×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવી આશા, ઉમંગ સાથે 2023ને વિશ્વભરમાં વેલકમ


- કોરોના મહામારી અને મોંઘવારીની મોંકાણથી ભરેલા 2022ને ગૂડબાય

- ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડ, ઑસ્ટ્રેલિયાના સિડની હાર્બર પૂલ, જાપાનના ટોક્યો, દ. કોરિયાના સીઓલમાં ભવ્ય આતશબાજી

- દેશની એકતા, અખંડતા તથા વિકાસ માટે પોતાને સમર્પિત કરવાનો સંકલ્પ લઈએ : રાષ્ટ્રપતિ મુર્મૂનો રાષ્ટ્રજોગ સંદેશ


નવી દિલ્હી : અનેક ઉથલ-પાથલો અને પડકારોથી ભરેલું વર્ષ ૨૦૨૨ પૂરું થઈ ગયું છે અને સમગ્ર દુનિયા કોરોના મહામારીના ભય વચ્ચે નવા વર્ષની ઊજવણીમાં વ્યસ્ત છે. દુનિયા બે વર્ષ પછી કોરોના પ્રોટોકોલ વિના નવા વર્ષની ઊજવણી માટે તૈયાર છે. નવા વર્ષની ઊજવણીની શરૂઆત સૌથી પહેલાં ન્યૂઝીલેન્ડથી થઈ હતી. ત્યાંથી ઓસ્ટ્રેલિયા, જાપાન થઈને ભારતમાં નવા વર્ષની ધામધૂમથી ઊજવણી થઈ હતી. આ સાથે ભારતીય સમય મુજબ રવિવારે અમેરિકામાં ઊજવણી સાથે આખી દુનિયામાં વર્ષ ૨૦૨૩ના નવા વર્ષનો પ્રારંભ થશે.

દુનિયાના એકદમ પૂર્વીય ભાગ કિરિબાતી ટાપુઓથી નવા વર્ષની શરૂઆત થતી હોય છે. ૨૦૨૩નો સૌથી પહેલો સૂર્યોદય આ વિસ્તારમાં થાય છે. ટેકનિકલી આ એ ટાપુઓ છે જ્યાંથી દરેક નવા વર્ષની શરૂઆત થતી હોય છે. જોકે, ઊજવણીના સંદર્ભમાં જોઈએ તો ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ભારે ધામધૂમથી ઊજવણી થાય છે, જે આખી દુનિયામાં ખ્યાતનામ છે. પૃથ્વીના પૂર્વીય ભાગથી શરૂ થતી નવા વર્ષની ઊજવણી સૌથી છેલ્લે પશ્ચિમી ભાગમાં અમેરિકામાં થાય છે, જે ભારતીય સમય મુજબ આવતીકાલે થશે.

ન્યૂઝીલેન્ડમાં આતશબાજી સાથે લોકોએ વર્ષ ૨૦૨૨ને વિદાય આપી અને નવા વર્ષ ૨૦૨૩ને આવકાર્યું. આ સમયે ઑકલેન્ડના પ્રખ્યાત સ્કાય ટાવરને ઝગમગાતી લાઈટોથી સજાવાયું હતું. અહીં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભવ્ય આતશબાજી કરાઈ હતી. ભારતીય સમય મુજબ સાંજે ૪.૩૦ વાગે ઑકલેન્ડમાં રાતે ૧૨.૦૦ વાગ્યા હતા. અને નવા વર્ષની ઊજવણી થઈ હતી. દુનિયામાં નવા વર્ષની ઊજવણી વહેલા શરૂ થતી હોય તેવા દેશોમાં ઑસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પણ શાનદાર આતશબાજી કરાઈ હતી. ઑસ્ટ્રેલિયાની રાજધાની સિડનીમાં પ્રખ્યાત સિડની હાર્બર બ્રિજને પ્રોગ્રેસ પ્રાઈડ ફ્લેગના રંગોની લાઈટોથી સજાવવામાં આવ્યો હતો. સિડની ઓપેરા હાઉસને પણ રંગબેરંગી લાઈટોથી સજાવાયું હતું. 

જાપાનના ટોક્યો અને દક્ષિણ કોરિયાના સીઓલમાં પણ ભારે આતશબાજી કરાઈ હતી જ્યારે ચીનમાં કોરોના મહામારીને કારણે દરરોજ લાખો કેસ આવી રહ્યા હોવા છતાં ગ્રેટ ચાઈના વોલ પર નવા વર્ષની ઊજવણી કરાઈ હતી.

ભારતમાં પણ કોરોના મહામારીની ચિંતાઓને બાજુ પર મુકીને લોકોએ નવા ઉમંગ અને ઉત્સાહથી નવા વર્ષની ઊજવણી કરી હતી. ઉત્તરાખંડના નૈનીતાલ અને મસૂરીથી લઈને હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલી જેવા પ્રવાસન સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. 

વારાણસીમાં પણ નવા વર્ષની ઊજવણી માટે ગંગા આરતીનું આયોજન કરાયું હતું. ગંગા આરતીમાં ભાગ લેવા માટે વ્યાપક સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને દેશની એકતા, અખંડતા તથા સમાવેશી વિકાસ માટે પોતાને સમર્પિત કરવાનો સંકલ્પ લેવાનું આહ્વાન કર્યું. તેમણે નવા વર્ષના શુભેચ્છા સંદેશમાં કહ્યું કે, નવા વર્ષની નવી સવાર, નવી ઊર્જા સાથે આપણા જીવનમાં નવી ખુશીઓ, લક્ષ્ય, પ્રેરણા અને મોટી સિદ્ધિઓ લઈને આવે.