×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉ. ભારતમાં શિતલહેર : ગુજરાત ઠંડા પવનોમાં ઠૂંઠવાયું


- માઉન્ટ આબુ માઇનસ 3 ડિગ્રીએ થીજ્યું : મેદાનોમાં ઝાકળ બરફમાં ફેરવાઇ, ઉત્તર ભારતમાં આગામી ચાર દિવસ ઠંડીથી કોઇ રાહત નહીં

- ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં રેડ એલર્ટ, દિલ્હીમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ, રાજસ્થાનના ચુરુમાં તાપમાન શૂન્યની નીચે

- ગુજરાતમાં આજે છૂટાછવાયા વાદળો સાથે ઠંડીમાં ૨થી ૪ સેલ્સિયસના ઘટાડાની શક્યતા

- દિલ્હીમાં નૈનીતાલ અને દેહરાદુન કરતા પણ ઓછું ૪.૪ ડિગ્રી તાપમાન, અનેક ટ્રેનો મોડી પડી, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઇ

- દ્રાસમાં તાપમાન માઇનસ ૨૫ આસપાસ રહેતા વાહનોમાં ડીઝલ, નળમાં પાણી, સિલિન્ડરમાં ગેસ થીજી ગયા

નવી દિલ્હી : સમગ્ર ઉત્તર ભારત હાલ ઠંડીમાં ઠુંઠવાયું છે, દિલ્હીમાં આ શીયાળાનું સૌથી નીચું ૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.   ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટીને ૨૦૦ મીટર પર આવી ગઇ હતી, જેને પગલે વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે ૨૫થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી છે. દિલ્હીનું તાપમાન નૈનીતાલમાં છ ડિગ્રી, દેહરાદુનના ૪.૫ ડિગ્રી કરતા પણ ઓછું 

નોંધાયું હતું. દિલ્હી યુનિ. પાસે સૌથી નીચુ ૩.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ તાપમાન અત્યંત નીચુ રહ્યું છે. જેને પગલે સમગ્ર ઉત્તર ભારતમાં અતી ધુમ્મસની સ્થિતિ પેદા થઇ ગઇ છે અને ડ્રાઇવિંગમાં મુશ્કેલી પડી શકે છે તેવી હવામાન વિભાગે ચેતવણી પણ જારી કરી છે.  

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે જે રાજ્યોમાં વધુ ધુમ્મસ હોય ત્યાં વાહન ચલાવવામાં સાવચેતી રાખવી કેમ કે તેનાથી અકસ્માતનું પ્રમાણ વધી શકે છે. અગાઉ ધુમ્મસને કારણે અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી ચુકી છે. દિલ્હીમાં પાંચ ફ્લાઇટને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. દિલ્હી ઉપરાંત જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર પણ ઠુંઠવાયા હતા. રાજસ્થાનમાં ચુરુમાં તાપમાન શૂન્યથી નીચે એટલે કે ૦.૯ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં બુધવારે અને શુક્રવાર માટે રેડ એલર્ટ જારી કર્યું છે. જ્યારે દિલ્હીમાં આગામી બે દિવસ માટે ઓરેંજ એલર્ટ રહેશે. 

ઉત્તર ભારતમાં સૌથી નીચુ તાપમાન જમ્મુ કાશ્મીરમાં નોંધાયું છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સૌથી ઓછુ માઇનસ ૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે કાશ્મીરનું સૌથી નીચુ તાપમાન પહલગામમાં માઇનસ ૯.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગુલમર્ગમાં લઘુતમ તાપમાન માઇનસ ૮.૪ ડિગ્રી નોંધાયું હતું. તેવી જ રીતે કુપવાડામાં લઘુતમ માઇનસ ૬ ડિગ્રી તાપમાન રહ્યું. અહીંની પ્રખ્યાત દાલ લેક ફરી થીજી ગઇ હતી. જ્યારે કારગીલમાં લઘુતમ તાપમાન માઇનસ ૧૫ ડિગ્રી પહોંચી ગયું હતું. તેવી જ રીતે કારગીલ નજીક આવેલા દ્રાસમાં તો સૌથી નીચું માઇનસ ૨૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દ્રાસમાં લોકોનું જનજીવન ઠપ થઇ ગયું છે. નળમાં પાણી થીજી ગયા છે. લોકોએ આગ લગાવીને પાણીને કાઢવુ પડી રહ્યું છે. ગેસ સિલિન્ડરનો ઉપયોગ પણ ગરમ પાણીમાં રાખીને કરવો પડી રહ્યો છે. આ વિસ્તારોમાં ડીઝલથી ચાલતા વાહનો પેટ્રોલ વાળા વાહનો કરતા વધુ પરેશાન કરી રહ્યા છે. લોકો ડીઝલ વાહનોને શરૂ કરતા પહેલા ટેંકની નીચે સ્ટવ સળગાવવો પડી રહ્યો છે. કે જેથી ડીઝલને પીગાળી શકાય.દ્રાસમાં તાપમાન હજુ માઇનસ ૩૦ ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. આમ સમગ્ર ઉત્તર ભારત હાલ ઠુંઠવાઇ ગયું છે અને આગામી ત્રથી ચાર દિવસ સુધી તેમાં કોઇ જ રાહત ના રહે તેવી શક્યતાઓ છે. ગુજરાત અને રાજસ્થાન સરહદે આવેલા માઉન્ટ આબુના ગુરુ શિખર પર તાપમાન માઇનસ ત્રણ ડિગ્રીએ પહોંચી ગયું છે. હરિયાણા અને પંજાબમાં તાપમાન બે ડિગ્રી આસપાસ રહ્યું છે. ઝારખંડમાં ઠંડીને કારણે આઠમી સુધી સ્કૂલો બંધ રખાશે.  

તાપમાન યથાવત્ પણ તીવ્ર પવનોથી લોકો ધુ્રજી ઉઠયા

તીવ્ર બર્ફીલા પવનથી ગુજરાત ઠંડુગાર, ગિરનાર, પાવાગઢમાં રોપવે બંધ કરાયા

- સમુદ્ર કાંઠે અને ગીરનાર ઉપર વાવાઝોડા જેવા પવનથી કાતિલ ઠંડીનો અનુભવ

ગુજરાતમાં આજે ન્યુનત્તમ તાપમાન તો ૧૦થી ૧૪ સે.રહ્યું હતું  પરંતુ, ઉત્તર-પૂર્વ દિશાએ રાજસ્થાન તરફથી કે જ્યાં કોલ્ડવેવની સ્થિતિથી તે તરફથી બર્ફીલા પવનો તીવ્ર ગતિએ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યપર ફૂંકાતા લોકો ઠંડીથી ધુ્રજી ઉઠયા હતા. જનજીવન પર વ્યાપક અસર થઈ હતી. સેલ્સિયસમાં તો ગઈકાલ કરતા ઠંડીમાં વધારો થયો ન્હોતો પણ તીવ્ર પવનોથી ખાસ કરીને બપોર પછી કાતિલ ઠંડીનો અનુભવ થયો છે. મીની વાવાઝોડા જેવા ઠંડા પવનને પગલે જુનાગઢમાં અંબાજી સુધીના રોપ-વે અને પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાથી ઓખા દરિયામાં ચાલતી ફેરી બોટ સર્વિસને સાવચેતીના પગલારૂપે બંધ કરી દેવાઈ હતી. બીજી તરફ યાત્રાધામ પાવાગઢમાં પણ સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી હતી.

અમદાવાદમાં ન્યુનત્તમ ૧૨.૧ સે.તાપમાન સાથે કલાકના સરેરાશ ૧૩ અને વધીને ૨૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાયો તો રાજકોટમાં ૧૨.૫ સે.તાપમાન સાથે બપોરથી મોડી સાંજ સુધી સરેરાશ ૧૮ કિ.મી.ની ઝડપ નોંધાઈ છે પણ ખુલ્લા માર્ગો પર ૨૫ કિ.મી.નો પવન અનુભવાયો હતો. જામનગરમાં ૧૨ સે.તાપમાને તીવ્ર ઠંડી સાથે સરેરાશ ૩૦ કિ.મી. કે જે વધીને ૪૦ સુધી પહોંચી જતો હતો તેવો તીવ્ર પવન ફૂંકાયો હતો. આ જ રીતે રાજ્યમાં ઠંડીની સાથે ૩૫થી ૭૦ ટકા ભેજ સાથે બર્ફીલા પવન ફૂંકાતા ધુ્રજાવી દેતા ઠારનો અનુભવ થયો હતો.આમ, સવારે ખાસ વધારે ઠંડી ન્હોતી પરંતુ, બપોર પછી તીવ્ર પવનોથી ઠંડી વધી છે. 

તીવ્ર બર્ફીલા પવનોથી જનજીવન અને જીવસૃષ્ટિ પર વ્યાપક અસર જોવા મળી છે. માર્ગો અને બજારોમાં લોકો આજે દિવસે  પણ ગરમ વસ્ત્રોમાં લપેટાઈને બહાર નીકળવું પડયું હતું. ઠંડા પવનો આરોગ્ય પર જોખમી અસર પહોંચાડી શકતા હોય માર્ગો પર રાત્રિના સમયે લોકોએ જવાનું ટાળ્યું હતું. 

આવતીકાલે રાજકોટ,ભૂજ,અમદાવાદ સહિત સ્થળોએ તાપમાન ૧૨ સે.આસપાસ રહેવાની અને ઉંચા લેવલે આછા વાદળો છવાવા સાથે સવારના ન્યુનત્તમ તાપમાનમાં ૨થી ૪ સે.વધારો થવાની એટલે કે ઠંડી ઓછી થવાની આગાહી મિટીયોરોલોજીકલ સેન્ટરે કરી છે.  ગુજરાતમાં આકાશ એકંદરે સૂર્યપ્રકાશિત રહેશે.