટનર ગણાવ્યું હતું. તેમણે દેશમાં હિન્દી ભાષાની ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ગુયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલીએ કોરોનાકાળમાં ભારતે વિશ્વને કરેલી મદદની પ્રશંસા કરીને કહ્યું હતું કે ગ્લોબલાઈઝેશન દુનિયાભરમાં નિષ્ફળ નીવડયું હતું ત્યારે ભારતે બતાવ્યું હતું કે મહામારીમાં પણ વૈશ્વિકીકરણ શક્ય છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમ જ વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ સંમેલનમાં સંબોધન કર્યું હતું. ઈન્દોરના લોકોએ ભારતીય મૂળના મહેમાનોને પોતાના ઘરે રોકાવાનો આગ્રહ કરીને અનોખી મહેમાનગતિનો મેસેજ આપ્યો હતો.