×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈલેક્ટોરલ ટ્રસ્ટ : ભાજપ રૂ. 352 કરોડ સાથે ટોચે, કોંગ્રેસને 18 કરોડ


- દેશમાં 2021-22માં સૌથી જૂના પક્ષને સૌથી ઓછું દાન

- વર્ષ 2021-22માં રાજકીય પક્ષોને મળેલા કુલ દાનમાં 72 ટકા હિસ્સો ભાજપનો, રાષ્ટ્રીય પક્ષોમાં કોંગ્રેસને સૌથી ઓછું દાન

- ટીઆરએસને રૂ. 40 કરોડ, સમાજવાદીને રૂ. 27 કરોડ, આપને રૂ. 21 કરોડ, વાયએસઆર કોંગ્રેસને રૂ. 20 કરોડનું દાન મળ્યું

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ રાજકીય સ્તરે અસાધારણ દેખાવ કરી રહ્યો છે. પક્ષને મળી રહેલા દાન પરથી આ બાબત સ્પષ્ટ રીતે સમજી શકાય છે. કંપનીઓ અને લોકો અન્ય પક્ષો કરતાં ભાજપને વધુ દાન આપવામાં વિશ્વાસ કરે છે. નાણાકીય વર્ષ 2021-22માં ભાજપને ઈલેક્ટોરલ ટ્રસ્ટ મારફત સૌથી વધુ રૂ. 351.50 કરોડનું દાન મળ્યું છે જ્યારે સૌથી જૂના પક્ષ કોંગ્રેસને માત્ર રૂ. 18 કરોડનું દાન મળ્યું છે. આ સાથે રાષ્ટ્રીય પક્ષોને મળનારા દાનમાં કોંગ્રેસ તળીયે પહોંચી ગઈ છે.

ભાજપને નાણાકીય વર્ષ 2021-22માં વિવિધ ઈલેક્ટોરલ ટ્રસ્ટો મારફત સૌથી વધુ રૂ. 351.50 કરોડનું દાન મળ્યું છે. દેશમાં બધા જ પક્ષોને મળેલા કુલ દાનમાં ભાજપનો હિસ્સો 72.17 ટકા હોવાનું દર્શાવે છે. બીજીબાજુ દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસને વર્ષ દરમિયાન માત્ર રૂ. 18.43 કરોડનું દાન મળ્યું છે. કોંગ્રેસને નાના પક્ષો ટીઆરએસ, સમાજવાદી પાર્ટી, આપ અને વાયએસઆર કોંગ્રેસ કરતાં પણ ઓછું દાન મળ્યું છે.

દેશમાં ચૂંટણી અને રાજકીય પક્ષોની પ્રવૃત્તિઓ પર નજર રાખતી એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ આ માહિતી જાહેર કરી છે. ઈલેક્ટોરલ ટ્રસ્ટ ભારતમાં રાજકીય પક્ષોને કોર્પોરેટ સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી મળતા દાનને ગુપ્ત અને સુવ્યવસ્થિત રાખવા માટે રચાયેલી નોન-પ્રોફિટ સંસ્થા છે. તેનો આશય ચૂંટણી સંબંધિત ખર્ચ માટે ફંડ્સના વપરાશમાં પારદર્શિતામાં સુધારો લાવવાનો છે.

એડીઆરના રિપોર્ટ મુજબ 2021-22માં ઈલેક્ટોરલ ટ્રસ્ટ મારફત કોંગ્રેસ કરતાં ભાજપને 19 ગણુ વધુ દાન મળ્યું છે. વધુમાં ભાજપને મળેલું કુલ દાન અન્ય નવ રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાન કરતાં અઢી ગણુ વધુ છે. એડીઆરે ઈલેક્ટોરલ ટ્રસ્ટનું વિશ્લેષણ કરતા જણાવ્યું છે કે ટ્રસ્ટ મારફત કોંગ્રેસને સૌથી ઓછું રૂ. 18.44 કરોડ જેટલું દાન મળ્યું છે જ્યારે ટીઆરએસને રૂ. 40 કરોડ, સમાજવાદી પાર્ટીને રૂ. 27 કરોડ, આમ આદમી પાર્ટીને રૂ. 21.12 કરોડ અને વાયએસઆર કોંગ્રેસને રૂ. 20 કરોડનું દાન મળ્યું છે. રિપોર્ટ મુજબ વિવિધ ઈલેક્ટોરલ ટ્રસ્ટ મારફત શિરોમણી અકાલી દળને રૂ. 7 કરોડ, પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીને રૂ. 1 કરોડ, ગોવા ફોરવર્ડ પાર્ટી અને ડીએમકેને રૂ. 50-50 લાખ મળ્યા છે. 

વિવિધ ઈલેક્ટોરલ ટ્રસ્ટોએ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન મળેલા યોગદાનની વિગતો જાહેર કરી છે. વિવિધ ઈલેક્ટોરલ ટ્રસ્ટોને કુલ રૂ. 487.09 કરોડનું દાન મળ્યું હતું અને તેમણે વિવિધ રાજકીય પક્ષોમાં રૂ. 487.06 કરોડનું વિતરણ કર્યું હતું. વર્ષ 2021-22માં 89 કંપનીઓ-ઔદ્યોગિક જૂથોએ વિવિધ ઈલેક્ટોરલ ટ્રસ્ટોને રૂ. 475.80 કરોડનું દાન કર્યું હતું, જેમાં 62એ પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. 456.30 કરોડ આપ્યા. બે કંપનીઓએ એબી જનરલ ટ્રસ્ટને રૂ. 10 કરોડનું યોગદાન આપ્યું, ત્રણ કોર્પોરેટ જૂથોએ સમાજ ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. 5 કરોડ અને 15 કંપનીઓએ સ્વતંત્ર ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. 2.20 કરોડનું દાન આપ્યું હતું.

એડીઆરે જણાવ્યું કે 40 વ્યક્તિઓએ 2021-22માં વિવિધ ઈલેક્ટોરલ ટ્રસ્ટને કુલ રૂ. 11.28 કરોડનું દાન આપ્યું છે, જેમાં 13 વ્યક્તિઓએ પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. 8.53 કરોડ, 15 વ્યક્તિએ સ્વતંત્ર ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. 2.61 કરોડ અને 12 વ્યક્તિએ સ્મોલ ડોનેશન ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. 14.34 લાખનું દાન આપ્યું છે.

ઈલેક્ટોરલ ટ્રસ્ટોને કંપનીઓનું દાન

કંપની

દાન

આર્સેલર મિત્તલ નિપ્પોન

રૂ. 70 કરોડ

આર્સેલર મિત્તલ ડિઝાઈન

રૂ. 60 કરોડ

ભારતી એરટેલ

રૂ. 51 કરોડ

સીરમ ઈન્સ્ટિટયુટ

 રૂ. 45 કરોડ

ડીએલએફ લક્ઝરી

રૂ. 25 કરોડ

મેગ્નસ પ્રોપર્ટી

રૂ. 20 કરોડ

જીએમઆર હાઈડ એરપોર્ટ

રૂ. 20 કરોડ

આરપીએસજી વેન્ચર્સ

રૂ. 15 કરોડ

જિન્દાલ સ્ટીલ-પાવર

રૂ. 13 કરોડ

દિલ્હી એવિએશન

રૂ. 12 કરોડ