×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજાબમાં સરહદ પાસેથી કરોડો રૂપિયાના હેરોઈન સાથે આર્મી જવાનની ધરપકડ


- કેન્દ્રીય એજન્સીઓને સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા 

- પઠાનકોટમાં સિપાહી તરીકે કાર્યરત 26 વર્ષીય સેનાના જવાન અને તેના સાથી પાસેથી 31.02 ડ્રગ્સ ઝડપાયું 

ચંડીગઢ : બીએસએફને પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવતો નશાનો વેપલો પકડવામાં મોટી સફળતા મળી છે. પંજાબના ફાઝિલ્કામાં આવેલી ભારત- પાકિસ્તાન સરહદ પાસેથી શનિવારે મોટી માત્રામાં હેરોઈન ઝડપાયું છે. આ સાથે જ બે મોટા ડ્રગ્સ ડીલરની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી બીએસએફે ૩૧.૦૨ કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. આ કેસમાં ઝડપાયેલા ૨ ડીલરમાંથી એક ભારતીય સેનાનો જવાન છે, જ્યારે બીજો તેનો સહયોગી છે. 

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, કેન્દ્રીય એજન્સીઓ અને બીએસએફના સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. પઠાનકોટમાં સિપાહી તરીકે તેનાત ૨૬ વર્ષીય જવાનને તેના સહયોગી પરમજીત સિંહ પમ્મી સાથે પંજાબના ફાઝિલ્કામાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પંજાબ પોલીસે તેમના કબજામાંથી હેરોઈન સાથે હ્યુંડાઈ કાર અને બે મોબાઈલ ફોન ઝડપી લીધા છે.  આ સાથે જ પોલીસે તેમની પાસેથી કુલ ૩૧.૦૨ કિલોગ્રામ હેરોઈનનો જથ્થો ઝડપ્યો છે.  

આ ઓપરેશન વિશે જાણકારી આપતા ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે, એસએસપી ભૂપિંદર સિંહ સિદ્ધુના નેતૃત્વમાં ફાઝિલ્કા પોલીસે પૂરા ફાઝિલ્કા ક્ષેત્રની ઘેરાબંધી કરી હતી અને મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે હ્યુડાઈ વર્ના કારમાં જઈ રહેલા વ્યકિતઓને રોક્યા હતાં. રોકેલા વ્યકિતઓમાંના એકે ભારતીય સેનાનું ઓળખપત્ર બતાવ્યું હતું. પરંતુ, પોલીસે ગાડીની તપાસ કરવા કહ્યું તો ગાડી બેઠેલા બંને વ્યકિતઓ નાસી ગયા હતા. ત્યારબાદ પોલીસે તેમને ઝડપી લીધા હતા. 

ફિરોઝપુર રેંજના ડીઆઈજી રણજીત સિંહ ઢિલ્લોએ ઓપરેશન વિશે જણાવ્યું કે, બંને આરોપીમાંથી એક પાઈપની મદદથી સરહદ પાર પાકિસ્તાનથી મોકલવામાં આવેલા ડ્રગ્સનો જથ્થો લાવતો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસ સમગ્ર મામલાની ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. કેન્દ્રીય એજન્સીઓ અને પોલીસ આ મામલામાં સામેલ સંપૂર્ણ નેટવર્કની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.