×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદમાં ફિલ્મ 'પઠાણ'નો જોરદાર વિરોધ, ફિલ્મના પોસ્ટર – કટઆઉટ ફાડ્યા


- વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને 5 કાર્યકરોની અટકાયત કરી હતી

અમદાવાદ, તા. 05 જાન્યુઆરી 2023, ગુરૂવાર

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ બુધવારે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના એક મોલમાં હંગામો મચાવ્યો હતો અને આગામી શાહરૂખ ખાન-દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ 'પઠાણ'ના પોસ્ટર અને અન્ય પ્રમોશનલ સામગ્રી ફાડી નાખી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર જે.કે.ડાંગરે જણાવ્યું હતું કે, વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને 5 કાર્યકરોની અટકાયત કરી હતી જોકે બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. VHP દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં કાર્યકરો સૂત્રોચ્ચાર કરતા અને 'પઠાણ'ના પોસ્ટરો અને તેના કલાકારોના મોટા કટઆઉટને ફાડી નાખતા જોઈ શકાય છે.

પઠાણ ફિલ્મનું ગીત 'બેશરમ રંગ'નો વિરોધ

VHPના ગુજરાત યુનિટે અગાઉ કહ્યું હતું કે, તેઓ ફિલ્મ 'પઠાણ'ને રાજ્યમાં રિલીઝ નહી થવા દેશે. ફિલ્મ પઠાણ ફિલ્મનું ગીત 'બેશરમ રંગ'નો વિરોધ થઈ રહ્યો છે જેમાં દીપિકા પાદુકોણ શાહરૂખ ખાન સાથે ઓરેન્જ બિકીનીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. ગુજરાત VHPના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે કહ્યું કે, અમે ગુજરાતમાં પઠાણની સ્ક્રીનિંગને મંજૂરી નહીં આપીશું. અમદાવાદમાં ફિલ્મની રિલીઝ સામેના આજના વિરોધને રાજ્યભરના તમામ થિયેટર માલિકોએ ચેતવણી તરીકે લેવો જોઈએ. તેઓએ આ ફિલ્મને તેમના થિયેટરો કે, મલ્ટિપ્લેક્સમાં રિલીઝ કરવાથી દૂર રહેવું જોઈએ.

'પઠાણ' 25 જાન્યુઆરીએ રિલીઝ થશે

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. 12 ડિસેમ્બરે આ ફિલ્મનું પહેલું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થયું હતું. આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાન 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફરશે. તે છેલ્લે 2018માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઝીરો'માં મોટા પડદા પર જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી સફળ નહોતી રહી. થોડા દિવસો પહેલા આ ફિલ્મને સેન્સર બોર્ડ સમક્ષ પ્રમાણપત્ર માટે રજૂ કરવામાં આવી હતી. CBFCના અધ્યક્ષ પ્રસૂન જોશીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, પઠાણના નિર્માતાઓને ફિલ્મમાં કેટલાક ફેરફારો કરવા માટે સૂચના આપવામાં આવી છે.