×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાં પરાજયના કારણો શોધવા 3 સભ્યોની સત્ય શોધક કમિટી રચી


અમદાવાદ, 4 જાન્યુઆરી 2023 બુધવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ભાજપે આ વખતે 157 બેઠકો જીતીને એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. ત્યારે કોંગ્રેસનો આ વખતનો પરાજય સૌથી ખરાબ પરાજય ગણાયો છે. જે કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી 50થી વધુ બેઠકો પર જીત મેળવતી હતી. તે કોંગ્રેસ 2017માં 80 બેઠકો સુધી પહોંચી ગઈ હતી. પરંતુ આ વખતે કોંગ્રેસની માત્ર 17 બેઠકો આવતાં જ હાઈકમાન્ડ ખૂબજ નારાજ થયો છે. આ વખતના પરિણામોને લઈને કોંગ્રેસ દ્વારા મંથન કરવામાં આવશે. આ માટે કોંગ્રેસે 3 સભ્યોની સત્ય શોધક સમિતીનું ગઠન કર્યું છે. તે ઉપરાંત આ કમિટી ચૂંટણીના પરિણામોના કારણોની સાતત્યતા પણ ચકાસશે.

ગુજરાતમાં સંગઠનમાં મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લાર્જુન ખડગેએ ગુજરાતના પરાજય બાદ સત્ય શોધક કમિટીની રચના કરી છે. જેમાં ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના ચેરમેન તરીકે નીતિન રાઉત, ડો. શકિલ અહેમદ ખાન તથા સપ્તગિરી શંકર ઉલાકાની સભ્ય તરીકે નિમણુંક કરાઈ છે. આ કમિટી કોંગ્રેસ પ્રમુખને ગુજરાતની હારના કારણો અને પરિણામો અંગેનો રીપોર્ટ એક સપ્તાહમાં સોંપશે. ત્યાર બાદ કોંગ્રેસનો હાઈકમાન્ડ ગુજરાતમાં સંગઠનમાં મોટો ફેરફાર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 




કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને ભાજપના વખાણ કર્યા
કાંકરેજના ચાંગા ગામે ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કર્યા હતાં. તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના આગેવાનો-નેતાઓ અમે બધા, ACવાળી કારના કાચ ખોલવા નથી. પક્ષના એક પણ વ્યક્તિએ પરિશ્રમ નથી કરવો. આ ભાજપવાળા વહીવટી તંત્રનો દુરુપયોગ કરે. પૈસા સામ,દામ, દંડ, ભેદ બધાનો ઉપયોગ કરે છે પણ એ લોકો ખરેખર મહેનત કરે છે. તમે ભાજપની સ્ટ્રેટેજી જુઓ આખી સરકાર બદલાઈ જાય પણ કોઈ અવાજ ના કરે. ટિકિટ જેની જેટલી કાપવી હોય તેટલી કાપી નાંખે. આપણે તો હવે હજુ કાંઈ વધ્યું જ નથી, તો હવે શેના ભાગ પાડવાના રહી ગયા એ જ ખબર પડતી નથી.

કોંગ્રેસે વિપક્ષના નેતાની પણ જાહેરાત નથી કરી
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કોણ બેસશે એ હજી નક્કી નથી. કોંગ્રેસે વિપક્ષના નેતા બનાવવા માટે બે નામો દિલ્હી હાઈકમાન્ડને મોકલી આપ્યાં છે. પરંતુ હજી હાઈકમાન્ડે કોઈ પણ પ્રકારનો જવાબ મોકલ્યો નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વિપક્ષના નેતા માટે બે ધારાસભ્યોના નામ હાઈકમાન્ડને મોકલ્યાં છે. જેમાં વિજાપુરના ધારાસભ્ય સી.જે.યાવડા અને દાણિલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનું નામ મોકલવામાં આવ્યું છે. આ બંને માંથી કોઈ એક ધારાસભ્ય વિપક્ષના નેતા બની શકે છે એવું કોંગ્રેસના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. બીજી બાજુ પક્ષના સિનિયર નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાનો ઈનકાર કરતાં કોઈ નવા ચહેરાને સ્થાન આપવાની ઈચ્છા દર્શાવી છે.