×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેરળમાં NIA દ્વારા PFIના સભ્યોના 56 સ્થળો પર દરોડા, સંગઠન પર છે પ્રતિબંધ

નવી દિલ્હી, 29 ડિસેમ્બર 2022, ગુરુવાર

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ફરી એકવાર પ્રતિબંધિત સંગઠન પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર કાર્યવાહી કરી છે. આજે વહેલી સવારે કેરળમાં 56 સ્થળો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. કેન્દ્ર દ્વારા સંગઠન પર પ્રતિબંધના વિરોધમાં કેરળમાં પણ હડતાલ જોવા મળી હતી. આ અગાઉ પ્રતિબંધિત સંગઠન પર દરોડા પાડી અને તેના પર કાર્યવાહી કરવામાં આવતા રાજ્યમાં વ્યાપક હિંસા થઈ હતી. કેરળ હાઈકોર્ટે હિંસાની સુઓમોટો સંજ્ઞા લીધી અને કેરળની ડાબેરી મોરચાની સરકારને હડતાળ દરમિયાન જાહેર સંપત્તિને થયેલા નુકસાન માટે આરોપીઓ અને અધિકારીઓને વળતર આપવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

પ્રતિબંધિત સંગઠન ફરી શરુ કરવાનો પ્રયાસ
NIAના અધિકારીઓના જણાવ્યા અનુસાર સંગઠનને નવા નામ સાથે ફરી એકવાર શરુ કરવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેરળના આ કટ્ટરવાદી સંગઠને દેશભરમાં પોતાના મૂળિયા જમાવી લીધા હતા.  આ સંગઠનની ગેરકાયદેસર ગતિવિધિઓને જોતા કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરમાં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. એર્નાકુલમમાં PFI નેતાઓ સાથે જોડાયેલા આઠ જુદા જુદા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત તિરુવનંતપુરમમાં 6 પરિસરમાં એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. આ દરોડા આજે વહેલી સવારે 4 વાગ્યે એક સાથે શરૂ કરવામાં આવ્યા હતા. PFIની રચના 2006માં કેરળમાં જ થઈ હતી. બાદમાં 2009માં એક રાજકીય સંગઠન 'સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા' પણ બનાવામાં આવ્યુ હતું.