×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સમ્મેદ શિખર પર વિવાદ : દિલ્હી-મુંબઈમાં જૈન સમાજનું વિરોધ પ્રદર્શન, ઔવેસીએ આપી પ્રતિક્રિયા

નવી દિલ્હી, તા.01 જાન્યુઆરી-2023, રવિવાર

ઝારખંડમાં આવેલ જૈન તીર્થસ્થાન શ્રી સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળમાં રૂપાંતરિત કરવાના નિર્ણયને પાછો ખેંચવાની માગને લઈ દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દરમિયાન ગુજરાતના પાલિતાણામાં પણ જૈન મંદિરમાં તોડફોડ કરાઈ હતી, આ બંને ઘટનાઓને લઈને મુંબઈમાં જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ જૈન સમાજના લોકોને સમર્થન આપ્યું છે.

દિલ્હીમાં જૈનો પ્રગતિ મેદાનમાં એકઠા થયા છે અને ઈન્ડિયા ગેટ તરફ જઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં ઝારખંડ સરકારના નિર્ણય વિરુદ્ધ આવેદન આપશે. તેમનો વિરોધ ઝારખંડ સરકાર દ્વારા સમ્મેદ શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા સામે છે. તેઓનું માનવું છે કે, ઝારખંડ સરકારના આ નિર્મયને કારણે સમ્મેદ શિખરને નુકસાન થશે તેમજ જૈન સમાજની લાગણી દુભાશે.

ઝારખંડ સરકારના નિર્ણયનો વિરોધ

મુંબઈમાં જૈન સમુદાયના લોકો ઝારખંડ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી એમપી લોઢાએ જણાવ્યું કે, અમે ગુજરાતના પાલિતાણામાં જૈન મંદિરમાં તોડફોડ અને શ્રી સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળમાં બદલવાના ઝારખંડ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છીએ. ગુજરાત સરકારે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. સાંસદ લોઢાએ કહ્યું કે આજે મુંબઈમાં પાંચ લાખ લોકો રસ્તા પર છે.

ઓવૈસીએ જૈન સમાજને સમર્થન આપ્યું હતું

AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ મુંબઈમાં જૈન સમાજના લોકોના વિરોધને સમર્થન આપ્યું છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, અમે જૈન સમાજના લોકોનું સમર્થન કરીએ છીએ અને ઝારખંડ સરકારે આ નિર્ણય રદ કરવો જોઈએ. આ સાથે ઓવૈસીએ ગુજરાતના સીએમને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ અપીલ કરી છે. અગાઉ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ જૈન સમાજને સમર્થન અપાયું હતું. 

શા માટે થઈ રહ્યો છે આ વિવાદ?

ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં આવેલ પારસનાથ પહાડીઓ પર સમ્મેદ શિખરજી જૈન સમાજનું સૌથી મોટું તીર્થધામ છે. સમુદાયના સભ્યો પારસનાથ હિલ્સમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. સમ્મેદ શિખરજીને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધનું મૂળ કારણ તાજેતરમાં જ ઝારખંડ સરકાર દ્વારા બહાર પડાયેલી નોટિસ છે, જેમાં સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ બનાવવાની વાત કહેવાઈ છે. જૈન સમાજના લોકોએ સરકાર દ્વારા જારી કરાયેલી નોટિસને તેમની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનું કહી વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.

જૈન સમાજ શા માટે કરી રહ્યો છે વિરોધ?

જૈન ધર્મના લોકો કહી રહ્યા છે કે જો સમ્મેદ શિખરજીને પર્યટન વિસ્તાર બનાવાશે તો પ્રવાસીઓના આવવાથી અહીં માંસ અને દારૂનું સેવન પણ થશે. અહિંસક જૈન સમાજ માટે પવિત્ર યાત્રાધામમાં આવા કૃત્યો દુઃખદ બાબત છે. સરકાર દ્વારા બહાર પડાયેલા નોટિફિકેશનમાં માછલી અને મરઘાં ઉછેર માટે પણ મંજુરી અપાઈ છે. નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત પણ કરાઈ છે.