×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જોશીમઠ વધુ ભાર સહન નહીં કરી શકે, ભૂવૈજ્ઞાનિકોએ કારણ સાથે આપી મોટી ચેતવણી

જોશીમઠ, તા.07 જાન્યુઆરી-2023, શનિવાર

હાલ ઉત્તરાખંડના જોશીમઠના રહેવાસીઓ ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. અહીં એવી સ્થિતિ સર્જાઈ છે કે, પોતાનો આશરો હોવા છતાં અસંખ્ય પરિવારોને મકાન છોડવાનો તેમજ અન્ય જગ્યાએ પલાયન થવાનો વારો આવ્યો છે. અહીં 600થી વધુ પરિવારો વસવાટ કરે છે, જેમાંથી 500 મકાનોમાં તિરાડો જોવા મળી રહી છે. કેટલાક મકાનોની તિરાડો મોટી અને પહોંળી જોવા મળી રહી છે. જોશીમઠ વિસ્તારના અસંખ્ય મકાનો તેમજ રસ્તાઓ પર પડેલી તિરાડો જોઈ સૌલોકોમાં ભય ફેલાયો છે. એટલું જ નહીં દિવસે ને દિવસે આ તિરાડો લાંબી અને પહોંળી થતી જઈ રહી છે. તો જોશીમઠમાં જોવા મળેલી અસંખ્ય તિરાડોમાંથી કેટલીક તિરાડોમાંથી પાણી વહી રહ્યું છે. 

જોશીમઠ પરની વિકટ પરિસ્થિતિ આજ-કાલની નહીં પણ વર્ષોથી

આ વિકટ પરિસ્થિતિ અંગે ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે, હિમાલયમાં આવેલા જોશીમઠ શહેરમાં ઘણા વર્ષોથી આવી સ્થિતિ સતત જોવા મળતી રહી છે અને આ સ્થિતિ વધુ વિકટ બનવાની આશંકા છે. પ્રખ્યાત ભૂસ્તરશાસ્ત્રી અને દેહરાદૂન સ્થિત વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના ડિરેક્ટર ડૉ. કલાચંદ સેને જણાવ્યું કે, જોશીમઠમાં ભૂસ્ખલનવાળા વિસ્તારોમાં જમીન ડૂબવાની શરૂઆત ઘણા સમય પહેલા થઈ હતી અને હજુ પણ ચાલુ છે.

જોશીમઠ શહેર જૂના ભૂસ્ખલનના કાટમાળ પર બનાવાયો હતો

ડૉ.કલાચંદ સેને જણાવ્યું કે, જોશીમઠ શહેર જૂના ભૂસ્ખલનના કાટમાળ પર બનાવાયો હતો. જોશીમઠ શહેર ભૂકંપના સૌથી વધુ જોખમ ઉપરાંત સિસ્મિક ઝોન-5 માં પણ આવે છે અને ભૂસ્ખલન માટે અત્યંત સંવેદનશીલ છે. આ સંસ્થાએ વર્ષ 2021માં કરાયેલા એક અભ્યાસનું નેતૃત્વ કર્યું હતું, જેમાં જોશીમઠ શહેરની અત્યંત નબળું હોવાનું જણાવાયું હતું. એટલું જ નહીં જોશીમઠ શહેરની જમીનની મજબૂતાઈની સમસ્યા હંમેશા ચર્ચાતી રહી છે. ભૂસ્તરશાસ્ત્રીય પાયાની મજબૂતાઈ હંમેશા પ્રશ્નમાં રહી છે. યુરેશિયન પ્લેટ હેઠળ ભારતીય પ્લેટના સતત તૂટવાના કારણે આ પ્રદેશ માત્ર સૌથી વધુ ટેકટોનિકલી સક્રિય નથી, પરંતુ માનવ પ્રવૃત્તિઓના વધતા દબાણને કારણે તે વધુને વધુ અસ્થિર બની રહ્યો છે. અભ્યાસમાં આ વિકટ સ્થિતિ ઉભી થવાનું એક કારણ માનવ પ્રવૃત્તિઓનું વધતું દબાણ પણ જણાવાયું હતું.

વધારે પડતું બાંધકામ

ચમોલી જિલ્લામાં લગભગ 6000 ફૂટની ઉંચાઈ પર આવેલ વિસ્તાર અંગે ભૂસ્તરશાસ્ત્રી ડૉ. કાલાચંદ સેને કહ્યું કે, અહીં બાંધકામ પ્રવૃત્તિ સતત વધી રહી છે. સરકાર દ્વારા નિયુક્ત મિશ્રા સમિતિ દ્વારા વર્ષ 1976માં કડક ચેતવણી આપવા છતાં પ્રવાસન ઉદ્યોગની જરૂરિયાતોને પહોંચી વળવા આ વિસ્તારમાં ઘણી હોટલ, રેસ્ટોરન્ટ, ઈમારતો અને રસ્તાઓનું સતત નિર્માણ થઈ રહ્યું છે. નબળી ડ્રેનેજ સિસ્ટમ પાણીના કુદરતી પ્રવાહને રોકી રહી છે. હવે આ કુદરતી પ્રવાહ બહાર નિકળવા તેનો રસ્તો કરવા મજબુત થઈ ગઈ છે. ડૉ. સેને કહ્યું કે, આપણે પાણીને કુદરતી રીતે વહેવા દેવું જોઈએ. સમગ્ર ડ્રેનેજ સિસ્ટમ ફરીથી બનાવવી જોઈએ.